5 મંત્રીઓ માટે રૂ.૩૫ લાખની પાંચ ઈનોવા કાર ખરીદવામાં આવી: બાકીના 11 મંત્રીઓને નવી કાર ક્યારે?
ખરીદવામાં આવેલી ઈનોવા હાઈક્રોસ, હાઈબ્રીડ વીથ સનરૂફ કાર પુરતી આરામદાયક અને ભરપૂર સુવિધાયુક્ત છે.
ગુજરાત રાજ્યમાં અગાઉ મહાત્મા ગાંધીની વિચારધારાની અસર તળે કરકસર અને સાદગીનો ભારે મહિમા થતો હતો પણ હવે એ બન્ને શબ્દોનું કોઈ અસ્તિત્વ રહ્યું હોય એવું જણાતું નથી. તેનો પુરાવો એ છે કે હમણાં ગુજરાત રાજ્ય દ્વારા પાંચ નવી ઈનોવા કાર રાજ્યના મંત્રીઓ માટે ખરીદવામાં આવી છે. રૂ.૩૫,૦૦,૦૦૦/-ના ખર્ચે ખરીદવામાં આવેલી ઈનોવા હાઈક્રોસ, હાઈબ્રીડ વીથ સનરૂફ કાર પુરતી આરામદાયક અને ભરપૂર સુવિધાયુક્ત છે.
આને કારણે મંત્રીઓ લાંબા પ્રવાસ થાક્યા વગર કરી શકશે.આ સંદર્ભે સચિવાલયમાં એવી ચર્ચા ચાલી રહી છે કે મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સિવાય કુલ ૧૬ મંત્રી છે તો પછી નવી કાર માત્ર પાંચ જ કેમ ખરીદવામાં આવી? બાકીના ૧૧ મંત્રીઓને નવી કાર ક્યારે મળશે? આ પ્રશ્નનો જવાબ જાણકારો એવો આપે છે કે એવું બને કે જે મંત્રીઓની કારના કિલોમીટર પૂરાં થઈ ગયા હોય તેઓને નવી કાર અપાઈ હશે.
અને અન્ય મંત્રીઓની કારના કિલોમીટર જેમ જેમ પૂરાં થતાં જશે તેમ તેમ બાકીના મંત્રીઓને પણ નવી કાર અપાતી રહેશે. સચિવાલયમાં એક સવાલ એવો પણ પૂછાય છે કે જે મંત્રીને નવી કાર મળી છે તેમનાં રાજકિય કિલોમીટર પૂરાં થઈ જાય (એટલે કે મંત્રીમંડળનાં આગામી ફેરફારમાં પડતાં મુકાય) તો એ નવીનક્કોર કાર છોડતા તેમને કેટલું બધું દુઃખ થશે? આ પ્રશ્નનો હાલમાં તો કોઇની પાસે જવાબ નથી એ નક્કી છે.
બોલો લ્યો,પોલીસને બદલે ભા.જ.પ.ના નેતા વિપુલ દુધાતે દારૂ પકડ્યો!
સચિવાલયમાં હમણાં ભા.જ.પ.ના અમરેલીના નેતા વિપુલ દુધાતે લિલિયામાંથી દેશી દારૂનો સપ્લાય કરતા એક છોકરાને પકડ્યો એની ભારે ચર્ચા છે!આમાં બન્યું પાછું એવું કે દુધાતે આ આખી ઘટનાનો વીડિયો બનાવીને પોલીસ બોલાવી.પોલીસે છોકરાને પકડ્યો તો એ સગીર નીકળ્યો એટલે એના પિતાની ધરપકડ કરી.
હવે હસવું આવે એવી વાત તો એ છે કે આવા છુંછા(નાના)જેવા કામ(જે હકીકતમાં પોલીસે તો કર્યું જ ન હતું) માટે પણ અમરેલી પોલીસે પ્રેસ નોટ બહાર પાડી અને તેમાં રેન્જ આઇ.જી.થી માંડીને પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનાં બધાને યશ આપવામાં આવ્યો પણ એમાં વિપુલ દુધાતનુ નામ જ ભુલાઈ ગયું.
એ ભૂલ સમજાઈ એટલે પછી નવી પ્રેસ નોટ બહાર પાડી અને એમાં વિપુલ દુધાતનુ નામ પહેલી લીટીમાં જ ઉમેરાયું.અહીં એક નોંધપાત્ર વાત એ પણ છે કે વિપુલ દુધાતના સગા મોટાભાઈ હરેશ એમ.દુધાત ગુજરાતની આઇ.પી.એસ.કેડરના ૨૦૧૭ની બેચના અધિકારી છે અને હાલમાં રાજ્યના ઇન્ટેલિજન્સ વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવે છે.
ગાંધીનગરમાં જબરજસ્ત હવાઃ કે.કૈલાસનાથન ઈન્ગ્લેન્ડમાં હાઈ કમિશનર બનશે?
ગાંધીનગરમાં શુક્ર,શનિ અને રવિવારે એવી જબરદસ્ત અફવા ઉડી છે કે ગુજરાતના પૂર્વ આઈ.એ.એસ.અધિકારી અને તાજેતરમાં જ મુખ્યમંત્રીનાં મુખ્ય અગ્ર સચિવપદેથી નિવૃત થયેલાકે. કૈલાશનાથન ઈન્ગ્લેન્ડમાં હાઈ કમિશનર બની રહ્યા છે.
