Western Times News

Gujarati News

ગુજરાતના લોથલ ખાતે ‘નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’ (NMHC) વિકસાવી રહ્યું છે

મિનિસ્ટ્રી ઓફ પોર્ટ, શિપિંગ અને વોટર વેવ્સના સંયુક્ત સચિવની અધ્યક્ષતામાં  ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિની સમીક્ષા અંગેની બેઠક યોજાઈ

મિનિસ્ટ્રી ઓફ પોર્ટ, શિપિંગ અને વોટર વેવ્સ સાગર માળા કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના લોથલ ખાતે ‘નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’ (NMHC) વિકસાવી રહ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વિશ્વકક્ષાની સુવિધા ધરાવતું એક આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ બનવાનો છે.

નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણના અભિગમ દ્વારા પ્રાચીનથી આધુનિક સમય સુધીના ભારતના દરિયાઈ વારસાને પ્રસ્તુત કરાશે.

તાજેતરમાં ગુજરાતના લોથલ ખાતે  મિનિસ્ટ્રી ઓફ પોર્ટ, શિપિંગ અને વોટર વેવ્સના સંયુક્ત સચિવ શ્રી ભૂષણ કુમારની અધ્યક્ષતામાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિની સમીક્ષા અંગેની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ અમદાવાદમાં સ્ટેટ ગેસ્ટ હાઉસ ખાતે કારોબારી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકોમાં MoPSW, MoRTH, MoC, MoD (નેવી અને કોસ્ટ ગાર્ડ), MoES અને ગુજરાત સરકારના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહ્યા હતા.

નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ની સ્થાપના માટે ગુજરાત સરકારે સરગવાલા ગામમાં ૪૦૦ એકર જમીન ફાળવી છે અને પ્રોજેક્ટ માટે બાહ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ પણ હાથ ધર્યો છે. આમાં, સરગવાલા ગામથી નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ સાઈટ સુધીના ૧.૫ કિમીના રસ્તાની પૂર્ણાહુતિ, ૧૭  કિમી ટ્રાન્સમિશન લાઈનો નાખવા, ૬૬  kV GIS સબસ્ટેશનના સેટઅપ માટે ફન્ડિંગ અને નર્મદા પાણી પુરવઠા તથા સંગ્રહ ટાંકીની જોગવાઈનો સમાવેશ થાય છે.

વધુમાં, આ પ્રોજેક્ટ માટે મૂળભૂત આંતરિક માળખાગત સુવિધાઓના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૫૦  કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટના તબક્કા-1A માટેની ભૌતિક પ્રગતિ લગભગ ૫૫ ટકા પૂર્ણ થઈ ગઈ છે. જેમાં તમામ ગેલેરી માટેના ટેન્ડર પેકેજો આપવામાં આવ્યા છે અને તબક્કા-1B માટેના ટેન્ડરો જુલાઈ ૨૦૨૪ સુધીમાં આપવામાં આવે તેવી અપેક્ષા છે.

બાકીના તબક્કાઓ માટેની ટેન્ડરિંગ પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. મેરીટાઇમ કોમ્પ્લેક્સમાં વિશ્વના સૌથી ઊંચું લાઇટહાઉસ ધરાવતું મ્યુઝિયમ, વિશ્વની સૌથી મોટી ઓપન એક્વેટિક ગેલેરી અને ભારતનું સૌથી ભવ્ય નેવલ મ્યુઝિયમ હશે, જે તેને એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ બનાવશે.

માર્ચ ૨૦૨૨માં શરૂ થયેલા આ પ્રોજેક્ટને આશરે રૂ. ૪૫૦૦ કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે અને તેમાં અનેક નવીન તથા વિશિષ્ટ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે. જેમાં, હડપ્પન આર્કિટેક્ચર અને જીવનશૈલીને પ્રદર્શિત કરવા માટે લોથલ મીની રિક્રિએશન, ચાર થીમ પાર્ક (મેમોરિયલ થીમ પાર્ક, મેરીટાઇમ અને નેવી થીમ પાર્ક, ક્લાઈમેટ થીમ પાર્ક અને એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક) બનાવાશે.

આ સાથે જ હડપ્પન કાળથી વર્તમાન સમય સુધીના ભારતીય દરિયાઈ વારસાને પ્રદર્શિત કરતી ૧૪ ગેલેરી પણ બનાવાશે. વધુમાં, ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વૈવિધ્યસભર દરિયાઈ વારસાને દર્શાવતું કોસ્ટલ સ્ટેટ્સ પેવેલિયન પણ હશે. આ પ્રોજેક્ટથી પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે અને રીઝનમાં આર્થિક વિકાસ થશે તેવી અપેક્ષા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.