એકસ-રેના બહાને ટેકનિશિયને મહિલાની છેડતી કરતાં ભારે હોબાળો
(એજન્સી)અમદાવાદ, શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી એક લેબમાં પરફેકટ એકસ-રે લેવાના બહાને ટેકનિશિયને મહિલાની છેડતી કરતાં ભારે હોબાળો મચ્યો હતો અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
નારણપુરા વિસ્તારમાં એકસ-રે લેબમાં ટેકનિશિયન તરીકે નોકરી કરતાં યુવકે મહિલાનો હાથ અને મોં સરખાં કરવા તથા સરખી પોઝિશન પર રાખવાના બહાને આ કૃત્ય આચર્યું હોવાની વિગતો સામે આવી છે. દાંતનો એકસ-રે પરફેકટ આવે તેવું બહાનું આગળ ધરીને લેબ ટેકનિશિયન મહિલાને ખરાબ રીતે અડયો હોવાના આરોપ મૂકીને છેડતીની ફરિયાદ દાખલ કરાઈ છે. મહિલા તેના પતિ સાથે એકસ-રે પડાવવા માટે ગઈ હતી. જ્યાં તેની છેડતી થતાં મહિલાના પતિએ ભારે હોબાળો કર્યો હતો.
લેબના કર્મચારીઓએ જાણીજોઈને મહિલાને એકસ-રે માટે સૌથી છેલ્લે બોલાવી હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. આ સાથે મહિલાના પતિએ લેબનું લાઈસન્સ દેખાય તે રીતે ન લગાવ્યું હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યોહતો. નવરંગપુરા વસ્તારમાં રહેતી મીના (નામ બદલ્યું છે) એ ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશનમાં એકસ-રે લેબના ટેકનિશિન વિરૂદ્ધ છેડતીની ફરિયાદ કરી છે. મીના ગુજરાત હાઈકોર્ટમાં નોકરી કરે છે અને નવરંગપુરામાં સંયુક્ત પરિવારમાં રહે છે. છેલ્લા દસ વર્ષથી મીનાના દાંતની ટ્રીટમેન્ટ ઉસ્માનપુરા ખાતે ક્લિનિક ધરાવતા ડૉક્ટર પાસે ચાલી રહી છે.
દાંતનો એકસ-રે કરવાનો હોવાથી ડૉક્ટરે મીનાને નારણપુરા ખાતે આવેલા બિનાલી કોમ્પલેક્ષમાં મોકલી હતી. મીના થોડા દિવસ પહેલાં પતિ સાથે એકસ-રે કરાવવા માટે ગઈ હતી જ્યાં તેને ટેકનિશિયન એકસ-રે રૂમમાં લઈ ગયો હતો. મીનાના પતિ એકસ-રે રૂમની બહાર ઊભા હતા. ટેકનિશિયને મીનાને એકસ-રે મશીનની પાછળ જઈને ઊભા રહેવાનું કહ્યું હતું. એકસ-રે સરખો આવે તે માટે ટેકનિશિયને મશીન પાસે મીનાનો હાથ અને મોં પકડીને સરખાં કર્યા હતા.
ટેકનિશિયને મીનાનો એકસ-રે પાડયા બાદ તેને બહાર જવા માટે કહ્યું હતું. મીનાએ બહાર આવતાની સાથે જ તેના પતિને કહ્યું હતું કે, એકસ-રે પાડનાર ભાઈએ મને ખરાબ રીતે અડીને છેડતી કરી છે. મીનાના પતિએ એકસ-રેનું ક્લિનિક ધરાવનાર ડૉ.નિમેષ પટેલને આ બાબતે ફોન કરીને જાણ કરી હતી. બાદમાં મીનાના પતિએ હોસ્પિટલમાં હોબાળો કરી દીધો હતો.
હોસ્પિટલમાં જવાબદાર સ્ટાફ હાજર હતો નહીં. આ સિવાય હોસ્પિટલનું લાઈસન્સ કોઈને દેખાય તે રીતે લગાવેલું હતું નહીં. હોસ્પિટલના કર્મચારીઓએ જાણી જોઈને મીનાને એકસ-રે માટે સૌથી છેલ્લે બોલાવી હોવાના લીધે તેમણે ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે લેબ ટેકનિશિયન વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. એકસ-રે કરવા માટે મીનાનો નંબર પહેલો આવતો હોવા છતાંય તેને છેલ્લે લેતાં મામલો બીચક્યો હોય તેવું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.