Western Times News

Gujarati News

અમદાવાદમાં ૩૦૦થી વધુ નશાખોરો ઝડપાયા

File

નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂ પીને ફરતા શખ્સો વિરૂધ્ધ પોલીસની સઘન ઝુંબેશઃ સરદારનગરમાંથી ૧૦૧ અને કૃષ્ણનગરમાંથી ર૧ શખ્સો દારૂ પીધેલા ઝડપાયા

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં નવા વર્ષની મોડી રાત સુધી ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી અને શહેરના સી.જી.રોડ સહિતના વિસ્તારમાં જાહેર રોડ પર નાગરિકો ઉમટી પડયા હતા. પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે થયેલી ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ઘટી ન હતી બીજીબાજુ દારૂ પીને તોફાન કરતા તત્વો પર પોલીસે બાજ નજર રાખી હતી.

ઠેરઠેર ચેકપોસ્ટો ગોઠવી સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ગઈકાલ રાત્રિ દરમિયાન શહેરમાંથી કુલ ૩૦૦થી વધુ નશાખોરોને ઝડપી લેવામાં આવ્યા હતાં આ ઉપરાંત શહેરના છેવાડાના વિસ્તારોમાં કલબો અને ફાર્મ હાઉસો પર વિશેષ નજર રાખવામાં આવી હતી. એસ.જી.હાઈવે પર વાહન ચાલકોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું રાત્રિ દરમિયાન ઠેરઠેર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અને યુવાધન હિલોળે ચઢયું હતું.


વર્ષ ર૦૧૯ની વિદાય સાથે નવા વર્ષ ર૦ર૦ને આવકારવા માટે અમદાવાદ શહેરમાં ઠેરઠેર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં જેમાં ખાસ કરીને શહેરના એસ.જી.હાઈવે પર આવેલી હોટલો, કલબો તથા ફાર્મ હાઉસોમાં ડાન્સ પાર્ટી સહિતના કાર્યક્રમો યોજાયા હતાં જયારે સી.જી.રોડ સાંજથી જ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. રાત પડતા જ સી.જી.રોડ પર મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડયા હતાં અને નવા વર્ષની ઉજવણી માટે મન મુકીને ઝુમતા જાવા મળતા હતાં.

જયારે એસ.જી.હાઈવે પર ઉપર પણ અમદાવાદ શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી નાગરિકો આવી પહોંચ્યા હતાં. નવા વર્ષની ઉજવણીમાં અસામાજિક તત્વો ખલેલ ન પહોંચાડે તે માટે ગઈકાલ સવારથી શહેરભરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને બુટલેગરો ઉપર પણ નજર રાખવામાં આવતી હતી.

ગઈકાલે દિવસ દરમિયાન પણ સરદારનગર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેમાં ૧૦૦થી વધુ શખ્સો સામે પ્રોહિબીશનના ગુના દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ ગઈકાલે સાંજ પડતા જ પોલીસતંત્ર દ્વારા સમગ્ર શહેરમાં ઠેરઠેર પોઈન્ટો ગોઠવી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું ખાસ કરીને સી.જી.રોડ પર વિશેષ તકેદારી રાખવામાં આવી હતી.

વાહન વ્યવહાર માટે આ રસ્તો બંધ કરી દેવાયા બાદ જનમેદની ઉમટી પડી હતી અને લોકો સંગીતના તાલે ઝુમતા હતાં. પોલીસતંત્ર દ્વારા ખાસ કરીને નશાખોરો તથા રોમિયો વિરૂધ્ધ સઘન કાર્યવાહી શરૂ કરી હતી. શહેરમાં ગઈકાલે પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ પ્રોહીબીશનના ર૧૮ કેસો નોંધાયા હતાં.

નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂ પીને તોફાન કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં શહેરભરમાંથી ૩૦૦થી વધુ શખ્સોને દારૂ પીધેલા ઝડપી લેવામાં આવ્યા હતાં જેમાં રામોલ વિસ્તારમાં ચેકિંગ દરમિયાન ૧૮ શખ્સો દારૂ પીધેલા ઝડપાયા હતા જયારે કૃષ્ણનગર વિસ્તારમાં પણ પોલીસે મોડી સાંજે ઝુંબેશ શરૂ કરતા ર૧ શખ્સો દારૂ પીધેલા ઝડપાયા હતાં.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા સઘન ડ્રાઈવ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાંથી દારૂ પીને ફરતા ર૧ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે જયારે નવરંગપુરામાંથી ૧૧ શખ્સોને ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં પણ પોલીસતંત્ર દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં ૧૯ શખ્સો દારૂ પીધેલા ઝડપાઈ ગયા હતાં જયારે સોલામાંથી ૮ શખ્સો ઝડપાયા હતાં આ ઉપરાંત ઈસનપુરમાંથી ૧૦ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતાં શહેરના સરદારનગર વિસ્તારમાં દિવસ દરમિયાન ખાસ ડ્રાઈવ કરવામાં આવી હતી આ ઉપરાંત રાત્રે પણ ચેકિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું જેમાં વધુ ૪૭ જેટલા શખ્સો દારૂ પીધેલા મળી આવ્યા હતાં.

આ ઉપરાંત શહેરના અમરાઈવાડી, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં પણ પોલીસનું સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવામાં આવી હતી. પોલીસ કમિશ્નરે ૩૧મી ડિસેમ્બરની ઉજવણી માટે ખાસ જાહેરનામુ બહાર પાડયુ હતું અને આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બાપુનગર વિસ્તારમાં મોડી રાત સુધી લાઉડ સ્પીકર વગાડનાર એક શખ્સ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

શહેરના સી.જી.રોડ પર મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી  પડયા હતાં અને આ રોડ પર નવરંગપુરા ઉપરાંત આસપાસના પોલીસ સ્ટેશનના સ્ટાફને પણ તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે સી.જી.રોડ પર નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આ રસ્તા પર જાણીતા શો રૂમો પર વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતાં અને રાત્રે ૧ર.૦૦ વાગ્યે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.