ભરૂચની રહાડોપર ગ્રામ પંચાયતની હદમાં ગંદકીના સામ્રાજયથી રોગચાળાનો ભય
સફાઈ અભિયાનના ધજાગરા ઉડાડતી તસ્વીર સામે આવ્યા બાદ તાલુકા અને જીલ્લા પંચાયત દ્વારા કાર્યવાહી કરાશે?
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ તાલુકાના રહાડપોર ગ્રામ પંચાયતની હદમાં રોડની આજુબાજુ કચરાના ઢગલા જોવા મળે છે. ખુબજ ગંદકી છે, દુર્ગંધ લાગે છે,વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.જે જગ્યાએ જાહેર નોટીસનું બોર્ડ લગાવવામાં આવેલ છે તે જગ્યા ઉપર જ ખુબ મોટા પ્રમાણમાં કચરો જોવા મળે છે.
દેશના વડાપ્રધાન સ્વચ્છ ભારત મિશન અંતગર્ત સફાઈ અભિયાન ચલાવી રહ્યા છે.જે અભિયાનને નેતાઓ, પાલિકા, તાલુકા પંચાયત,જીલ્લા પંચાયત,ગ્રામ પંચાયત કે પછી વિવિધ સંસ્થાઓ દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવે છે અને માત્ર ફોટો સેશન કરી સફાઈ કરી હોવાના બણગા મારતા હોય છે.ત્યારે ભરૂચ તાલુકાના રહાડપોર ગ્રામ પંચાયતના સરપંચના હુકમથી લગાડવામાં આવેલ જાહેર નોટીસનું બોર્ડ પણ કચરા સમાન થઈ ગયું છે.
જાહેર જગ્યા તથા રસ્તાની આજુબાજુ કચરો નાખી ગંદકી ફેલાવવા નહી અને જો તેમ થવામાં કસુરવાર પાસે પ૦૦ રૂપિયાના દંડની રકમ ગ્રામ પંચાયત દ્ધારા વસુલ કરવામાં આવશે તેવો હુકમ દર્શાવતું બોર્ડ લખેલ છે અને જેની સખ્ત નોંધ લેવી તેવી પણ નોંધ છે.પરંતુ કચરો નાખનાર અને ગંદકી ફેલાવનાર સરપંચના હુકમની ઐસીતૈસી કરી રહ્યા છે.
પ૦૦ રૂપિયાનો દંડ કોણ વસુલ કરશે? આ પંચાયત અઠવાડીયામાં માત્ર મંગળવારે એક જ વાર ખુલે છે તો પછી ગંદકી કેવી રીતે સાફ થશે? આવી ગંદકી અને કચરાની સાફ સફાઈ માટે પંચાયત દ્વારા જે પણ એજન્સી કે કોન્ટ્રાકરને સાફ સફાઈ અને કચરો ઉઠાવવા માટે કામગીરી આપેલ છે તે કામગીરી ખરેખર થાય છે ખરી?
તેવા સવાલો ઉઠવા પામ્યા છે. નંદેલાવ ગ્રામ પંચાયતના ગેટથી ચાવજ તરફ જતા મુખ્ય રોડની ડાબી અને જમણી બાજુ કચરાના ઉકરડા જોઈ શકાય છે.