મહારાષ્ટ્રમાં પહેલીવાર મુખ્ય સચિવ તરીકે મહિલાની નિમણૂક
મુંબઈ, આઈએએસ સુજાતા સૌનિકની મહારાષ્ટ્રના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક સાથે તેઓ રાજ્યમાં આ પદ સંભાળનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા છે. રાજ્યની એકનાથ શિંદે સરકારે તેમની નિમણૂક કરી છે. સુજાતા સૌનિક ૧૯૮૭ બેચના આઈએએસ અધિકારી છે.
તેમના પતિ મનોજ સૌનિક પણ રાજ્યના મુખ્ય સચિવ રહી ચૂક્યા છે. સુજાતા સૌનિક અગાઉ રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી પદે કમાન સંભાળી ચૂક્યા છે. જે બાદ હવે તેમને મુખ્ય સચિવ (ચીફ સેક્રેટરી) પદ સંભાળવાની તક મળી છે. સુજાતા સૌનિકનો મુખ્ય સચિવ તરીકેનો કાર્યકાળ એક વર્ષનો રહેશે અને તેઓ જૂન ૨૦૨૫માં નિવૃત્ત થશે. તેમણે રવિવારે મુખ્ય સચિવ નીતિન કરીર પાસેથી ચાર્જ સંભાળ્યો હતો.
સુજાતા સૌનિક રાજ્યના વરિષ્ઠ આઈએએસ અધિકારી છે અને નિવૃત્ત આઈએએસ અધિકારી મનોજ સૌનિકની પત્ની છે. આ પહેલા મનોજ સૌનિક રાજ્યના મુખ્ય સચિવ પદે કામ કરી ચૂક્યા છે. સુજાતા સૌનિકની નિમણૂક સાથે પ્રથમ વખત કોઈ પતિ-પત્ની એક જ રાજ્યના મુખ્ય સચિવ બનશે.
મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર દ્વારા નિતિન કરીરનો કાર્યકાળ ત્રણ મહિના લંબાવવામાં આવ્યો હતો. તે વધારાનો સમયગાળો પણ પૂરો થઈ ગયા બાદ હવે આ પદ પર સુજાતા સૌનિકની નિમણૂક કરવામાં આવી છે. નીતિન કરીરનો કાર્યકાળ ફરી એકવાર લંબાવવામાં આવશે તેવી ચર્ચા હતી પરંતુ રાજ્ય સરકારે સુજાતા સૌનિકની નિમણૂક કરવા નિર્ણય લીધો છે.
૧૯૮૭ બેચના એડિશનલ ચીફ સેક્રેટરી સુજાતા સૌનિક, એડિશનલ ચીફ સેક્રેટરી મહેસૂલ રાજેશ કુમાર (૧૯૮૮) અને મુખ્યમંત્રીના એડિશનલ ચીફ સેક્રેટરી ઇકબાલ સિંહ ચહલ (૧૯૮૯)ને મુખ્ય સચિવ પદ માટે દાવેદાર ગણવામાં આવ્યા હતા. તેમાં સુજાતા સૌનિકના નામની મહોર લાગી હતી.
સુજાતા સૌનિકે ચંદીગઢમાં શાળા અને કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પંજાબ યુનિવર્સિટીમાંથી ઈતિહાસમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમણે એડિશનલ ચીફ સેક્રેટરી, કૌશલ્ય વિકાસ વિભાગ, ગૃહ મંત્રાલય અને ભારત સરકારના સલાહકાર સંયુક્ત સચિવનું મહત્વપૂર્ણ પદ પણ સંભાળ્યું છે. તેઓ છેલ્લા ત્રણ દાયકાથી વહીવટી સેવામાં કાર્યરત છે.