આમોદ પાલિકાએ ખોદી કાઢેલી ગટરોથી દુકાનદારો પરેશાન
૫૦ મીટર જેટલી ગટર ખોડયા બાદ કામગીરી શરૂ ના કરતા રોષ
ભરૂચ: આમોદ નગરમાં ચાર રસ્તા થી ચુનારવાડ સુધી સ્લેબવાળી ગટર તોડીને ફરીથી નવી બનાવવાનું કામ આમોદ પાલિકાએ હાથ ધાર્યું છે.પરંતુ છેલ્લા ઘણા દિવસોથી ૫૦ મીટર જેટલી ગટર ખોદીને ખુલ્લી પડેલી ગટરનું કામ હાલ બાકી હોય આજુબાજુ ના હોય દુકાનદારો તેમજ રહેવાસીઓ પરેશાન થઈ રહ્યા છે અને ભારે હાલાકી વેઠવી પડે છે.
બીજી તરફ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે જે તે ગટર મજબૂત હતી છતાં કેમ આમોદ પાલિકા તરફથી તોડવામાં આવી અને ફરીથી નવી બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું તે આમોદ નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આમોદ ચાર રસ્તા પાસે દુકાનદારોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ગટર ખોદી છે પરંતુ તેનું કામ ચાલુ ના થતા ગ્રાહક ને દુકાને આવન જવાની તકલીફ પડી રહી છે અને અમારી ઘરાકી ઉપર અસર થઈ રહી છે.
આ બાબતે આમોદ પાલિકાના ઈજનેર કિરણ મકવાણા સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલ ૫૦ મીટર જેટલી ગટર ખોદી છે કદાચ મજૂર ના હોવાથી કામ બંધ હોય તે હું તપાસ કરાવું છું.