ડાયરેક્ટ ટેક્સ કલેકશન 19.54 ટકા વધીને 5.74 લાખ કરોડના સ્તરે
ઈન્કમ ટેક્ષ 5.57 લાખ કરોડઃ જેમાં કોર્પોરેટ ઇન્કમટેક્સ 2.10 લાખ કરોડ તથા પર્સનલ ઇન્કમટેક્સ 3.46 લાખ કરોડ
મુંબઇ, ભારતીય અર્થતંત્રમાં જોરદાર ધમધમાટ હોય તેમ ટેક્સ કલેક્શનમાં જોરદાર વધારો રહ્યો છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેકશન 19.54 ટકા વધીને 5.74 લાખ કરોડના સ્તરે પહોંચી ગયું છે. કોર્પોરેટર કંપનીઓએ વધુ એડવાન્સ ટેક્સ ચુકવ્યો છે. ઉપરાંત શેરબજારના ટ્રેડિંગ પર વસુલાતો સિક્યુરીટી ટ્રાન્ઝેક્શન ટેક્સ પણ 16634 કરોડ થયો છે.
સત્તાવાર સૂત્રોએ કહ્યું કે કોર્પોરેટ કંપનીઓના એડવાન્સ ટેક્સ કલેકશનમાં 27.34 ટકાનો વધારો થયો હતો. 15 જુનના પ્રથમ હપ્તામાં 1.48 લાખ કરોડ વસુલાયા હતા. તેમાં કોર્પોરેટ ઇન્કમટેક્સ 1.14 લાખ કરોડ તથા પર્સનલ ઇન્કમટેક્સ 34470 કરોડ હતો.
11 જુલાઇની સ્થિતિ સીધા કરવેરાની નેટ વસુલાત 574357 કરોડ હતી. તેમાં કોર્પોરેટ ઇન્કમટેક્સ 2,10,274 કરોડ તથા પર્સનલ ઇન્કમટેક્સ 3,46,036 કરોડ હતી. સિક્યુરીટી ટ્રાન્જેક્શન ટેક્સ પેટે 16634 કરોડ મળ્યા હતાં.
ગત વર્ષના આ સમયગાળામાં ટેક્સ વસુલાત 4,80,458 કરોડ હતી. 11 જુલાઇની સ્થિતિએ 70902 કરોડના રીફંડ ચુકવાયા હતા. જે ગત વર્ષની સરખામણીએ 64.4 કરોડ વધુ હતાં.