સચિવાલયમાં થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો આ જોરદાર અટકળ પાછળનું કારણ એવું છે કે તાજેતરમાં કે.કૈલાસનાથન સાથે વડાપ્રધાનનાં કાર્યાલયના ગુજરાત કેડરના નિવૃત આઈ.એ.એસ. અધિકારી પ્રમોદકુમાર કે.મિશ્રાએ કરેલી ટેલિફોનીક ચર્ચામાં કે.કૈલાસનાથનને
ભાવિ નિમણૂંક માટે જે વિકલ્પો આપવામાં આવ્યા હતા તેમાં આ એક પોસ્ટની વાત પણ હતી.વળી દિલ્હીમાં બે દિવસ પહેલા આ વાત વહેતી થઈ હતી.એ પછી પછી છેલ્લા ૪૮ કલાકથી ગુજરાતમાં પણ આ વાત સતત ફંગોળાયા કરે છે.
આ ઉપરાંત ગત મહિનાના અંતે ગુજરાતના વહીવટીતંત્રને અલવિદા કરનાર કે.કૈલાસનાથન દિલ્હી અથવા જમ્મુ કાશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર બને કે દક્ષિણનાં કોઈ મોટા રાજ્યના રાજ્યપાલ બને તેવી પણ અટકળો થઈ રહી છે.તર્કશાસ્ત્રના નિયમ પ્રમાણે “જ્યાં ધુમાડો હોય ત્યાં આગ હોય જ” એ ન્યાયે અત્યારે ઉડતી અફવાઓ એવું સૂચવે છે કે કે. કૈલાસનાથનની નવી ભૂમિકા અંગે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય કરશે એવી પુરતી સંભાવના છે.
અગ્નિ કાંડના પીડિતોને ન્યાય અપાવવા જીજ્ઞેશ મેવાણીએ રાજકોટમાં ફ્લેટ ભાડે લીધો?
‘સાચું ખોટું તો રામ જાણે’ પણ સચિવાલયમાં થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો એવું કહેવાય છે કે કોંગ્રેસ પક્ષ રાજકોટ ગેમ ઝોનમા લાગેલી આગનો ભોગ બનેલા પીડિતોને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છે.આ માટે એવું પણ કહેવાય છે કે રાજકોટમાં જનઆંદોલન કરી પીડિતોને ન્યાય અપાવવા જવાબદારી અને નેતૃત્વ સંભાળવા કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને જવાબદારી સોંપવામાં આવી છે.
એ સાથે એવી વાત પણ વહેતી થઈ છે કે જીજ્ઞેશ મેવાણી સદરહું આંદોલન લાંબુ પણ ચાલે એવી સમજણ સાથે રાજકોટમાં પોતાના નિવાસ માટે એક ફ્લેટ પણ ભાડે રાખી લીધો છે.જીજ્ઞેશ મેવાણીની આ તૈયારી સૂચવે છે કે કોંગ્રેસ પક્ષ દ્વારા ભા.જ.પ.ના મજબૂત ગઢ ગણાતા રાજકોટમાં ગાબડું પાડવાનું આયોજન કરી લેવાયું છે.હવે એવું લાગે છે કે લોકસભામાં રાહુલ ગાંધી વિરોધ પક્ષના નેતા બન્યા પછી ગુજરાતનો કોંગ્રેસ પક્ષ આળસ ખંખેરીને બેઠો થયો છે અને તેના ભાગરૂપે રાજકોટના અગ્નિ કાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ બન્યો છે.આ આયોજન સફળ થશે કે નહીં એ આવનાર સમય જ કહેશે.
ઈડરમાં ભા.જ.પ.ના અનુસૂચિત જાતિના બે નેતાઓ રમણ વોરા અને નટુ પરમાર ઝઘડ્યા
ભારતીય જનતા પક્ષમાં આંતરિક મતભેદો તો તેનાં સ્થાપના કાળથી અસ્તિત્વમાં હશે પણ પક્ષની ઉજ્જવળ પરંપરા અને નક્કર શિસ્તને કારણે તે અગાઉ કોઈ દિવસ બહાર નહોતા આવતા.
પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.હવે પક્ષના નેતાઓનાં મતભેદ ખુલ્લેઆમ બહાર આવે છે.આનો પુરાવો એ છે કે તાજેતરમાં સાબરકાંઠા જિલ્લાનાં ઈડરના એક મંદિર ખાતે રથયાત્રા પ્રસંગે ભા.જ.પ.ના સ્થાનિક ધારાસભ્ય રમણલાલ વોરા
અને પક્ષના અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ નટુ પરમાર સામસામે આવી ગયા.આમ તો સામાન્ય વાતચીતથી શરુઆત થઈ અને પછી ચર્ચામાં આંતરિક રાજકિય ખટપટ બહાર આવી જતા એ બન્ને દિગ્ગજ નેતાઓ ઝગડી પડ્યા અને વાત ગાળાગાળી સુધી પહોંચી ગઇ હતી.
રમણ વોરાએ સાબરકાંઠામાં જ આવું વર્તન ફરીવાર કર્યું છે.સતત ૨૦ વર્ષ સુધી સત્તામાં રહેલા અને એકંદરે પરિપક્વ રાજકીય નેતાની છાપ ધરાવતાં રમણ વોરા કેમ સંતુલન ગુમાવતા હશે?એ પક્ષને,તેમનાં મિત્રોને કે શુભેચ્છકોને સમજાતું નથી.!