Western Times News

Gujarati News

દક્ષિણ ગુજરાત માટે ૪૮ કલાક ખૂબ જ ભારે- ઉમરપાડામાં આભ ફાટ્યું

નેત્રંગમાં સાંબેલાધાર વરસાદથી જનજીવન ઠપ્પ ઃ ૨ કલાકમાં સાડા પાંચ ઈંચથી વધુ વરસાદ: નદીઓ ગાંડીતૂર બનતાં અનેક ગામોનો સંપર્ક તૂટ્યો

(એજન્સી)અમદાવાદ, હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ ચાલી રહી છે. દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં આભા ફાટ્યુ હોય તે રીતે ૪ કલાકમાં ૧૪ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

ત્યારે વીરા અને મોહન નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. વરસાદના લીધે ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. ઉમેરપાડા તાલુકાના ઉમરગોટનો સંપર્ક તૂટી ગયો છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં પાણી ફરી વળ્યા છે. હવામાન વિભાગે આગામી ૪૮ કલાક દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ ભારે હોવાની દહેશત વ્યક્ત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સવારે ૬ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધીમાં ૧૦ ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે અત્યાર સુધીમાં ૧૪ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. ભારે વરસાદના લીધે અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે અને તેમનો સંપર્ક તૂટી ગયો છે. ભારે વરસાદના લીધે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. છેલ્લા ૨૪ કલાકમાં નર્મદાના ગરૂડેશ્વરમાં સવા પાંચ ઈંચ, સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ નર્મદાના તિલકવાડામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.

ઉમરપાડાના ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી ગાંડીતૂર બની છે. ગોંડલિયા ગામે વીરા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક તુટી ગયો છે. વરસેલા ભારે વરસાદને લઇને તંત્ર દોડતું થયું છે. ચિતલદા ગામેથી વહેતી વીરા નદી ૨ કાંઠે થઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમ વખત નદીમાં ભરપૂર પાણી આવ્યું છે. ચિતલદા ગામથી અન્ય ગામના જ ફળિયાને જોડતો રોડ પાણીમાં ગરકાવ થયો છે. નદીમાં પાણીની આવક થતા રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. ઉમરપાડાથી ઉમરગોટ જતા માર્ગ પર પાણી ફરી વળ્યાં છે. ખાડી છલકાતા પાણી ફરી વળ્યાં હતા. ઉમરપાડાથી ઉમરગોટ ગામનો સંપર્ક કપાયો છે.

નેત્રંગ તાલુકામાં મેઘરાજાની ૨ કલાકમાં ધમાકેદાર બેટિંગ કરતાં સાડા પાંચ ઈંચ કરતાં વધુ વરસાદ થતાં જળબંબાકારની પરીસ્થિતિ ઉદભવી હતી.નેત્રંગ ટાઉનના જીનબજાર,ગાંધીબજાર અને જુની નેત્રંગ અને ગામે-ગામના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરોમાં વરસાદી પાણી ઘુસતા ઘરવકરીનો સામાન-જીવનજરૂરીયાતની ચીજવસ્તુને ભારે નુકસાન પહોંચ્યું હતું.નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી અમરાવતી, ટોકરી, મધુવંતી,કરજણ અને કિમ નદીમાં ઘોડાપુર આવતા નદી કાંઠાના કેટલાક ગામો સંપર્કવિહોણા બન્યા હતા.

નેત્રંગ તાલુકાના મોવીથી ડેડીયાપાડા રસ્તા ઉપર આવેલ યાલ ગામનું નાળું વરસાદી પાણીમાં ધોવાણ થતાં વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો અને વાહનચાલકોને નેત્રંગ થઈને પસાર થવાની સુચના આપવામાં આવી હતી.નેત્રંગમાં વરસાદી પાણી રોડ-રસ્તા ઉપર ફરી વળતા કલાકોથી વાહન વ્યવહાર ઠપ્પ રહેતા ભારે ટ્રાફિકજામ થઈ ગયો હતો.

કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે મામલતદાર અને પોલીસ કર્મચારીઓ ખડેપગે ફરજ ઉપર તૈનાત કરી દેવામાં આવ્યા હતા. નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના પગલે બલડેવા-પીંગોટ અને ધોલી ડેમના પાણીની સપાટીમાં એકસાથે ૩ મીટર જેટલો ધરખમ વધારો થયો છે.હાલમાં બલડેવા ૧૩૯.૮૦ મીટર,પીંગોટ ૧૩૬.૪૦ અને ધોલી ૧૩૪.૩૦ મીટર પાણીની સપાટી છે.આવનાર ટુંક સમય ત્રણેય ડેમ ઓવરફ્‌લો થવાની પુરેપુરી શક્યતાઓ જણાઈ રહી છે.

નેત્રંગ મોરીયાણા ગામના જયેશભાઈ કનુભાઈ વસાવા સવારના સમયે કુદરતી હાજતે ગયા હતા.એકાએક મોરીયાણા ગામની નદીમાં ઘોડાપુર આવતા પોતાનો જીવ બચાવવા માટે તાડના વૃક્ષ ઉપર ચઢી ગયા હતા.બનાવની જાણ ગ્રામજનોને થતાં તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી રેસ્ક્યુ કરીને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સાબરકાંઠાના ઈડર, વડાલીમાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થતાં વરસાદથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. રાત્રિના સમયે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકોને જીવનદાન મળ્યું છે લુણાવાડા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ગત મધ્ય રાત્રિએ ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

રાત્રિના ૨ વાગ્યા બાદ વરસેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો માંડવી બજાર, હુસેની ચોક, હાટડીયા બજાર, મધવાસ દરવાજા, વરધારી રોડ સહિતના વિસ્તારોમાંથી ઘૂંટણસમા પાણી વહ્યા હતા. બીજી તરફ ધોધમાર વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. મોડાસા અને માલપુર તાલુકામાં ગાજવીજ સાથે મોડાસામાં વરસાદ પડ્યો છે. માલપુરના રાજમાર્ગ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.