દેશના અર્થતંત્રને ખોખલું કરતા બોગસ ચલણી નોટના રેકેટનો પર્દાફાશ
સુરતમાંથી રૂ.પ૦૦ના દરની ૩૮ નંગ બોગસ ચલણી નોટ સાથે ત્રણ પકડાયા-પ૦ હજારની નકલી નોટ અડધી કિંમતે ખરીદી હોવાની કબુલાત
સુરત, સુરત એસઓજીએ દેશના અર્થતંત્રને ખોખલું કરતા બોગસ ચલણી નોટના રેકેટનો પર્દાફાશ કરી રીંગરોડ કિન્નરી ટોકીઝ, ઉત્રાણ અને અમરોલીમાંથી ત્રણને ઝડપી પાડી રૂ.પ૦૦ના દરની ૩૮ નંગ બોગસ ચલણી નોટ કબજે લીધી છે. વડોદરાના યુવાન પાસેથી અડધી કિંમતમાં ખરીદી બજારમાં ઘુસાડતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
સુરત એસઓજીએ બાતમીના આધારે રીંગરોડ સ્થિત કિન્નરી ટોકીઝ સામે ભાવિન હિમ્મત વ્યાસ (ઉ.વ.૩૩) રહે. ચામુંડાનગર સોસાયટી, વલ્લભનગર પાસે, પુણા અને મૂળ, ભેંસાણ, જૂનાગઢ)ને ઝડપી પાડી તેની પાસેથી રૂ.પ૦૦ના દરની ૩૮ નંગ ડુપ્લીકેટ ચલણી નોટ ઝડપી પાડી હતી. આ નોટોમાં કાગળની ગુણવત્તા, સિકયુરીટી થ્રેડ, વોટર માર્ક અને પ્રિન્ટીંગમાં ક્ષતિ તથા એક જ સિરીયલ નંબરની એકથી વધુ નોટ હતી.
પ્રાથમિક પુછપરછમાં પોતાની આર્થિક પરિસ્થિતી સારી ન હોવાથી અમરોલીના રજવાડી પાર્ટી પ્લ્ટ નજીક મઢુલી નાસ્તા સેન્ટર ચલાવતા મિત્ર ગોપાલ મુકેશ વિઠ્ઠલાણી (રહે. હંસ લકઝરીયા, સેન્ટોસા એપાર્ટમેન્ટની સામે, ઉત્રાણ અને મૂળ નાના લિલીયા, તા.મોટા લિલીયા, અમરેલી) પાસેથી નોટ લાવ્યાની કબુલાત કરતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી.
પોલીસે ગોપાલની પુછપરછ કરતા પોતાની નાસ્તાની લારી ઉપર આવતા કૃપાલ અરવિંદ પટેલ (ઉ.વ.૩૧ રહે. રિધ્ધી રેસીડન્સી, રજવાડી પાર્ટી પ્લોટ સામે, નવા કોસાડ રોડ, અમરોલી અને મુળ. કમલીવાડ, પાટણ) પાસેથી રૂ.પ૦ હજારની નકલી નોટ અડધી કિંમતે ખરીદી હોવાની કબુલાત કરી હતી
જેથી કૃપાલની ધરપકડ કરી પુછપરછ કરતા વર્ષ અગાઉ જમીનનો સોદો કરવા વડોદરા ગયો હતો ત્યારે પંકજ પંચાલ નામની વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી અને તેની પાસેથી રૂ.૬૦ હજારની નકલી નોટ ખરીદી રૂ.૧૦ હજારની નોટ છુટક બજારમાં વટાવી હતી જયારે રૂ.પ૦ હજારની નોટ ગોપાલને આપી હોવાની કબુલાત કરી હતી.