Western Times News

Gujarati News

વરિયાળી અને ઈસબગુલની આવકો ઘટતાં ઊંઝા ગંજબજાર નરમ

પ્રતિકાત્મક

ઊંઝા ગંજબજારમાં જીરુની આવકમાં ઘટાડો, દૈનિક ૮ હજાર બોરી આવક-જીરાના સરેરાશ ભાવ ૪૮૦૦થી માંડીને ૫૦૦૦ રૂપિયા સુધીના રહ્યા છે જ્યારે સારા માલના ૫૨૦૦ થી ૫૩૦૦ રૂપિયા રહ્યા

ઊંઝા, ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુ, વરિયાળી અને ઈસબગુલની આવકો ઘટતાં બજાર નરમ રહ્યું છે. એક્સપોર્ટની ઘરાકી ઓછી હોવાથી ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જીરામાં ગત સપ્તાહે સરેરાશ આવકો અંદાજિત ૭થી ૮ હજાર બોરીની જોવા મળી હતી.

જીરાના સરેરાશ ભાવ ૪૮૦૦થી માંડીને ૫૦૦૦ રૂપિયા સુધીના રહ્યા છે. જ્યારે સારા માલના ૫૨૦૦ થી ૫૩૦૦ રૂપિયા રહ્યા હતા. ઊંઝા યાર્ડમાં વરિયાળીની સરેરાશ આવકો ૩થી ૪ હજાર બોરીની જોવા મળી હતી. જ્યારે ગત સપ્તાહે અંદાજિત ૨૦થી ૨૫ હજાર ગુણીની આવકો જોવા મળી હતી. સરેરાશ ભાવો ૧૨૦૦થી ૧૩૦૦ રૂપિયા સુધી રહેવા પામ્યા છે. સારા માલના ૧૨૦૦થી ૧૫૦૦ રૂપિયા જ્યારે આબુરોડ બેસ્ટ કલર માલના ૩૦૦૦થી ૪૦૦૦ રૂપિયા સુધીના રહ્યા છે.

હાલ વરિયાળીની આવકો કાઠિયાવાડ, બનાસકાંઠા અને રાજસ્થાનથી આવી રહી છે. વરિયાળીમાં નિકાસ થાય તો બજારમાં તેજી આવે તેમ છે. વરિયાળીનું ચોમાસું વાવેતર ઓગસ્ટ એટલે શ્રાવણ માસમાં શરૂ થશે. ઊંઝા માર્કેટયાર્ડમાં ઈસબગુલની સરેરાશ આવકો ૩થી ૪ હજાર બોરી જોવા મળી હતી. ગત સપ્તાહે સરેરાશ ૧૮થી ૨૦ હજાર બોરીની આવકો જોવા મળી હતી. ઈસબગુલના સરેરાશ ભાવ ૨૪૦૦થી ૨૭૦૦ રૂપિયા સુધી રહેવા પામ્યા છે.

જ્યારે સારા માલના ભાવ ૨૬૦૦થી ૨૭૦૦ રૂપિયા જોવા મળી રહ્યા છે. હાલ ઈસબગુલની આવકો રાજસ્થાન અને ગુજરાતમાંથી આવી રહી છે. ઈસબગુલમાં એક મહિનામાં ૪૦૦નો ઘટાડો નોંધાયો છે.

તલની સરેરાશ ૨૦૦૦થી ૩૦૦૦ બોરીની આવકો નોંધાઈ છે. ગત સપ્તાહે ૧૪થી ૧૬ હજાર બોરીની આવકો જોવા મળી હતી. તલના સરેરાશ ભાવ ૨૦૦૦થી ૩૦૦૦ રૂપિયા જોવા મળ્યા હતા. જ્યારે કરિયાણા ક્વોલિટી ૨૫૦૦થી ૨૬૦૦ રૂપિયા અને રેવડી ક્વોલિટી ૨૬૦૦થી ૨૭૦૦ રૂપિયા રહેવા પામ્યા છે. તલની આવકો કાઠિયાવાડથી આવી રહી છે. ફોરેનના વેપાર આવે તો બજાર વધવાની સંભાવના રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.