PM મોદીની પુતિનને ભલામણ-યુદ્ધ એ સમસ્યાનો ઉકેલ નથી
પુતિને મોદીના તમામ પ્રયાસોને સન્માનજનક ગણાવ્યા યુદ્ધ લડી રહેલા ભારતીયો જલ્દી વતન પરત આવશે
રશિયાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન સેનામાં કામ કરી રહેલા ભારતીયોના સ્વદેશ પરત આવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ પછી રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને કહ્યું કે ભારતીયો જલદી જ દેશમાં પરત ફરશે.
અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે ભારતીય નાગરિકોને રશિયન સેના સાથે યુક્રેન સામે લડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. ભારતીયોને છેતરપિંડીથી સરહદ પર સુરક્ષા સહાયક તરીકે કામ કરવા મોકલવામાં આવી રહ્યા છે. એક રિપોર્ટથી જાણવા મળ્યું હતું કે એક એજન્ટે માહિતી આપી હતી કે નવેમ્બર ૨૦૨૩થી લગભગ ૧૮ ભારતીયો રશિયા-યુક્રેન બોર્ડર પર ફસાયેલા છે.
(એજન્સી)મોસ્કો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે છે ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મહત્ત્વપૂર્ણ મંત્રણા કરી હતી. જેમાં મોદીએ દરેક સમસ્યાનો ઉકેલ યુદ્ધ નથી. શાંતિ વાર્તા થાય તે જરૂરી છે તેવું જણાવતાં પુતિને પણ મોદીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, તમારા તમામ પ્રયાસો સન્માનજનક છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મંગળવારે રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત થયું છે. રાષ્ટ્રપતિ પુતિને પોતે મોદીને ‘ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ’ એનાયત કર્યું. મોદીએ તેને ભારતીયોને સમર્પિત કર્યું.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાની મુલાકાતના બીજા દિવસે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શિખર મંત્રણામાં ભાગ લીધો હતો. આ દરમિયાન પુતિને કહ્યું, ‘તમે યુક્રેન સંકટનો જે ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છો તેના માટે અમે તમારા આભારી છીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- એક મિત્ર તરીકે, મેં હંમેશા કહ્યું છે કે શાંતિનો માર્ગ યુદ્ધના મેદાનમાંથી નીકળતો નથી. બોમ્બ, બંદૂક અને ગોળીઓ વચ્ચે શાંતિ શક્ય નથી.
એક મિત્ર તરીકે, મેં હંમેશા કહ્યું છે કે યુદ્ધના મેદાનમાંથી શાંતિનો માર્ગ નીકળતો નથી. બોમ્બ, બંદૂક અને ગોળીઓ વચ્ચે શાંતિ શક્ય નથી.
મોદી મોસ્કોમાં ઓલ રશિયન એક્ઝિબિશન સેન્ટર પહોંચ્યા હતા જ્યાં તેમણે એટમ પેવેલિયનની મુલાકાત લીધી હતી. તે પરમાણુ ઊર્જાનું હબ માનવામાં આવે છે. આ દરમિયાન મોદીએ રશિયાની ન્યુક્લિયર સબમરીનનું મોડલ જોયું હતું.
પીએમ મોદી ક્રેમલિનમાં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન માર્યા ગયેલા રશિયન સૈનિકોના ‘અનનોન સોલ્જર’ સ્મારક સ્થળ પર પહોંચ્યા હતા અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી દળો સામે લડતા શહીદ થયા હતા. સોવિયેત સૈનિકોના સન્માનમાં આ યુદ્ધ સ્મારક બનાવાયું છે.
પીએમ મોદીએ કહ્યું, દેશે છેલ્લા ૧૦ વર્ષમાં જે વિકાસ કર્યો છે તે જોઈને દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ છે. જ્યારે દુનિયાના લોકો ભારતમાં આવે છે, ત્યારે તેઓ કહે છે કે
‘ભારત બદલાઈ રહ્યું છે’. ભારતની કાયાકલ્પ, ભારતનું નવ-નિર્માણ તેઓ સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છે. મોદીએ કહ્યું- ૬૦ વર્ષના ઈતિહાસમાં ભારતમાં ત્રીજી વખત સરકાર ચૂંટાઈ આવે તે મોટી વાત છે. આ ચૂંટણીમાં તમામ કેમેરા મોદી પર કેન્દ્રિત હતા. જેના કારણે લોકોએ અન્ય ઘટનાઓ પર ધ્યાન આપ્યું ન હતું. સિક્કિમ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને અરુણાચલ પ્રદેશમાં યોજાયેલી ચૂંટણીમાં એનડીએ ગઠબંધનનો મોટી જીત મળી છે.
ઓરિસ્સાએ તો કમાલ કરી બતાવી છે. ત્યાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. હું તમારી સમક્ષ ઉડિયા સ્કાર્ફ પહેરીને આવ્યો છું. ભારત-રશિયા સંબંધો અમર પ્રેમની વાર્તા છે. તે દિવસે દિવસે વધતો રહેશે, સપનાઓને સંકલ્પોમાં બદલતી રહેશે. ભારતની વધતી ક્ષમતા જુઓ, અમે વિશ્વને ગ્રોથની આશા આપી છે. વિશ્વ રાજનીતિના બદલાતા પરિમાણોમાં ભારત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. દુનિયામાં જ્યારે કોઈ સંકટ આવે છે ત્યારે તે સૌથી પહેલા ભારતમાં પહોંચે છે.
મોદીએ કહ્યું- હું પણ તમારી સાથે એક સારા સમાચાર શેર કરવા માંગુ છું. કઝાન-યેક્ટેરિનબર્ગમાં કોન્સ્યુલેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી લોકો માટે રશિયામાં મુસાફરી અને વેપાર કરવાનું સરળ બનશે. કાઝાન એ તાતારસ્તાનનું સૌથી મોટું શહેર અને રાજધાની છે. મોદીએ કહ્યું, ભારત અને રશિયાનો અનોખો સંબંધ છે.
રશિયાનું નામ સાંભળતા જ ભારતીયોના મનમાં આવે છે, આપણા સુખ-દુઃખનો સાથી., ભારતનો વિશ્વાસુ મિત્ર. રશિયામાં શિયાળાની ઋતુમાં તાપમાન ભલે ગમે તેટલું માઈનસ થઈ જાય પણ ભારત-રશિયા મિત્રતા તો હંમેશા પ્લસમાં જ રહે છે. હું મારા મિત્ર પુતિનની પ્રશંસા કરીશ. ગયા વર્ષોમાં બંને દેશો વચ્ચેના સંબંધો માટે તેમણે કરેલા કામની હું પ્રશંસા કરું છું.
અમે ૧૭ વખત મળ્યા છીએ. જ્યારે અમારા વિદ્યાર્થીઓ સંઘર્ષમાં ફસાઈ ગયા, ત્યારે પુતિને તેમને તેમના દેશમાં પાછા ફરવામાં મદદ કરી. આ માટે હું તેમનો આભાર વ્યક્ત કરું છું. આપણા યુવાનો મોટી સંખ્યામાં આવે છે.