ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનાર ગુજરાતની આ ફાર્મા કંપનીઓ મળી નોટીસ
આ કંપનીઓને મળી રહી છે નોટિસ ઃ ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા હતા
(એજન્સી)નવી દિલ્હી, કર સત્તાવાળાઓ ચૂંટણી બોન્ડ ખરીદીને રાજકીય પક્ષોને દાન આપતી કંપનીઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. એવું જાણવા મળે છે કે જે કંપનીઓએ રાજકીય પક્ષોને દાન આપ્યું હતું તેમને હવે ટેક્સ સત્તાવાળાઓ તરફથી નોટિસો મળવા લાગી છે. ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા હતા. કેટલીક કંપનીઓને આ સંબંધમાં નોટિસ મળી છે. આ તે કંપનીઓ છે જેણે ચેરિટીમાં યોગદાન માટે ટેક્સ મુક્તિનો દાવો કર્યો હતો.
ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારી ૧૩૦૦ કંપનીઓ ફસાઈ ગઈ છે. દાન આપી લાભ લીધો હતો, હવે નોટિસો મળવા લાગી છે. આ કંપનીઓમાં મોટા જૂથોનો સમાવેશ થાય છે, જેમાંથી કેટલાક અગ્રણી નામો છે – ઇન્ફોસિસ, એમ્બેસી ગ્રૂપ, મેઘા એન્જિનિયરિંગ, આદિત્ય બિરલા ગ્રૂપ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટોરેન્ટ ફાર્મા, લ્યુપિન, ઇન્ટાસ, ભારતી એરટેલ અને એલેમ્બિક ફાર્મા સહિતની કંપનીઓમાંથી ૧૩૦૦ જેટલી કંપનીઓને ઈન્કમટેક્સની નોટિસ મળી છે.
ઈલેક્ટોરલ બોન્ડની જાન્યુઆરી ૨૦૧૮થી શરૂઆતથી અત્યાર સુધીમાં રાજકીય પક્ષોએ રૂ. ૧૬,૫૧૮ કરોડનું દાન મેળવ્યું હતું. જો કે, ૧૫ ફેબ્રુઆરીના રોજ, દેશની સુપ્રીમ કોર્ટે બોન્ડને ગેરબંધારણીય ઠેરવ્યા હતા. જેનાથી કોર્પોરેટ દાતાઓમાં તેમના યોગદાન પર ટેક્સની અસરો અંગે ચિંતા વધી હતી. મોટી-મોટી કંપનીઓએ આગામી બજેટમાં હસ્તક્ષેપ અને સંભવિત રાહતની માંગણી માટે નાણા મંત્રાલયનો સંપર્ક કર્યો છે.
ચૂંટણી બોન્ડ એક દસ્તાવેજ છે જેનો ઉપયોગ બેરર બોન્ડ તરીકે થઈ શકે છે. કોઈપણ વ્યક્તિ, કંપની, પેઢી અથવા લોકોનું જૂથ ચૂંટણી દાન આપવા માટે તેને ખરીદી શકે છે. ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનાર વ્યક્તિ માટે ભારતીય નાગરિક હોવું અને કંપની અથવા સંસ્થા ભારતમાં નોંધાયેલ હોવી ફરજિયાત છે. આ બોન્ડનો ઉપયોગ કોઈપણ રાજકીય પક્ષને દાન આપવા માટે જ થઈ શકે છે.
ભારતીય જનતા પાર્ટીને કુલ ૬,૯૮૬.૫ કરોડના ચૂંટણી બોન્ડ મળ્યા હતા, જેમાંથી ૨,૫૫૫ કરોડ ૨૦૧૯-૨૦માં પ્રાપ્ત થયા હતા. તૃણમૂલ કોંગ્રેસને ચૂંટણી બોન્ડ દ્વારા ૧,૩૯૭ કરોડ મળ્યા. બીજેપી પછી બીજા નંબરે સૌથી વધુ ચૂંટણી બોન્ડ મેળવનાર મમતા બેનરજીનો ટીએમસી પક્ષ છે. કોંગ્રેસે ચૂંટણી બોન્ડ દ્વારા કુલ ૧,૩૩૪.૩૫ કરોડ મેળવ્યા હતા.
ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ, જે અગાઉ ટીઆરએસ હતી) એ ૧,૩૨૨ કરોડના મૂલ્યના બોન્ડ રિડીમ કરીને ચૂંટણી બોન્ડ મેળવનાર ચોથો સૌથી મોટો પક્ષ છે. દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) ને ચૂંટણી બોન્ડ દ્વારા ૬૫૬.૫ કરોડ મળ્યા, જેમાં લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિન્સ ફ્યુચર ગેમિંગ તરફથી ૫૦૯ કરોડનો સમાવેશ થાય છે. સમાજવાદી પાર્ટીને ૧૪.૦૫ કરોડ, અકાલી દળને ૭.૨૬ કરોડ,
અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (એઆઈએડીએમકે) ને ૬.૦૫ કરોડ, નેશનલ કોન્ફરન્સને ૫૦ લાખ ચૂંટણી બોન્ડ દ્વારા મળ્યા હતા.બીજુ જનતા દળએ ૯૪૪.૫ કરોડ, યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી, ૪૪૨.૮ કરોડ, તેલુગુ દેશમ પાર્ટી ૧૮૧.૩૫ કરોડના ચૂંટણી બોન્ડ મળ્યા હતા. બહુજન સમાજ પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ), અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન દ્વારા ફાઈલ કરવામાં આવેલા દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે કે તેઓને આના દ્વારા ધિરાણ આપવામાં આવશે. ચૂંટણી બોન્ડ મળ્યા નથી.