Western Times News

Gujarati News

રોબોટના રથ પર સવાર થઈ ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા નિકળ્યા

વડોદરાની રથયાત્રામાં દેખાયો વિજ્ઞાન અને સંસ્કૃતિનો સમન્વય

વડોદરા, દેશ સહિત રાજ્યમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ રથ પર સવાર થઈને ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે. તે જ રીતે વડોદરા શહેરમાં એક ભક્ત દ્વારા સાયન્સ અને સંસ્કૃતિનો સમન્વય થાય તે પ્રકારની રથયાત્રા નીકળે છે.

રોબો રથ પર સવાર થઈ ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા નીકળે છે. જેના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવે છે. વડોદરા શહેરમાં રહેતા જગન્નાથ ભક્ત જય મકવાણાએ ભગવાન જગન્નાથની રોબો રથયાત્રા નીકળી હતી.

આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સવારે ૯ઃ૩૦ કલાકે નિઝામપુરા ખાતે આવેલી એલ.જી. નગર સોસાયટીથી ન્યુએરા સ્કૂલ ચાર રસ્તા સુધીના માર્ગ પર રોબો રથયાત્રાને નીહાળવા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. કૃષ્ણ ભક્ત જય મકવાણાએ જણાવ્યું હતું કે, ઓરિસ્સાની રથયાત્રામાં જગન્નાની સેવામાં લેવાતા નંદીઘોષ રથની પ્રતિકૃતિ સમાન લાકડાનો ૫ ફૂટ ઊંચાઈનો રથ તૈયાર કરવામાં આવ્યો છે.

આ રથ પર આવેલા શ્વેત રંગના ચાર ઘોડાઓને તથા ૬ પૈડાઓને રોબોટ સાથે જોડીને રોબો રથ તૈયાર કર્યો છે. જેને રસ્સી દ્વારા નહીં પરંતુ ભક્તોના મોબાઈલ ફોનના બ્લ્યુટુથ સાથે કનેક્ટ કરી ચલાવવામાં આવે છે. રથના શિખર પર સુદર્શન ચક્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. તથા તાડ વૃક્ષોના ચિન્હો અને વિવિધ પુષ્પોથી રથને સુશોભિત કરવામાં આવે છે.

રોબો રથયાત્રાની શરૂઆત કરનાર જય મકવાણાએ જણાવ્યું હતું કે, આધુનિક સમયનો રથ એટલે રોબોરથ. સમયની માંગ અનુસાર આધુનિક વિજ્ઞાન અને આપણી પ્રાચીન પરંપરાનો સમન્વય કરી રોબો રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવે છે, જે પ્રત્યેક મનુષ્યને વિજ્ઞાનનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો સંદેશ આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.