રેશનિંગમાં ગેરરીતિ કરનાર પંચમહાલના ૪ વેપારીઓની અટકાયત
કચ્છ-ભૂજ, જામનગર, પાલનપુર અને રાજકોટ જેલમાં ધકેલાયા
ગોધરા, જાહેર વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિ આચરનાર ઈસમો સામે પીબીએમ હેઠળ કરાયેલી દરખાસ્તને જિલ્લા કલેકટર દ્વારા મંજૂરી અપાતા પંચમહાલ એલસીબી પોલીસ દ્વારા રેશનિંગની દુકાનના ચાર સંચાલકોની પીબીએમ હેઠળ અટકાયત કરી રાજ્યની વિવિધ જેલોમાં ધકેલવામાં આવ્યા હતા.
પંચમહાલ જિલ્લામાં આવેલી કેટલીક રેશનિંગની દુકાનોમાં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં તપાસ દરમિયાન સરકારી અનાજ સગેવગે કરવાની સાથે જાહેર વિતરણ વ્યવસ્થામાં અનેક ગેરરીતિ સામે આવી હતી
જેને લઈને પુરવઠા વિભાગ દ્વારા ગરીબોનું હકનું આનાજ સગેવગે કરનાર અને અનાજ વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિ આચરનારા શહેરા તાલુકાના બે અને ગોધરા તાલુકાના બે એમ રેશનિંગની દુકાનના ચાર સંચાલકો સામે પીબીએમ એટલે પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ કાયદા હેઠળ જેલમાં ધકેલવાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા કલેકટર સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટર આશિષકુમાર દ્વારા પીએમબી દરખાસ્તને મંજૂરી અપાયા બાદ પંચમહાલ એલસીબી પોલીસ દ્વારા શહેરા તાલુકાના ખરોલી, ખરેડિયા તેમજ ગોધરા તાલુકાના મોરડુંગરા અને બોડીદ્રા બુઝર્ગ ગામની સસ્તા અનાજની દુકાના ચારેય સંચાલકોની પીબીએમ હેઠળ અટકાયત કરીને કચ્છ-ભૂજ, જામનગર, પાલનપુર અને રાજકોટ એમ રાજ્યની જુદી-જુદી જેલોમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી. પાસા હેઠળ અટકાયત કરાયેલા વ્યક્તિઓમાં
(૧) નટવર ભારત પટેલિયા, સંચાલક પંડીત દિન દયાળ ગ્રાહક ભંડાર ખરોલી, તા.શહેરા, (ર) રાયસિંગ લક્ષ્મણ નાયકા, સંચાલક, પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર ખરેડીયા, તા.શહેરા, (૩) અખમસિંહ સામંતસિંહ પટેલ, સંચાલક ધી સાલીયા અર્ધક્ષમ સેવા સહકારી મંડળી લી,બોડીદ્રાબુઝર્ગ, તા.ગોધરા, (૪) મુકેશ અર્જુન પટેલ, સંચાલક, પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર મોર ડુંગરા, તા.ગોધરા)નો સમાવેશ થાય છે.