Western Times News

Gujarati News

મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા ભગવાન જગન્નાથ

‘જય રણછોડ, માખણચોર’ના ગગનભેદી નાદ સાથે આરતી કરાઈ, સોના વેશમાં ભગવાનના દર્શન કરી શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા
ભકતોની ભીડ વચ્ચે નેત્રોત્સવ વિધિ સંપન્ન

(એજન્સી)અમદાવાદ, ભગવાન જગન્નાથજીની રથયાત્રા નજીક આવી રહી છે તેમ તેમ ભકતો ભગવાનના દર્શન માટે અધિકા બન્યા છે. અમદાવાદમાં બે દિવસ બાદ આગામી ૭ જુલાઈ, રવિવારના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રા પૂવેના પ્રસંગો ઉત્સાહ અને ધાર્મિક આસ્થાભેર ઉજવાઈ રહ્યા છે. ભગવાન જગન્નાથજીના બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી મોસાળથી નિજમંદિર પરત આવી ગયા છે. આજે રથયાત્રા પૂર્વેના પહેલાં પ્રસંગમાં ભગવાનની નેત્રોત્સવવિધિ સંપન્ન કરાઈ છે. આજે ભગવાનની આંખે પાટા બાંધી દેવામાં આવ્યા છે.

નેત્રોત્સવવિધિમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બળદેવજીનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવ્યા બાદ સવારથી નેત્રોત્સવની વિધિ શરૂ કરવામાં આવી હતી. આ વિધિ મુજબ જ્યારે ભગવાન મામાના ઘરેથી પરત અ ાવે છે ત્યારે તેમને આંખ આવેલી હોય છે જેને પગલે ગર્ભગૃહમાં પ્રવેશ બાદ ભગવાનની આંખે ચંદનની લેપ લગાવીને પાટો બાંધવામાં આવ્યો છે. ભગવાનની આંખને ઠંડક મળે તેવા દ્રવ્યોથી નેત્રોત્સવવિધિ કરવામાં આવે છે. ભગવાનના નેત્રોત્સવ પુજન વિધિ બાદ ધ્વજારોહણમાં પણ મોટી સંખ્યામાં ભકતોની ભારે ભીડ જોવા મળી હતી.

વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. ભગવાનને આજે સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા છે. મનમોહક વાઘા અને સોનાના ઘરેણાથી સજ્જ ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ દેદીપ્યમાન લાગી રહ્યું છે. યજમાનોએ પ્રભુના સોનાવેશની પૂજા કરી હતી. આજ સવારથી જ પ્રભુના સોનાવેશના દર્શન માટે જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડયું છે.

આજે રથયાત્રામાં સામેલ થનારા ૧૮ શણગારેલા ગજરાજની પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી છે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી સાધુ-સંતો રથયાત્રામાં ભાગ લેવા પહોંચી રહ્યા છે. આજે દેશના વિવિધ રાજ્યો અને શહેરમાંથી આવેલા તમામ સાધુ સંતોનો કાલી રોટી ધોલી દાલનો (માલપુઆ-દૂધપાક) ભંડારો રાખવામાં આવ્યો છે.

ભંડારા બાદ તમામ સાધુ-સંતોને વસ્ત્રોનું દાન કરવામાં આવશે. આ વખતે ભગવાનના વાઘા અને શણગારમાં અનેક વિશેષતાઓ જોવા મળશે. રથયાત્રા નિમિત્તે જમાલપુર મંદિરમાં બિરાજમાન દેવી-દેવતાના કુલ પ૧ જોડી વાઘા બનાવવામાં આવ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.