Western Times News

Gujarati News

વડોદરામાં ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ

ગાંધીધામ, ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ડિસ્ટ્રિક્ટ (ટીટેએબીડી)ના ઉપક્રમે 11થી 14મી જુલાઈ દરમિયાન વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે આઇઓસીએલ ચોથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024નો ગુરુવારથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ખેલાડી અને મેન્સ કેટેગરીમાં બીજો ક્રમાંક ધરાવતો પ્રથમ માદલાણી સ્ટેટ રેન્કિંગમાં મોખરે પહોંચવા અને શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરવા માટે રમશે.

આ ટુર્નામેન્ટના ટાઇલ સ્પોન્સર્સ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (આઇઓસીએલ) છે જ્યારે GAIL અને બેંક ઓફ બરોડા તેના કો-સ્પોન્સર છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને યુટીટીનો આ ટુર્નામેન્ટને સહકાર સાંપડેલો છે. સ્ટિગા ઇક્વિપમેન્ટ પાર્ટનર છે અને વીએસપીએફ વેન્યૂ પાર્ટનર છે.

ટુર્નામેન્ટ માટે આયોજકોને 608 એન્ટ્રી મળી છે. મેન્સ કેટેગરીમાં પ્રથમ માદલાણીને મોખરાના ક્રમના ચિત્રાક્ષ ભટ્ટ અને બીજા ક્રમના જયનિલ મહેતાના પડકારનો સામનો કરવાનો રહેશે.

વિમેન્સ કેટેગરીમાં મોખરાના ક્રમની ફિલઝાહ ફાતીમા કાદરી સંયુક્ત મોખરાના ક્રમની ક્રિત્વિકા સિંહા રોયની ગેરહાજરીમાં ફેવરિટ છે. કાદરીની નજીકની હરીફ ત્રીજા ક્રમની ઓઇશિકી જોઆરદાર, રાધાપ્રિયા ગોયેલ અને ફ્રેનાઝ છિપીયા રહેશે.

પ્રથમ ઉપરાંત વેદ પંચાલ અને મહેક શેઠ જેવા સ્થાનિક ખેલાડીઓ પણ આ ટુર્નામેન્ટ દરમિયાન આકર્ષણનું કેન્દ્ર રહેશે.  ટીટીએબીડીના પ્રમુખ જયાબહેન ઠક્કરે જણાવ્યું હતું કે “ટુર્નામેન્ટ દરમિયાન તમામ ખેલાડીને અનુકૂળ આવે તેવી તમામ સવલત અહીં આપવામાં આવશે.”

ટીટીએબીડીના સેક્રેટરી કલ્પેશ ઠક્કરે આ વખતે જંગી સંખ્યામાં આવેલી એન્ટ્રી અંગે સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે   “અમારો ઉદ્દેશ્ય રમતને પ્રમોટ કરવાનો છે. ખેલાડીઓ માટે ઉચ્ચકક્ષાના ઇક્વિપમેન્ટ પૂરા પાડવામાં આવશે.” તેમ તેમણે જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.