આમોદ પાલિકાના વિપક્ષી સદસ્ય આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસે અટકાયત કરી
આમોદ નગરપાલીકાના ભંગારની હરાજીના વિવાદનો મામલો
ભરૂચ, આમોદ નગરપાલીકાના ભંગારની હરાજીનો મુદ્દે વિપક્ષે આક્રમક વલણ અપનાવી આમોદ મામલતદારને આવેદનપત્ર આપી આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.જેથી વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.ત્યારે આજ રોજ પાંચ દિવસ પૂરા થતાં આમોદ પાલિકાના અપક્ષ સદસ્ય મહેન્દ્રભાઈ દેસાઈ આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસે તેઓની અટકાયત કરી દીધી હતી.
જોકે પોલીસે કોઈ આકસ્મિક ઘટના ના બને તે માટે તકેદારીના ભાગ રૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધી હતો.તેમજ ફાયર ફાઈટર સાથે તેમજ એબ્યુલન્સનો સ્ટાફ પણ ગોઠવી દીધો હતો.
પોલીસે આત્મવિલોપન કરતા નગર સેવકની અટકાયત કરતા ભરૂચ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, જંબુસર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, કોંગ્રેસી આગેવાન પ્રભુદાસ મકવાણા,ઉસ્માન મિડી,જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિત પાલિકાના ચૂંટાયેલા અપક્ષના નગરસેવકો સાથે રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં આમોદ પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતા
અને જંબુસર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરી સાથે બેઠક કરી હતી. જેમાં આમોદ પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલી હતી.તેમજ આમોદ પોલીસની ધીમી ગતિની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી કાર્યવાહી કરવા માંગ કરી હતી.
ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર દિલ્હીથી લઈને આમોદ સુધી ખુલ્લો આવી ગયો છે.હરાજીના દોઢ લાખ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને સાચવવા માટે આ પૈસા રાખવામાં આવે છે અને
અમારા કાર્યકરે આત્મવિલોપનની ચીમકી આપતા દોઢ લાખ રૂપિયા રોકડા એક નિવૃત્ત એકાઉન્ટન્ટને બોલાવીને જમા કરવામાં આવે છે.પાલિકાએ રોકડા રૂપિયા કેવી રીતે સ્વીકાર્યા આ ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ.જો બાબતે યોગ્ય તપાસ નહી કરવામાં આવે તો અમે કોર્ટમાં જઈશું.