રિક્ષામાં જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારીઓને મરચાંની ભૂકી છાંટીને લૂંટી લીધા
એક્ટિવા પર આવેલા લૂંટારાઓએ એલિસબ્રિજ વિસ્તારમાં આંગડિયા કર્મી પાસેથી રૂ.૬૫ લાખની લૂંટ
અમદાવાદ, અમદાવાદમાં લૂંટનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. શહેરના એલિસબ્રિજ વિસ્તાપરમાં લૂંટનો આ બનાવ બન્યો હતો. જેમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ૬૫ લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી.આ બનાવની વિગત મુજબ અમદાવાદના એલિસબ્રિજ જિમખાના પાસે લૂંટની આ ઘટના બની હતી. જેમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા ૬૫ લાખની લૂંટ કરવામાં આવી હતી.
લૂંટારાઓએ ઓટોરિક્ષામાં જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારીને મરચાંની ભૂકી છાંટીને તેમને ધોળે દિવસે લૂંટી લીધો હતો. આર. કાંતિલાલ આંગડિયા પેઢીના માલિક અશોક પટેલનું કહેવું છે કે, આર. કાંતિલાલ આંગડિયા પેઢીના બે માણસ બાબુભાઈ મફતભાઈ પ્રજાપતિ અને મનોજભાઈ બાબુભાઈ પટેલ જમાલપુર એપીએમસીથી ૬૫ લાખ રૂપિયા રિક્ષામાં લઈને અમારી ઓફિસ આર. કાંતિલાલ આંગડિયા ખાતે આવી રહ્યા હતા,
દરમિયાન અચાનક જલારામ મંદિરથી આગળ જિમખાનાની સામે એક્ટિવા પર બે શખસ છરી અને એરગન લઈને આવી ગયા હતા. અશોક પટેલે આગળ જણાવ્યું કે, છરીને આવેલા આ શખ્સોએ રિક્ષા ઉભી રખાવીને આર. કાંતિલાલ આંગડિયા પેઢીના બન્ને માણસની આંખમાં મરચાંની ભૂકી નાખીને રિક્ષામાં બેસેલા બંને માણસોને ઉપર છરી વડે અને એરગન વડે હુમલો કરી લોહીલુહાણ કરી લૂંટી લીધા હતા.
અમારા બન્ને કર્મચારી બપોરે એપીએમસીથી નીકળ્યા હતા. ઇસ્કોન આર્કેડ, સીજી રોડ પોતાની આંગડિયા પેઢી તરફ જતી વખતે ૩.૨૦ વાગ્યે એલિસબ્રિજ જિમખાના સામે એક્ટિવા ઉપર આવેલા બે શખસે ૬૫ લાખની લૂંટ કરી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
અમદાવાદ શહેરમાં ધોળે દિવસે આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેવાની ઘટનાથી સમગ્ર શહેર પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું છે. ઘટનાની જાણ થતાં ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પણ સ્થવ ઉપર દોડી આવ્યા હતા. બીજી બાજુ, આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અને તેમાં બંને આરોપીઓ એક્ટિવા પર હેલ્મેટ પહેરીને આવ્યા હોવાનું જણાઈ રહ્યું છે.
જેને આધારે પોલીસ અધિકારીઓએ તપાસ શરૂ કરી છે અને શહેરભરમાં નાકાબંધી ગોઠવી આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત આંખમાં મરચાંની ભૂકી જવાથી આંગડિયા પેઢીના બંને કર્મચારીઓને પણ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં પોલીસ બંનેની પૂછપરછ કરી છે.