Western Times News

Gujarati News

સુરતમાં ડુપ્લીકેટ કપાસિયા તેલ વેચનારા બે વેપારી પકડાયા

સસ્તા ભાવે મળતા તેલના ડબ્બા લાવી તેના પર બ્રાન્ડેડ તેલના સ્ટીકર, બૂચ લાગવી વેચતા હતા

સુરત, સુરતમાં થોડા સમય પહેલાં નકલી ઘી અને પનીર મળી આવ્યા હતા. હવે શહેરના લિંબાયત વિસ્તારમાં ડુપ્લીકેટ કપાસિયા તેલના ડબ્બા મળ્યા છે. લિંબાયત પોલીસે નકલી તેલ વેચનારા બે વેપારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી ભૂષણ મહેન્દ્ર દાણી (ઉ.વ.૩૪, રહેપાલડી અમદાવાદ)એ ફરિયાદ આપી હતી કે તેમની એન.કે.પ્રોટીન્સ પેઢી હેઠળ બનતા કપાસિયા તેલનું ડુપ્લીકેશન કરી સુરતમાં વેચવામાં આવી રહ્યું છે. સુરતના વેપારીઓ કોપીરાઈટ એકટનો ભંગ કરી રહ્યા છે. એન.કે.પ્રોટીન્સના ભૂષણ દાણીની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતાં લિંબાયત વિસ્તારમાં દુકાનદારો અલગ અલગ કંપનીના ૧પ કિલોના કપાસિયા તેલના ડબ્બા લાવી તેના સ્ટીકર

તથા ઢાંકણ પણ લગાવેલું બૂચ કાઢી એન.કે.પ્રોટીન્સ પ્રા.લિ. કંપનીના તિરૂપતિ કપાસિયા તેલના સ્ટીકર તથા બૂચ લગાવી ડુપ્લીકેટ તેલનું વેચાણ કરતા હતા. પહેલી નજરે જોતાં તે ડબ્બા એન.કે.પ્રોટીન્સના ઓરિજનલ હોવાનું લાગતું હતું. આ રીતે લેભાગુ વેપારીઓ એન.કે.પ્રોટીન્સ બ્રાન્ડનો ખોટી રીતે ઉપયોગ કરી નકલી તેલ વેચી રહ્યા હતા.

પોલીસે આ કેસમાં નીલગીરી સર્કલ પાસે કમનગર ખાતે આવેલી દુકાન નં.૧૬પ, ૧૬૬ શ્રીદેવનારાયણ કિરાણા સ્ટોરના વેપારી લાલારામ કાનુજી તૈલી (ઉ.વ.૩પ, રહે.ત્રિકમનગર, લિંબાયત, સુરત) તથા શિવદર્શન સોસાયટીમાં આવેલી દુકાન નં.પ અને ૬ શ્રી હરીઓમ સુપર સ્ટોર બોર્ડના વેપારી મદનલાલ ભેરૂલાલ પ્રજાપતિ (ઉ.વ.૪૪ રહે.શિવદર્શન સોસાયટી, લિંબાયતની ધરપકડ કરી છે.)

આરોપી વેપારીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેઓ અલગ અલગ કંપનીના સસ્તા ભાવે મળતા તેલના ડબ્બા લાવી તેના પર લગાવેલા સ્ટીકર તથા ઢાંકણ પર લગાવેલું બૂચ કાઢી નાંખી તિરૂપતિ કપાસિયા તેલનું સ્ટીકર લગાવી ઉંચા ભાવે વેપાણ કરે છે. પોલીસે આરોપી વેપારીઓની દુકાનમાં ૯ર૦૦ની કિંમતના કુલ પ ડુપ્લીકેટ ડબ્બા કબજે લીધા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.