બાવળા ખાતે પ્રાકૃતિક ખેતીની તાલીમમાં ૪૦૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો
બાવળા ખાતે પ્રાકૃતિક ખેતી માટે ખરીફ પાકની પૂર્વતૈયારીના ભાગરૂપે મીટિંગનું આયોજન થયું
અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે આવેલા અટલ કોમ્યુનિટી હોલ ખાતે પ્રાકૃતિક ખેતી માટે ખરીફ પાકની પૂર્વતૈયારીના ભાગરૂપે તેમજ પ્રાકૃતિક ઉત્થાન ફોર્મર પ્રોડ્યુસર કંપનીની દ્વિતીય વાર્ષિક જનરલ બોડી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ દ્વિતીય વાર્ષિક જનરલ બોડી મીટિંગ અંગે વાત કરતા અમદાવાદ જિલ્લાના આત્માના પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી કે.કે. પટેલે જણાવ્યું હતું કે, આ દ્વિતીય વાર્ષિક સભામાં ૪૦૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. ખેડૂતોની માંગ મુજબ પ્રાકૃતિક ખેતપેદાશના વેચાણના હેતુથી પ્રાકૃતિક ઉત્થાન ફોર્મર પ્રોડ્યુસર કંપનીની સ્થાપના કરવામાં આવી છે. આમ, બાવળા ખાતે પ્રાકૃતિક ખેતપેદાશના વેચાણ કેન્દ્રની શરૂઆત પણ થઈ ગઈ છે.
પ્રાકૃતિક ઉત્થાન ફોર્મર પ્રોડ્યુસર કંપની, જે સાણંદ બાવળા અને વિરમગામ તાલુકામાં છેલ્લા એક વર્ષથી કાર્યરત છે, જે ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ અને ટાટા મોટર્સ લિ. (સાણંદ પ્લાન્ટ)ના સહયોગથી રચાયેલી છે.
આ તાલીમમાં નવાગામ ચોખા સંશોધન કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક શ્રી ડૉ. મહેશભાઈ પરમારે ડાંગરની વિવિધ જાતો અને પાક ની માહિતી ઉપસ્થિત ખેડૂતોને આપી હતી. આ ઉપરાંત નિષ્ણાંત શ્રી મુકેશભાઈ તૃણ ધન્ય પાકોની માહિતી ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ અમદાવાદ જિલ્લાના ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, આત્મા તેમજ પ્રાકૃતિક ઉત્થાન ફોર્મર પ્રોડ્યુસર કંપનીના સંયુકત ઉપક્રમે યોજાયો હતો.
આ દ્વિતીય વાર્ષિક જનરલ બોડી મીટિંગમાં ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કાંતિભાઈ મકવાણા, પ્રાકૃતિક ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કાશીરામભાઈ વાઘેલા, બાગાયત અધિકારી શ્રી રિદ્ધિબહેન વસરા તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.