Western Times News

Gujarati News

લોકશાહી-રાજકારણમાં હિંસા માટે કોઈ સ્થાન નથી: PM મોદી

રાહુલ ગાંધીએ પણ ટ્રમ્પ પરના હુમલાની કરી નિંદા

(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા ઘાતક હુમલાની નિંદા કરી છે. તેમણે ટ્રમ્પના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે, તે ટ્રમ્પ પર હુમલાથી ચિંતિત છે. રાજકારણ અને લોકશાહીમાં હિંસા માટે કોઈ સ્થાન નથી. હું તેને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. પેન્સિલવેનિયામાં એક ચૂંટણી રેલી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ આ હુમલામાંથી આબાદ બચી ગયા હતા.

ટ્રમ્પ પર છોડાયેલ ગોળી તેના કાનને અડીને પસાર થઈ ગઈ હતી. હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં ટ્રમ્પ ખતરાની બહાર છે. તેઓ સંપૂર્ણ સુરક્ષિત છે. સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સિક્રેટ સર્વિસે તરત જ હુમલાખોરોને મારી નાખ્યો. હુમલા બાદ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાની સિક્રેટ સર્વિસનો આભાર કે જેમણે તાત્કાલિક કાર્યવાહી કરી. આપણા દેશમાં આવી ઘટના બની હોય તે માની શકાય તેમ નથી.

કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ, પણ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર હુમલાની નિંદા કરી છે. તેણે કહ્યું કે હું અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના પ્રયાસને લઈને અત્યંત ચિંતિત છું. આવા કૃત્યોની સખત શબ્દોમાં નિંદા થવી જોઈએ. હું તેના ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું.

આ ઘટના બાદ સમગ્ર અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પ પર હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પોતાનું વેકેશન કેન્સલ કરી દીધું છે. તેઓ વ્હાઇટ હાઉસ પરત ફર્યા છે. ટ્રમ્પને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ બાઈડને તેમની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. બાઈડન, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, બિલ ક્લિન્ટન, પીએમ મોદી સહિત વિશ્વના અન્ય ઘણા નેતાઓએ આ હુમલાની આકરી નિંદા કરી છે.

ટ્રમ્પ પર હુમલા બાદ જો બાઈડને કહ્યું કે મને ટ્રમ્પની રેલીમાં ફાયરિંગની માહિતી મળી છે. હું એ જાણીને ખુશ છું કે તેઓ સુરક્ષિત છે. હું તેમના અને તેમના પરિવાર માટે અને રેલીમાં સામેલ દરેક વ્યક્તિ માટે પ્રાર્થના કરું છું. એમને સલામત રીતે નીકાળવા બદલ, જીલ અને હું સિક્રેટ સર્વિસના આભારી છીએ. અમેરિકામાં આ પ્રકારની હિંસા માટે કોઈ સ્થાન નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.