Western Times News

Gujarati News

આમોદમાં પ્રિ-મોન્સુન નિષ્ફળ કામગીરીને લઈને યુથ કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુનની નિષ્ફળ કામગીરીને લઈને જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિત પાલિકાના વિપક્ષી સદસ્યોએ આમોદ પાલિકાના સિટી ઈજનેરને આવેદનપત્ર આપી પ્રિ-મોનસુનની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.તેમજ નગરમાં ઠેરઠેર ગંદકીના ઢગલા હોવાનું જણાવી સફાઈ કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.

આમોદ નગરના વોર્ડ નંબર એકમાં પાલિકા ઉપપ્રમુખના ઘર પાસે જ ગટરનું દુર્ગંધ મારતું પાણી વહી રહ્યું છે.તથા વોર્ડ નંબર ૨ માં દશેરા પ્લોટ પાસે વેરાઈ માતાના મંદિરની સામે પાણી ભરાઈ રહે છે.જ્યારે વોર્ડ નંબર ત્રણમાં વણકરવાસમાં પ્રવેશદ્વાર પાસે ઘન કચરો હટાવવામાં આવેલ ન હોવાથી રહીશોને અવરજવરમાં તકલીફ પડે છે.પાલિકાએ દરરોજ ઘન કચરો ઉઠાવી નિકાલ કરવાનો હોય છે પરંતુ કચરો ઉઠાવવામાં આવતો નથી જેથી દુર્ગંધથી સ્થાનિક રહીશો પરેશાન બન્યા છે.

આમોદ નગરપાલિકા વિસ્તારમાં ધાર્મિક સ્થળો પાસે પણ ગટરની સાફ-સફાઈ કરવામાં આવી નથી.જેથી લોકોની શ્રધ્ધાને પણ ઠેસ પહોંચી રહી છે. આમોદ નગરપાલિકામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઇ રહ્યું છે.જેના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધી ગયો છે.ગંદકીને કારણે રોગચાળાનો ફેલાવવાની દહેશત પણ લોકો અનુભવી રહ્યા છે.

વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા દ્વારા જે તે સ્થળના દુર્ગંધ મારતી ગટર ઉભરાતા ફોટા તેમજ ગંદકીના ઢગલા ના ફોટા સાથે રાખી આવેદનપત્ર આપ્યું હતું.અને નગરપાલીકા હાય હાય, ભાજપ હાય હાય ના નારા લગાવી નગરની આ તમામ સમસ્યાઓ તાકીદે દૂર કરવામાં નહીં આવે તો આમોદ યુથ કોંગ્રેસ દ્વારા ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની લેખિત ચીમકી આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.