Western Times News

Gujarati News

મેટ્રો પ્રોજેકટનું કામ કરતી કંપની સાથે છેતરપીંડી

File Photo

મોઢેરાથી રાણીપ સુધીના માર્ગ પર કામ કરતી કંપની દ્વારા મંગાવવામાં આવતો સીમેન્ટ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં બીઆરટીએસ બાદ મેટ્રો ટ્રેનનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહયું છે. ટુંક સમયમાં જ શહેરમાં મેટ્રો ટ્રેન ફરતી થઈ જશે. હાલમાં મેટ્રો પ્રોજેકટના કામો કેટલાક વિસ્તારોમાં ચાલી રહયા છે અને જુદી જુદી કંપનીઓને આ કામ સોંપવામાં આવ્યા છે. મોઢેરાથી રાણીપ ડીમાર્ટ સુધી મેટ્રો ટ્રેન પ્રોજેકટનું કામ કરતી કંપનીએ માલ સામાન માટે ચાંદખેડામાં ગોડાઉન બનાવ્યું છે અને આ ગોડાઉનમાં કંપની દ્વારા લોખંડ, સીમેન્ટ, કપચી સહિતનો માલ સામાન ઉતારવામાં આવે છે અને અહીંયાથી સાઈટ પર રવાના કરાય છે. આ તમામ ગતિવિધિ ઉપર સુપરવાઈઝર દ્વારા નજર રાખવામાં આવતી હોય છે. કંપની દ્વારા ગોડાઉન પર વજન કાંટો પણ મુકવામાં આવેલો છે તેમ છતાં સીમેન્ટ ભરીને આવતી ટ્રકમાં નિયત કરતા ઓછી સીમેન્ટ લાવી વજન કાંટો કરતા શ્રમિક સાથે સાંઠગાંઠ કરી ઓછો માલ ઠાલવવાનું કૌભાંડ ઝડપાયું છે અને આ અંગે કંપનીના સુપરવાઈઝરે ફરિયાદ નોંધાવતા ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન પ્રોજેકટનું કામ પુરજાશમાં ચાલી રહયું છે. કેટલાક વિસ્તારોમાં આ કામ પૂર્ણ થઈ ગયું છે તો મોટાભાગના વિસ્તારોમાં આ કામ અંતિમ તબક્કામાં છે મેટ્રો પ્રોજેકટને ગાંધીનગર સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી કંપનીઓને ટેન્ડરો મારફતે પ્રોજેકટમાં કામ આપવામાં આવ્યું છે જેમાં મોઢેરાથી રાણીપ ડી માર્ટ સુધી મેટ્રો ટ્રેનનું કામ રણજીત બીલ્ડ કોન કંપનીને મળ્યું છે. આ કંપની દ્વારા હાલમાં આ સ્થળ પર કામ કરવામાં આવી રહયું છે.

મેટ્રો પ્રોજેકટ માટે તૈયાર કરવામાં આવી રહેલા રૂટ પર કન્સ્ટ્રકશન કામ માટે કપચી, સીમેન્ટ, લોખંડ સહિતની ચીજવસ્તુઓ મોટી માત્રામાં મંગાવવામાં આવી રહી છે. રણજીત બિલ્ડ કોન કંપનીએ આ તમામ ચીજવસ્તુઓ રાખવા માટે ચાંદખેડા વિસ્તારમાં આવેલા કાસ્ટીંગ યાર્ડની બાજુમાં ફાળવવામાં આવેલા પ્લોટમાં ગોડાઉન બનાવવામાં આવ્યું છે અને આ ગોડાઉનમાં રોજ લાખો રૂપિયાનો માલ ઉતારવામાં આવી રહયો છે. કંપનીના સુપરવાઈઝર દશરથભાઈ માધવભાઈ પટેલ સુપરવીઝનનું કામ કરવા ઉપરાંત આ ગોડાઉનમાં સીકયુરીટી ગાર્ડ તરીકે પણ ફરજ બજાવે છે અને તેઓ ગોડાઉનમાં આવતા તમામ માલ સામાનનું ચેકિંગ કરી તેનું વજન પણ કરાવે છે

આ દરમિયાનમાં બે દિવસ પહેલા આર.એમ.સી. પ્લાન્ટના ઓપરેટર શંકરભાઈને માલ સામાન લાવવામાં કંઈક ગરબડ થતી હોવાની શંકા ગઈ હતી. ખાસ કરીને લુઝ સીમેન્ટની ટ્રક ખાલી કરવામાં એક કલાક જેટલો સમય જતો હોય છે પરંતુ ટ્રક ૧પ થી ર૦ મીનીટમાં ખાલી થઈ જતાં તેની શંકા વધુ દ્રઢ બની હતી અને શંકરભાઈએ આ અંગે દશરથ પટેલનું ધ્યાન દોર્યું હતું જેના પગલે દશરથભાઈ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક આશાપુરા ટ્રાન્સપોર્ટ કંપનીના ડમ્પરના ચાલકને અટકાવ્યો હતો.

શંકરભાઈની શંકા બાદ દશરથભાઈ પટેલ એલર્ટ થઈ ગયા હતા અને તેમણે ટ્રાન્સપોર્ટ કંપનીના ડમ્પરના ચાલકની પાસેથી લુઝ સીમેન્ટની પાવતીઓ તથા વજનની સ્લીપ માંગી હતી જાકે સ્લીપ બરાબર હતી તેથી તેમને વજનકાંટા પર ફરજ બજાવતા શખ્સ ઉપર પણ શંકા ગઈ હતી અને તપાસ કરતા આ ડમ્પરમાં નિયત કરતા સીમેન્ટનો ઓછો જથ્થો લાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું હતું મેટ્રો પ્રોજેકટના કામ માટે કંપની દ્વારા સીમેન્ટ મંગાવવામાં આવતી હોવાથી ટ્રાન્સપોર્ટ કંપનીના ડ્રાયવર તથા અન્ય શખ્સો દ્વારા બારોબાર આ ડમ્પરમાંથી સિમેન્ટ કાઢી લેવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું આ સમગ્ર કૌભાંડ પકડાતા દશરથભાઈ પટેલે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને તેમાં ડમ્પરના ચાલક જયરામ પ્રકાશ તથા તેની સાથે આવનાર રાજુ રાઠોડ અને વજન કાંટાનો ઓપરેટર અમરજીત શર્મા પણ તેની સાથે મળેલો હોવાનું ુખુલ્યું હતું.

વજનકાંટાના ઓપરેટર સાથે સાંઠગાંઠ કરીને નિયત કરતા ઓછો સીમેન્ટ લાવી તથા નિયત જથ્થાના સિમેન્ટની પાવતી આપી છેતરપીંડી કરવાનું કૌભાંડ પકડાતા જ મેટ્રો પ્રોજેકટનું કામ કરતી કંપનીના સંચાલકો ચોંકી ઉઠયા છે અને તાત્કાલિક આ અંગે આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો જેના આધારે ગોડાઉનના સુપરવાઈઝર અને સીકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા દશરથભાઈ પટેલે ડમ્પરના ચાલક જયરામ પ્રસાદ, રાજુ રાઠોડ અને વજનકાંટાના ઓપરેટર અમરજીત શર્મા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓ પણ સતર્ક બની ગયા હતા. આરોપીઓ દ્વારા આ કૌભાંડ કેટલા સમયથી ચાલતુ હતું તે અંગે હવે તપાસ શરૂ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.