Western Times News

Gujarati News

કર્મચારીઓની સ્વૈચ્છિક નિવૃત્તિને ફરજિયાત નિવૃત્તિમાં ફેરવી શકાતી નથીઃ કર્ણાટક હાઈકોર્ટ

(એજન્સી)કર્ણાટક, કર્ણાટક હાઇકોર્ટે તાજેતરમાં કર્મચારીઓની સ્વૈચ્છિક નિવૃત્તિ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે અવલોકન કર્યુ છે કે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (સીએટી) દ્વારા કોઇ પણ કર્મચારીની સ્વૈચ્છિક નિવૃત્તિ માટેની અરજી પર વિચાર કરવા માટે પસાર કરવામાં આવેલા નિર્દેશો બંધનકર્તા છે અને સત્તાવાળાઓ કોઇપણ કર્મચારીની સ્વૈચ્છિક નિવૃત્તિ માટે કરવામાં આવેલી અરજીને ધ્યાનમાં લીધા વિના ફરજિયાત નિવૃત્તિનો નિર્દેશ આપી શકે નહી.

રિપોર્ટ અનુસાર, જસ્ટિસ અનુ શિવરામન અને જસ્ટિસ અનંત રામનાથ હેગડેની ડિવિઝન બેંચે આવકવેરા કમિશનર બી અરુલપ્પાની સ્વૈચ્છિક નિવૃત્તિ સાથે જોડાયેલા વિવાદમાં આ ચુકાદો સંભળાવ્યો હતો. આ કેસમાં કેન્દ્ર સરકારની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

જેમાં કેન્દ્ર સરકારે આવકવેરા કમિશનર સામે તેમની સ્વૈચ્છિક નિવૃત્તિની અરજીને બદલે ફરજીયાત નિવૃત્તિનો આદેશ આપ્યો હતો. આ આદેશ સામે અરુલપ્પાએ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (સીએટી)નો સંપર્ક સાધ્યો હતો.

સીએટીએ પોતાના આદેશમાં કેન્દ્ર સરકારના નિર્ણયને ઉલટાવ્યો હતો અને આવકવેરા કમિશનરને સ્વૈચ્છિક નિવૃત્તિ અરજી મુજબ લાભ આપવા નિર્દેશ આપ્યો હતો. આની સામે કેન્દ્ર સરકારે હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. આ અરજીને ફગાવી દેતા હાઇકોર્ટે કહ્યું હતું કે સીએટી દ્વારા પસાર કરવામાં આવેલા નિર્દેશો બંધનકર્તા છે. કર્મચારીએ પહેલેથી જ નોકરીમાં સ્વૈચ્છિક નિવૃત્તિની માંગ કરી હતી.

તેથી અમે એ સમજવામાં અસમર્થ છીએ કે કેન્દ્ર સરકારને ટ્રિબ્યુનલ દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું પાલન કરવામાં કેમ મુશ્કેલી પડી રહી છે. ખંડપીઠે કહ્યું કે કર્મચારીઓ પોતે જ સેવામાં ચાલુ રાખવાના વિકલ્પને નકારી કાઢયો છે.

હકીકતમાં, અરુલપ્પાએ સીઆઇટી-૨નો હવાલો સંભાળતી વખતે ત્રિચી ખાતે આકારણી વર્ષ ૨૦૦૯-૨૦૧૦ માટે મેસર્સ વાસન હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડનો કેસ તેના જુનિયર ઇન્કમટેકસ ઓફિસરને સોંપ્યો હતો, જેના પરિણામે ૨૬/૦૩/૨૦૧૮ના રોજ તેની સામે મામૂલી દંડની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

જો કે અગાઉ તા. ૨૯/૯/૨૦૧૭ના રોજ વિભાગીય નિયમ ૫૬(કે)હેઠળ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી હતી કે તા. ૧૨/૧૨/૨૦૧૭થી અમલી બનવાની હતી પરંતુ વિજિલન્સ અને નાણામંત્રીની મંજૂરીના અભાવે તેમનો અરજી રદ કરવામાં આવી હોવાનું જણાવીને અરજી રદ કરવામાં આવી હતી. એ પછી અરુલપ્પાએ ટ્રિબ્યુનલનો સંપર્ક સાધ્યો હતો, જેણે તેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.