બાયડમાં સરકારી કચેરીઓના સ્થળાંતરના વિવાદ: કલેકટરે સ્થળ નિરીક્ષણ કર્યું
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) બાયડ નગરમાંથી તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ત્રણ કિ. મી. વાત્રક પાસે ખસેડવાની સરકારી તંત્રની હિલચાલને કારણે તાલુકાના વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, બાયડ માલપુરના ધારાસભ્ય, સાબરકાંઠાના સાંસદ, બાયડ તાલુકા ભાજપ સંગઠન, કોંગ્રેસના આગેવાનો બાર એસોસિએશન બાયડ વિગેરે દ્વારા મહત્વની સરકારી કચેરીઓ બાયડ શહેરમાંથી દૂર ના લઈ જવા માટે છેક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુધી રજૂઆતોનો દૂર ચાલ્યો હતો.
બાયડમાંથી સરકારી કચેરીઓ દૂર લઈ જવા બાબતે મુખ્યમંત્રી સુધી રજૂઆતોનો દોર ચાલ્યા બાદ ઉચ્ચ કક્ષાએથી આ બાબતે સમીક્ષા કરવા માટે આદેશો છૂટતાં કલેકટર અરવલ્લી પ્રશસ્તિ પારીક દ્વારા બુધવારના રોજ બાયડ ખાતે સૂચિત ત્રણે જગ્યાઓ પર તાલુકા વિકાસ અધિકારી બાયડ, પ્રાંત અધિકારી, મામલતદાર બાયડ વિગેરે અધિકારીઓને સાથે રાખી તેમજ રાજકીય આગેવાનો બાયડ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ માનસિંહ સોઢા અને વિવિધ આગેવાનો સાથે રહી સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.