માથાભારે વ્યાજખોરનો વરઘોડો કાઢ્યો પોલિસેઃ 12% ના વ્યાજે નાણાં ધિરતો હતો
અગાઉના કેસમાં આગોતરા જામીન મેળવી પોલીસ મથકમાં વટભેર હાજર થતા પોલીસે પણ પાવર બતાવ્યો
સુરત, ઉધના પોલીસ મથક વિસ્તારમાં માથાભારે તરીકે છાપ ધરાવતા અને વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલી સામે પોલીસે વ્યાજખોરનો ગુનો દાખલ કર્યો હતો. અગાઉ દાખલ થયેલા ગુનામાં આગોતરા જામીન મેળવી વટભેર ઉધના પોલીસ મથકમાં હાજર થયેલા માથાભારે ધર્મેન્દ્ર ઉર્ફે લાલી સામે પોલીસે વધુ એક ગુનો દાખલ કરી તેને તરત જ ઝડપી પાડી તેની ધરપકડ કરી હતી.
આ દરમિયાન પોલીસે આજે ધર્મેન્દ્ર ઉર્ફે લાલીનો ઉધના નવસારી રોડ પર પ્રભુનગર પાસે આવેલ તેની ઓફિસ પાસે તેનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. જેના કારણે તેના ત્રાસથી કંટાળેલા લોકો પણ ખુશ થયા હતા અને પોલીસની કામગીરીને પણ બિરદાવી હતી.
વ્યાજખોર અને માથાભારે તરીકે છાપ ધરાવતા અને લોકોને અસહ્ય ત્રાસ આપતા ધર્મેન્દ્ર ઉર્ફે લાલીને આજે ઉધના પોલીસ મથકના પીઆઇ એસ.એન.દેસાઈએ બરાબર સબક શીખવાડ્યો હતો. શહેરના અલથાણ વિસ્તારમાં આશીર્વાદ હોમ્સમાં રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે લાલી અમરસિંહ હજરા વ્યાજખોરના ધંધા સાથે સંકળાયેલો છે અને માથાભારે તરીકે છાપ પણ ધરાવે છે.
થોડા દિવસ અગાઉ ઉધના લાલીમા નગરમાં રહેતી અને ગેરકાયદેસર દારૂના ધંધા સાથે સંકળાયેલી 45 વર્ષીય વિધવા શીલાબેન હરીશભાઈ રાણાએ માથાભારે ફાઈનાન્સર ધર્મેન્દ્ર ઉર્ફે લાલી સામે વ્યાજખોરીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ વ્યાજખોર લાલી આગોતરા જામીન મેળવી લીધા હતા અને ગતરોજ ઉધના પોલીસ મથકમાં વટભેર હાજર થયો હતો.
જોકે ઉધના પોલીસ મથકમાં હાજર થાય તે પહેલા જ પોલીસે અન્ય એક પીડિત વ્યક્તિની ફરિયાદ નોંધી હતી. જેમાં તેની સામે ગતરોજ અલથાણ આશીર્વાદ એન્કલેવની બાજુમાં વેગનજા હોમ્સ ખાતે રહેતા જમીન દલાલ આશિષ કિશનલાલ મુખીજા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ઉધના બીઆરસી ગેટની સામે ગણેશ હ્યુન્ડાઇ સામે પ્રભુનગર અમર નિવાસમાં ઓફિસ ધરાવતા માથાભારે ફાઈનાન્સર ધર્મેન્દ્ર ