“૩૫ કરોડ માગતા કલાકારની ફિલ્મ ૩ કરોડ પણ કમાઈ શકતી નથી”
મુંબઈ, ફિલ્મના કલાકારો દ્વારા વસૂલાતી ફી અને બોક્સ ઓફિસ પર સતત નિષ્ફળ જઈ રહેલી ફિલ્મો આજકાલ ચર્ચાનો એક ગંભીર મુદ્દો બની રહ્યા છે. આ વર્ષ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે નબળું રહ્યું છે. ૨૦૨૩માં રિલીઝ થયેલી ‘જવાન’એ ૧૧૬૦ કરોડની કમાણી કરી હતી.
જ્યારે આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ ‘ફાઇટર’એ માંડ ૩૫૮ કરોડના કમાણી કરી છે. આ અંગે કરણ જોહરે કહ્યું છે કે હવે આપણે થિએટરમાં સફળતાના માપદંડો બદલવાનો સમય પાકી ગયો છે.
એક યુટ્યુબ ઇન્ટરવ્યૂમાં કરણે કહ્યું,“પહેલું તો, દર્શકોની પસંદ હવે ફિલ્મો બાબતે બહુ ચોક્કસ થઈ ગઈ છે. તેમને એક ચોક્કસ પ્રકારનું સિનેમા જોવું ગમે છે. જો તમારે અમુક નક્કી રકમ કમાવાની ગણતરી હોય તો તમારી ફિલ્મ એ, બી અને સી બધા જ પ્રકારના વિસ્તારોમાં સારી ચાલવી જોઈએ. માત્ર મલ્ટિપ્લેક્સ પૂરતાં નથી.”
“હવે ફિલ્મ બનાવવાનો ખર્ચ પણ વધી ગયો છે. સામે ફુગાવો પણ એટલો જ છે. હિન્દી સિનેમામાં માંડ ૧૦ એક્ટર એવા છે જે ચાલે છે, પણ તે લોકોને સૂર્ય, ચંદ્ર, તારાઓ અને પૃથ્વી બધું જ જોઈએ છે. તેથી તમે તેમને મોં માગી ફી આપો, પછી તમે ફિલ્મનો ખર્ચ પણ આપો. પછી ફિલ્મ બનાવવાના ખર્ચ આવે. અંતે તમારી ફિલ્મ નિષ્ફળ જાય.
જે સ્ટાર ૩૫ કરોડ માગે છે, તેની ફિલ્મ ૩.૫ કરોડ પણ નથી કમાતી. આ ગણિત કઈ રીતે ચાલે? છતાં તમારે ફિલ્મો બનાવતા રહેવી પડે અને કન્ટેન્ટ બનાવતા રહેવું પડે કારણ કે તમારે પણ તમારી કંપની ચલાવવાની છે. આમ એક સાથે અનેક વસ્તુઓ દાવ પર લાગેલી હોય છે.”
આગળ કરણે કહ્યું હતું, “હિન્દી સિનેમામાં દર દસ વર્ષે એક ચોક્કસ પ્રકારની ફિલ્મોનો તબક્કો આવે છે. જો ‘પઠાણ’ અને ‘જવાન’ ચાલી જાય તો શું તમારે માત્ર એક્શન ફિલ્મો જ બનાવવી? પછી દર્શકો આ ફિલ્મમાંથી ભાગી જશે.
પછી અચાનક એક લવ સ્ટોરી ચાલી જશે. મને લાગે છે કે આપણે ધડમાથા વિના યુદ્ધ લડવા નીકળ્યા હોય એવી સ્થિતિ છે. આપણે હજુ એ સમજી શક્યા નથી કે હવે દર્શકોને ભારતના મૂળ સાથે જોડાયેલી છતાં મજા આવે એવી ફિલ્મ જોઈએ છે, એમાં વિવેચકો શું કહેશે એ વિચારવનાની જરૂર નથી.”
આ મુદ્દે રિતેશ દેશમુખે પણ તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં મહત્વની વાત કરી છે, તેણે કહ્યું કે ફિલ્મ સ્ટારની ફી ફિલ્મ ટકશે કે નહીં તે નક્કી કરશે, તે જ્યારે પોતે ફિલ્મ બનાવે છે, ત્યારે પોતાની એક્ટિંગ માટે એક પણ પૈસો લેતો નથી. રિતેશે તાજેતરમાં જ ‘પિલ’થી ઓટીટી ડેબ્યુ કર્યું છે.
તેણે કહ્યું,“હું પ્રોડ્યુસર પણ હોઉં છું અને મારી ફિલ્મમાં હું એક્ટિંગ પણ કરું તો હું એક પણ પૈસો લેતો નથી, તેમાં મને કોઈ વાંધો પણ નથી અને કોઈ ફરક પણ પડતો નથી. મને એવું થાય છે કે ફિલ્મે પણ ટકવાનું હોય છે, તો તેના પર સ્ટારની ફીનો બોજો ન લાદી દેવો એ અગત્યનું છે. કારણ કે જો ફિલ્મ ચાલી જશે તો બધાં જ ટકી જશે.SS1MS