Western Times News

Gujarati News

વાવણીલાયક વરસાદ બાદ પહેલા રાઉન્ડમાં ખરીફ પાકોનું 20,922 હેક્ટરમાં નોંધપાત્ર વાવેતર

16,500 હેક્ટરમાં કપાસ, 1346 હેક્ટરમાં શાકભાજી, 2583 હેક્ટરમાં જુવાર-બાજરી-મકાઈ તથા 315 હેક્ટરમાં ડાંગરનું વાવેતર

ડાંગર, કપાસ અને કઠોળની વાવણી- રોપણીનું કાર્ય પૂરજોશમાં, સારા વરસાદની શક્યતાને પગલે વાવેતર વધવાની પ્રબળ શક્યતા

રાજ્યભરમાં જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ વરસી ચૂક્યો છે. નોંધપાત્ર વરસાદને કારણે ખરીફ પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર શરૂ થઈ ચુક્યું છે. સારા વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને જુદાં જુદાં વિસ્તારના ખેડૂતો હજુ વધારે વાવેતરનું આયોજન કરી રહ્યા છે. 

જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી હિતેષભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે, દર વર્ષની જેમ આ વર્ષે પણ કુલ ખરીફ વાવેતરમાં સરકારશ્રીની ટેકાના ભાવે ખરીદીની યોજનાને પરિણામે ખેડૂતો હોંશે-હોંશે વાવણીમાં વ્યસ્ત બન્યા છે. જુલાઈ માસની શરૂઆતમાં વાવેતરના પ્રાપ્ત આંકડાઓ જોઈએ તો જિલ્લાભરમાં 16,500 હેક્ટરમાં કપાસ, 1346 હેક્ટરમાં શાકભાજી, 2583 હેક્ટરમાં જુવાર-બાજરી-મકાઈ તથા 315 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે. આ ઉપરાંત તુવેર, મગ, મઠ, અડદ સહિતના કઠોળ પાકોનું વાવેતર પણ શરૂ થઈ ચુક્યું છે.આમ કૂલ 20,922 હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થઈ ચુક્યું છે. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સરેરાશ વાવેતર 4 લાખ હેક્ટર આસપાસ રહેતું હોય છે. હાલમાં અમદાવાદ જિલ્લાના બાવળા, દસક્રોઈ, દેત્રોજ, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ, સાણંદ અને વિરમગામ એમ કુલ 9 તાલુકામાં વ્યાપકપણે વાવેતરની કામગીરી શરૂ થઈ ચૂકી છે અને વરસાદ સાથ આપશે તો ખૂબ સારું વાવેતર થશે અને આ વર્ષ ખેડૂતો માટે ખૂબ જ સારું નીવડશે, એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.