‘કલ્કિ’ના કારણે રોકાયેલી ‘ઔરોં મેં કહાં દમ થા’ ઓગસ્ટમાં રિલીઝ થશે
મુંબઈ, છેલ્લા ત્રણ દિવસોથી અહેવાલો આવી રહ્યા છે કે ‘ઔરોં મેં કહાં દમ થા’ની રિલીઝ પાછી ઠેલાઈ છે. અગાઉ આ ફિલ્મ ૫ જુલાઈ, શુક્રવારે રિલીઝ થવાની હતી.
પરંતુ ત્રીજી જુલાઈએ જાહેરાત કરવામાં આવી કે એક્ઝિબિટર્સ અને ડિસ્ટ્રિબ્યુશન સાથે સંકળાયેલાં લોકોની વિનંતિને માન આપીને આ ફિલ્મની રિલીઝ પોસ્ટપોન થઈ છે. હવે આ ફિલ્મ ૨ ઓગસ્ટે રિલીઝ થશે. પહેલાં ફિલ્મના મેકર્સ જુલાઈના બીજા અઠવાડિયામાં રિલીઝ કરવાનું વિચારતા હતા.
પરંતુ પછી તેમણે ૨ ઓગસ્ટની તારીખ નક્કી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સફળતાપૂર્વક બોક્સ ઓફિસ પર દોડી રહેલી ‘કલ્કિ’ના કારણે પૂરતાં શો મેળવવામાં તકલીફ ન પડે તેથી આ ફિલ્મ પોસ્ટપોન કરવામાં આવી છે. એક એક્ઝિબિટરે કહ્યું,“ઓગસ્ટ ૨ સારી તારીખ છે. કારણ કે ૨૬ જુલાઈએ ‘ડેડપૂલ એન્ડ વુલ્વેરીન’ રિલીઝ થઈ રહી છે. તેથી એક દિવસે બે મોટી ફિલ્મો રિલીઝ કરવી યોગ્ય નથી.”
જોકે, હવે ૨ ઓગસ્ટે પણ ‘ઔરોં મેં કહાં દમ થા’ની સીધી ટક્કર જાન્હવી કપૂરની ‘ઉલઝ’ અને વિક્રાંત મેસીની ‘ધ સાબરમતી રીપોર્ટ’ સાથે થવાની છે. આ ઉપરાંત ફિલ્મના મેકર્સે ૩ જુલાઈએ સીબીએફસી પાસેથી ફિલ્મ માટે બે ટીઝરની પણ મંજૂરી મેળવી લીધી છે.
આ બંને પ્રોમોમાં નવી તારીખો દર્શાવાશે. આ બંને ટીઝર ૪૫ અને ૪૬ સેન્ક્ડના છે. રસપ્રદ વાત એ છે કે ૪૫ સેકન્ડના ટીઝરને સેન્સર બોર્ડે યુએ સર્ટિફિકેટ આપ્યું છે અને ૪૬ સેકન્ડના ટીઝરને યૂ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અજય અને તબુ સાથે જિમી શેરગિલ, સાઇ માંજરેકર અને શાંતનુ મહેશ્વરી પણ જોવા મળશે.SS1MS