પાક. સાંસદે કહ્યું,‘મેરી આંખોં મેં દેખેં’, સ્પીકર બોલ્યા,‘નહીં, મૈં નહીં દેખ સકતા’..!
ઈસ્લામાબાદ, ઉમરાવ જાન ફિલ્મનું લોકપ્રિય ગીત ‘ઇન આંખોં કી મસ્તી કે અફસાને હજારોં હૈં’ જેવો ઘાટ પાકિસ્તાની સંસદમાં જોવા મળ્યો હતો. જ્યારે એક મહિલા સાંસદે સ્પીકરને કહ્યું હતું કે,‘આપ મેરી આંખોં મેં દેખેં સર’. ત્યારે સ્પીકરે એવી કમેન્ટ કરી હતી કે,‘નહીં, મૈં આપકી આંખોં મેં નહીં દેખ સકતા’.
આ હળવી શરારત ભરેલી ચર્ચા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે અને કોઇને એમાં ‘રૂમાનિયત’ પણ જોવા મળી રહી છે. સામાન્ય રીતે કોઇ પણ દેશના સંસદની કાર્યવાહી અત્યંત બોરિંગ અને રસહીન બની જતી હોય છે.
પરંતુ ક્યારેક ક્યારેક સાંસદો વચ્ચે અથવા તો સાંસદ અને સ્પીકર વચ્ચે થતી હળવી ટકોર એટલી બધી રસપ્રદ બની જાય છે કે એ કાયમ માટે લોકોને યાદ રહી જાય છે.
પાકિસ્તાનની સંસદમાં પણ આવી જ હળવી ઘટના બની હતી જેમાં જરતાજ ગુલ નામની સાંસદે સ્પીકરને કહ્યું હતું કે,‘મારા પક્ષના નેતાઓએ મને શીખવાડ્યું છે કે સામે વાળાની આંખોમાં આંખ નાંખીને વાત કરવી જોઇએ. જ્યાં સુધી તમે મારી આંખોંમાં જોઇને વાત નહીં કરો ત્યાં સુધી હું મારી વાત પુરી નહીં કરી શકું.
પ્લીઝ તમે તમારા ચશ્મા પહેરી લો. હું એક નેતા છું અને ૧.૫ લાખ વોટથી જીતીને સદનમાં આવી છું.’ જરતાજની આ ટકોરનો સ્પીકર અયાઝ સાદિકે જવાબ આપ્યો હતો કે,‘હું તમારી વાત સાંભળી રહ્યો છું, પરંતુ તમારી સાથે આઇ કોન્ટેક્ટ નહીં કરી શકું.
એક સ્ત્રી સાથે આંખો મિલાવવી યોગ્ય નથી.’ જરતાજે વળતો જવાબ આપ્યો હતો કે,‘જો તમે ૫૨ ટકા મહિલાઓ સાથે આ રીતે જ વાત કરશો તો સદનમાં કેટલાક લોકો જ ચર્ચામાં ભાગ લઇ શકશે.’
જોકે આ ટકોર બાદ પણ સ્પીકરે જરતાજ ગુલ સાથે આંખ મિલાવવાનું ટાળ્યું હતું. પાકિસ્તાની સંસદનો આ રસપ્રદ વીડિયો ટિ્વટર સહિતના સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને એને ૧.૩ મિલિયનથી પણ વધુ વ્યૂઝ મળ્યા છે. એક યુઝરે તો એવું પણ લખ્યું છે કે,‘આ વિડીયો ખૂબ મસ્ત છે.’SS1MS