Western Times News

Gujarati News

વસુધારા ડેરીની તમામ દૂધ મંડળીઓ પર બેંકિંગની સુવિધા ઉપલબ્ધ થશે

(તસ્વીરઃ અશોક જોષી) ભારત સરકારશ્રીના સહકાર મંત્રાલય દ્વારા “સહકાર સે સમૃધ્ધિ” ના વિઝનને સાકાર કરવા માટે વિવિધ મુદ્રાઓ અન્વયે પહેલ કરવામાં આવેલ છે, આ અન્વયે પાયાના સ્તરે સહકારી ચળવળને મજબુત કરવા માટેદરેક સહકારી સંસ્થાઓ વચ્ચે સમન્વય થાય અને દરેક સહકારી સંસ્થાઓના બેંક ખાતા તેમજ તમામ બેંકિંગ વ્યવહાર સહકારી બેંકમાં જ થાય તે માટે ધી વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંક લિ.

અને વલસાડ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. “વસુધારા ડેરી” કે જેનું કાર્યક્ષેત્ર વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાઓમાં છે. વસુધારા ડેરી સાથે ૧૧૦૮ જેટલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ જોડાયેલી છે. જેમા ૯૦૮ દૂધ મંડળીઓનું સંચાલન મહિલાઓ મારફત કરવામાં આવે છે જે ગુજરાતમાં પ્રથમ નંબરે છે.

હાલે વસુધારા ડેરી દૈનિક ૧૦.૨૦ લાખ લીટર દૂધ સંપાદન કરે છે જેની કિંમત ચાર કરોડ થાય છે.આપણા દેશના ગૃહ મંત્રાલય અને સહકાર મંત્રાલય સંભાળતા શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન અને સૂચન મુજબ વસુધારા ડેરીએ તેની તમામ દૂધ મંડળીઓ અને તેની સાથે જોડાયેલ તમામ દૂધ ઉત્પાદક બહેનો અને ભાઈઓના ખાતા ધી વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંક લિ. માં ખોલાવવાનું અભિયાન હાથ પર ધરેલ છે જે કામમાં સારી એવી પ્રગતી થઇ છે.

દૂધ ઉત્પાદકોને બેંકીગની તમામ સુવિધા મંડળી સ્થળે મળી રહે તે હેતુથી ધી વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંક લિ. દ્વારા વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં કાર્યરત તમામ દૂધ મંડળીઓ પૈકી પ્રથમ તબક્કામાં ૫૮૩ દૂધ મંડળીઓને બેંક મિત્ર બનાવી તેને માઈક્રો એ.ટી.એમ. આપી દૂધ મંડળીના સભાસદોને ઘર આંગણે બેંકીંગ સુવિધા ઉપલબ્ધ કરી સભાસદોને દૂધ મંડળી દ્વારા દૂધનું પેમેન્ટ સભાસદોને ઘર આંગણે મળી રહે

તેમજ તેમને બેંકની શાખા સુધી જવું ન પડે તે પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાના ભાગરૂપે વલસાડ જીલ્લાના ઓઝર ગામે મહિલાઓ સંચાલિત તાડ ફળીયા ઓઝર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. ના દૂધ ઘરમાં વસુધારા ડેરી અને ધી વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંક લિ. સાથે મળીને માઈક્રો એ.ટી.એમ. આપી યોજનાનો શુભારંભ તા.૦૯/૦૭/૨૦૨૪ થી કરેલ છે.

સદર કામગીરીથી મહિલા સભાસદો આ પ્રકારની સગવડ ઘર આંગણે મળતા વધુ ઉત્સાહિત થઇ પોતાના આર્થિક વ્યવહારો વધુ મજબૂતાઇથી કરી કુટુંબની આવક વધારવામાં અગ્રેસર રહેશે. આ કાર્યક્રમનું સંચાલન વસુધારા ડેરીના અધિકારીશ્રી મહેન્દ્ર દેસાઈ મારફત કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.