કોસ્મેટીકની આડમાં એલોપેથીક દવાના લેબલો લગાડી એમેઝોન પર બનાવટી દવા વેચાણનો પર્દાફાશ
સુરત ખાતે લાયસન્સ વગર ચાલતી એલોપેથીક દવા બનાવટી ફેક્ટરી પકડાઈ
Ø તંત્ર દ્વારા શંકાસ્પદ એલોપેથીક દવાના ૩ નમુના અને કોસ્મેટીકના ૧૧ કુલ ૧૪ નમુના લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા.
Ø ૩૦ લાખની કિંમતનો બનાવટી એલોપેથીક દવા અને કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત.
Ø આયુષી એન્ટરપ્રાઇઝ, સુરત દ્વારા DEMELAN Cream 50 gm બનાવટી એલોપેથીક દવાનું લેબલ લગાડી ઓનલાઇન એમેઝોન જેવા પ્લેટફોર્મ પર વેચાણ કરતા પકડી પાડેલ.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના કમિશનર ડૉ. એચ. જી. કોશિયા
રાજ્યના નાગરિકો ને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે.
રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર – બનાવટી દવાના વેચાણમા સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર કટિબ્ધ છે. જેના ભાગરૂપે તાજેતરમાં ડૉ. એચ. જી. કોશીયાને માહીતી અને ફરીયાદ મળેલ કે DEMELAN Cream 50 gm દવા સુરતની કોઇ પેઢી દ્વારા એમેઝોન પર વેચાઇ રહી છે
જે અન્વયે તેમના માર્ગદર્શન હેઠળ મુખ્ય કચેરી, ગાંધીનગરના શ્રી વાય. જી. દરજી. નાયબ કમિશ્નર (આઇ.બી.), શ્રીમતી બી. એન. વ્યાસ, મદદનીશ કમિશ્નર (આઇ.બી.), ડૉ. પી. બી. પટેલ, ઔષધ નિરીક્ષક, શ્રી પ્રકાશ પૃસનાની, મદદનીશ કમિશ્નર, સુરત અને સુરત કચેરીના અન્ય અધિકારીઓની સાથે રહી ગેરકાયદેસર વગર પરવાને દવાઓ / કોસ્મેટીકનું વેચાણ કરતી પેઢીઓ
(૧) આયુષી એન્ટરપ્રાઇઝ, ૨૦૯, શ્રી પુજન પ્લાઝા, એસ.એમ.સી. લિંબાયત ઓફિસ પાસે, સુરત દ્વારા DEMELAN Cream 50 gm પ્રોડક્ટ પર બજારમાં ઉપલબ્ધ એલોપેથીક ઓઇન્ટમેન્ટની કોપી કરી MNB/09/732 બનાવટી લાયસન્સ નંબર છાપી લેબલ બનાવી જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરી એમેઝોન પર ઓર્ડર પ્રમાણે રૂ. ૯૯૯ વસુલ કરી સદર ઓઇન્ટમેન્ટ / ક્રિમ કેટેગરીની દવાનું વેચાણ સાવંત રાહુલ, રહે. ૮૫, ઉમીયા નગર-૧, ડિંડોલી, સુરત નામના વ્યક્તિને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
(૨) આર. જે. એન્ટરપ્રાઇઝ, ૨૧૨, ધી પ્લેટીનીયમ પ્લાઝા, વીટી સર્કલ પાસે, જકાતનાકા, સુરત ના માલીક રુત્વીક જીવમભાઇ કથીરીયા દ્વારા લેબલ વગર આયુષી એન્ટરપ્રાઇ દ્વારા જે મુજબ દવાનું પેકિંગ અને બીલ બનાવી સપ્લાય કરતા તંત્રના અધિકારીઓએ પકડી પાડેલ. વધુમાં આર. જે. એન્ટરપ્રાઇઝ ખુબ જ મોટા પ્રમાણમાં લેબલ વગરના કોસ્મેટીકનું ઉત્પાદન કરાવી તેઓના નિયમીત કસ્ટમરોને કોઇપણ જાતના ઉત્પાદનના લાયસન્સ વગર
તેઓના ગોડાઉનમાં જ પેકીંગ કરી ટેસ્ટીંગ કર્યા વગર વેચાણ કરતા હોવાનું તપાસ દરમ્યાન ખુલેલ છે અને તેઓ તેઓની બહેન નીશા કથીરીયા કે જેઓ લેબલ બનાવવાના જાણકાર હોઇ તેઓની પાસેથી અલગ-અલગ બ્રાન્ડનું તથા બીજાના ઉત્પાદનનું ડુપ્લીકેટ લેબલ બનાવડાવતા હતા અને કોસ્મેટીકનું વેચાણ કરતા હોવાનું પકડી પાડેલ. તેઓ લેબલ વગરની દવા અને કોસ્મેટીક સુરતના ઉત્પાદક કાહીરા બાયોટેક સુરત પાસે મેળવેલ હોવાનું પણ તંત્રના અધિકારીઓએ પકડી પાડેલ છે.
(૩) તંત્રના અધિકારીઓ દ્વારા કાહીરા બાયોટેક, પીપોદરા તા. માંગરોળ, સુરત ખાતે તપાસ કરતા પેઢીના માલીક શ્રી કમલેશભાઇ ભાલોડીને ત્યાં દરોડો પાડતા DEMELAN Cream 50 gm એલોપેથીક બનાવટનો ૪૯૪ x ૫૦ gm ક્રિમ ભરેલા પેક મળી આવેલ અને તે ઉપરાંત લેબલ વગરના કોસ્મેટીકનો મોટી માત્રામાં જથ્થો તંત્રના અધિકારીઓએ પકડી પાડેલ. જેઓએ એલોપેથીક દવાના કોઇપણ જાતના પરવાના મેળવેલ નથી અને પ્રોડક્ટ ઉત્પાદનનું લાયસન્સ પણ ધરાવતા નથી. વધુ પૈસા કમાવવાની લાલચે એલોપેથીક દવાઓ લાયસન્સ વગર ઉત્પાદન કરતા હોવાનું પણ જણાઇ આવેલ.
તપાસ દરમ્યાન કુલ ૧૪ નમુનાઓ લઈ પૃથ્થકરણ અર્થે મોકલી આપેલ છે. ત્રણેય પેઢીઓમાંથી કાયદેસરની કાર્યવાહી અર્થે ૩૦ લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસનો ધમધમાટ ચાલુ કરેલ છે. આ ત્રણેય પેઢી દ્વારા કેટલા સમયથી કોને-કોને ડુપ્લીકેટ દવા અને કોસ્મેટીકનું વેચાણ કરેલ છે તેની તપાસ તંત્રના અધિકારીઓ કરી રહ્યા છે.
વધુમાં શ્રી ડૉ. એચ. જી. કોશીયાએ જણાવ્યું છે સદર ફેક્ટરીની તપાસ દરમ્યાન હકીકત ખુલેલ છે કે કોઇપણ જાતના પરવાના વગર ગેરકાયદેસર રીતે ગુણવત્તા વગરની દવાઓનું વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા સ્વાસ્થય જોખમાય તેવું ખુબ જ ગંભીર કૃત્ય કરેલ છે અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ તાજેતરમાં ગાંધીનગર ખાતે નકલી બનાવટી દવાના ઉત્પાદક તથા ગેરકાયદેસર દવાની ફેક્ટરી પર પાડેલ દરોડા અને સુરત ખાતે પણ ઉત્પાદક અને પેઢીઓ પર પાડેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયેલ છે.