હીરામાં મંદીઃ નવસારીમાં ૭૦% કારખાના ખુલી શક્યા નથી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/10/Diamond-1.jpg)
હીરા ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ યથાવત્, ૭૦ ટકા લોકો રોજગારીની રાહમાં
(એજન્સી)નવસારી, દક્ષિણ ગુજરાતમાં સુરત બાદ નવસારીને પોલીશ ડાયમંડ માટે મહત્વનું સેન્ટર માનવામાં આવે છે. ખાસ કરીને નવસારી જિલ્લાને જીણા અને પોલકી ડાયમંડનું હબ માનવામાં આવે છે. નવસારીમાં મોટી સંખ્યામાં લોકો હીરા ઉદ્યોગ દ્વારા રોજગારી મેળવે છે.
હાલ અનેક કારણોસર નવસારીના હીરા ઉદ્યોગ ઉપર માઠી અસર પહોંચી છે. છેલ્લા થોડા વર્ષોથી હીરા ઉદ્યોગને મંદીને કારણે ઝાંખપ લાગી છે. ત્યારે મંદીના વાદળો ઘેરાતા હીરા ઉદ્યોગ પોતાનું અÂસ્તત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરી રહ્યો હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે.
ભારતમાં અને વિશ્વમાં હીરાના કટીંગ એન્ડ પોલીસ માટે મહત્ત્વના શહેર સુરતના પાડોશી નવસારી જિલ્લામાં પણ ડાયમંડ કટીંગ એન્ડ પોલીસિંગ કરવામાં આવે છે. સુરતની સરખામણીએ નવસારીમાં જીણા હીરાનું કામ વધુ થાય છે. છેલ્લા લાંબા સમયથી નવસારીનો હીરા ઉદ્યોગ મંદી હેઠળ આવ્યો છે. એક તરફ રફના વધેલા ભાવ તો, બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોલીસ હીરાના ઓછા ભાવે માંગવામાં આવે છે.
જેને કારણે વેપારીઓ કોઈ રફની ખરીદી અટકાવવા સાથે પોલીસ માલને પણ વેચવાનું ટાળ્યું છે. મે ૨૦૨૪નું વેકેશન પૂર્ણ થયા બાદ પણ નવસારી શહેરમાં આશરે ૭૦% કારખાના ખુલી શક્યા નથી. હીરા ઉદ્યોગ પર યુદ્વનું ગ્રહણ યથાવત્, ૭૦ ટકા લોકો રોજગારીની રાહમાંહીરા ઉદ્યોગમાં દિવાળી અને વેકેશન ગાળો મહત્ત્વનો હોય છે. આ ક્ષેત્રમાં કામ કરતા કારીગરો પોતાના વતને જઈને હળવાશ અનુભવે છે.
મોટાભાગે આ વેકેશન ૧૫થી ૨૦ દિવસનું હોય છે. પરંતુ, મંદીને જોતા આ વખતનું વેકેશન બે મહિના સુધી લંબાયુ છે. નવસારી જિલ્લામાં ૧૮૦ જેટલા કારખાના છે. જેમાં ૧૭ થી ૧૮ હજાર રત્ન કલાકારોની રોજગારી નભે છે. પરંતુ રશિયા, યુક્રેન વચ્ચે કાર્યરત આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે નવસારી જિલ્લામાં મંદીના વાદળો ઘેરાયા છે. જેને કારણે વેકેશન લંબાયુ છે.
અહીંના વેપારીઓને હીરાની રફ પોસાય તેવા ભાવે મળતી નથી. જો કદાચ વેપારીઓ રફ ખરીદી પણ લે તો,પોલીસ થયેલા હીરાઓ તેમના પાસેથી ઓછા ભાવે માંગવામાં આવે છે. જેથી વેપારીઓને પડ્યા પર પાટું જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ અંગે નવસારી ડાયમંડ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ કમલેશ માલાણી જણાવે છે કે, આંતરરાષ્ટ્રીય દેશોમાં યુદ્ધની સ્થિતિ હજુ પણ યથાવત રહેતા તેની સીધી અસર વેપાર ધંધા ઉપર જોવા મળી રહી છે. અહીં ૭૦% કારખાના ખુલ્યા જ નથી. પોલીસ થયેલા ડાયમંડનો ભરાવો થઈ રહ્યો છે.