Western Times News

Gujarati News

ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરનાર દીકરીને નમો લક્ષ્મી યોજના હેઠળ ૫૦,૦૦૦ શિષ્યવૃતિ

જાગૃતિ હાઇસ્કુલ કુવાઝરમાં ભવ્ય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) ગોધરા, જાગૃતિ હાઈસ્કૂલ કુવાઝરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ-૨૦૨૪ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરવાહડફ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર

તેમજ મંત્રીશ્રી ભાજપા પંચમહાલ ભાનુબેન બારીયા, બી.આર.સી શ્રી જીતુભાઈ, લાયઝન નવીનચંદ્ર માછી, રાજ્ય પ્રાથમિક સંઘ ના સિનિયર મંત્રી પ્રભાતસિંહ, મેડિકલ ઓફિસર રવિન્દ્ર બામણીયા, મુખ્ય સેવિકા શ્રીમતી કમળાબેન, તાલુકા સદસ્ય સમરતબેન બામણીયા, સરપંચશ્રી પ્રવીણસિંહ ચૌહાણ, સંચાલક મંડળના પ્રમુખશ્રી ભુવનેશ્વરભાઈ બારીયા તથા મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત જાગૃતિ હાઇસ્કુલ કુવાઝરમાં ધોરણ ૯ માં ૧૭૮ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૧ માં ૧૧૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. માનનીય ધારાસભ્યશ્રી નિમિષાબેન સુથાર અને ઉપસ્થિત સૌ મહેમાનોએ બાળકોને પુસ્તક કીટ આપીને શાળા પ્રવેશ અપાવ્યો હતો. આ પ્રસંગે નિમિષાબેન સુથારે સરકારશ્રી ની વિદ્યાર્થીઓલક્ષી વિવિધ યોજનાઓની વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરનાર દીકરીને નમો લક્ષ્મી શિષ્યવૃત્તિ યોજના હેઠળ ૫૦,૦૦૦ જેટલી શિષ્યવૃતિ આપવામાં આવશે તથા ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરનાર દીકરા અને દીકરીને નમો સરસ્વતી શિષ્યવૃત્તિ યોજના હેઠળ ૨૫,૦૦૦ શિષ્યવૃત્તિ આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ થકી શાળાઓમાં દીકરીઓનું પ્રમાણ વધ્યું છે અને શિક્ષણ પ્રત્યે જાગ્રતા આવી છે.

આજે દીકરીઓ ખૂબ સારી સફળતા મેળવી આગળ વધી રહી છે જે આ કાર્યક્રમની ફળશ્રુતિ છે. આ પ્રસંગે પ્રભાતસિંહ ખાંટે બાળકોને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. તથા શાળાના આચાર્ય રણજીતસિંહ ચૌહાણે શાળામાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ જેવી કે અટલ ટીન્કરીગ લેબ,અધ્યતન કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ તથા વ્યવસાયલક્ષી શિક્ષણ અંતર્ગત શાળામાં ચાલતા ઈલેક્ટ્રિકલ અને હાર્ડવેર તથા અને સીવણ વર્ગની માહિતી આપી હતી.

શાળાનું ધોરણ ૧૦ અને ૧૨ નું ઝળહળતું પરિણામ લાવવા બદલ સૌ વિદ્યાર્થી અને વાલીગણનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ માનનીય ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારના હસ્તે તથા ઉપસ્થિત મહેમાનોના પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં ઉપસ્થિત સૌને નાસ્તાનું વિતરણ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્યશ્રીએ ઉપસ્થિત સૌ મહેમાનો અને વાલી ગણને તથા સ્ટાફને કાર્યક્રમને સફળ બનાવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.