અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે મ્યુનિ. શાસકોના સબ સલામતના દાવા
જવાબદાર અધિકારીઓ કે કોન્ટ્રાકટરો સામે કાર્યવાહી કરાશે: દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં રવિવારે ભારે વરસાદ બાદ ગોતા, સાયન્સ સીટી, સિંધુભવન રોડ સહિતના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. મ્યુનિ. કોર્પોરેશને ચોમાસા અગાઉ કરેલા તમામ દાવા પોકળ સાબિત થયા હતા અને પ્રિ મોન્સુન એકશન પ્લાન પહેલા વરસાદમાં ધોવાઈ ગયો હતો જેના કારણે નાગરિકોને ભારે હાલાકી થઈ હતી.
ચોંકાવનારી બાબત એ છે કે લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા તેમ છતાં કોર્પોરેશનના કોઈ પણ કર્મચારી સ્થળ પર હાજર જોવા મળ્યા ન હતા. રવિવારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મ્યુનિ. સત્તાધીશો તાકિદે એકશનમાં આવી ગયા છે અને સોમવારે આ અંગે જવાબદાર અધિકારીઓ સાથે મેરેથોન બેઠકનું આયોજન કર્યું હતું જેમાં જરૂરી તમામ પગલાં લેવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. મીટીંગ પૂર્ણ થયા બાદ પરંપરાગત મુજબ ‘સબ સલામત’ના દાવા કર્યાં હતાં.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ રવિવારે જે રીતે વરસાદ થયો હતો તેની સામે વરસાદી પાણીનો નિકાલ પણ ઝડપભેર થઈ ગયો હતો. પ્રિ-મોન્સુન એકશન પ્લાન અંતર્ગત જે કાર્યવાહી કરવામાં આવી હતી તેના પોઝીટીવ પરિણામ જોવા મળ્યા છે. કોર્પોરેશન દ્વારા તળાવોની જળક્ષમતા વધારવા માટે હયાત તળાવોને ઉંડા કરવામાં આવ્યા છે જેના કારણે વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થયો છે.
આ ઉપરાંત વરસાદી પાણીનો જમીનમાં સંગ્રહ થઈ શકે તે માટે જુદા જુદા વોર્ડમાં ૧૩ જેટલા પરલોટીંગ વેલ બનાવવામાં આવ્યા છે જેને પણ સારો પ્રતિસાદ મળ્યો છે વરસાદી પાણી સંગ્રહ થઈ શકે તે માટે પ૦ ખંભાતી કુવા બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી ૧૩નું કામ પૂર્ણ થઈ ચુકયું છે. ગોતા ગોધાવી કેનાલની બોક્ષ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે
જેમાં વોટર વે ખુલ્લો રાખવાથી આસપાસના વિસ્તારોમાંથી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થયો છે. શહેરમાં ૧પ૪ વોટર લોગીંગ સ્પોટ છે તે પૈકી ૧રર વોટર લોગીંગ સ્પોટમાં કામ પૂર્ણ થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે ખારીકટ કેનાલ પર જુદા જુદા ૬૭ સમ્પો પર ૧૧૩ પંપ દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે છે.
આ ઉપરાંત કેચપીટો અને મશીન હોલની વ્યવસ્થિત સફાઈ થઈ હોવાથી વરસાદની માત્રા કરતા ઓછા પાણી ભરાયા છે. શહેરના જુદા જુદા ઝોનમાં અંદાજે ૧૩ કિ.મી. લંબાઈના ૧૮ રસ્તા પર વાઈટ ટોપીંગ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી છે. વાઈટ ટોપીંગ રોડ બનાવવાના કારણે પ્રેરણાતીર્થ દેરાસર વિસ્તારમાં વરસાદના પાણી ભરાઈ ગયા હોવાની રજુઆતો કરવામાં આવી છે પરંતુ આ વિસ્તારની સોસાયટીઓમાં રોડ લેવલ પહેલેથી જ નીચા છે
તેમજ વાઈટ ટોપીંગનું કામ શરૂ કરતા પહેલા રાહુલ ટાવરથી સ્ટાર બજાર રોડ પર હયાત કેચપીટો ઉપરાંત નવી ૭પ કેચપીટો અને ઓમકારેશ્વર મહાદેવથી સેનિક પેટ્રોલપંપ સુધીના રોડ પર નવી વધારાની ૯પ કેચપીટો બનાવવામાં આવી છે તેથી વાઈટ ટોપીંગના કારણે પાણી ભરાયા હોવાની ફરિયાદો ખોટી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.