દાનહના તમામ બિસ્માર રસ્તાઓ સત્વરે રીપેર કરવા સાંસદની માંગ
કલાબહેન ડેલકરે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી સાથે મુલાકાત કરી
સેલવાસ, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ભારતીય જનતા પક્ષના સાંસદ શ્રીમતી કલાબહેન ડેલકરે દાનહના બિસ્માર રસ્તાઓનો પ્રશ્ન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરી સમક્ષ ઉપસ્થિત કરવા સાથે દાનહના કલેકટરને પણ રસ્તાઓ તાત્કાલિક સમારકામ કરી સુવિધાપૂર્ણ બનાવવા માટેની જવાબદારી હોવાની તાકીદ કરી છે.
મળતી માહિતી પ્રમાણે સંસદ સત્ર દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી અને આ દરમિયાન થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા હાઇવે નં. ૮૪૮-એ, જે ગુજરાતના વાપી જંક્શન ખાતે હાઇવે નંબર ૪૮ પરથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના વિવિધ (શહેરી અને આદિવાસી) ગામોમાંથી પસાર થાય છે, તે હાઇવે નંબર ૪૮ને મળે છે.
મહારાષ્ટ્રના તલાસરી જંક્શન ખાતે તે રસ્તા માટે મંત્રાલય દ્વારા દાદરા નગર હવેલી પ્રશાસનને લગભગ રૂ. ૧૯૦ કરોડ ફાળવવામાં આવ્યા હતાં. પરંતુ ઉપરોક્ત રોડનું કામ છેલ્લા બે-ત્રણ વર્ષથી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે. એટલું જ નહીં, આ રોડને કારણે દરરોજ અકસ્માતો થતા રહે છે અને અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.
આ રોડ દાદરા નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશની જીવાદોરી સમાન છે. આ વરસાદી ઋતુ પહેલા ઉપરોક્ત રોડ રીપેર કરવા સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરવા છતાં કોઈ કારણોસર વહીવટીતંત્ર હજુ સુધી આ રોડનું સમારકામ શરૂ કરી શક્યું નથી. આથી યોગ્ય કક્ષાએથી આદેશ જારી કરીને આ રોડનું તાત્કાલીક અસરથી સમારકામ કરવામાં આવે, જેથી આ વરસાદી મોસમમાં લોકોને થોડી રાહત મળી શકે.
વધુમાં શ્રીમતી કલાબહેન ડેલકરે દાનહ કલેક્ટરને પણ આવેદન આપી દાદરા નગર હવેલીના તમામ રસ્તાઓને તાત્કાલિક અસરથી રીપેર કરવા માંગ કરી છે. જેમાં પીડબલ્યુડી, જિલ્લા પંચાયત અને નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી ઉપરોક્ત તમામ રસ્તાઓનું સમારકામ કરવામાં આવે જેથી લોકોને આ વરસાદી મોસમમાં થોડી રાહત મળી શકે.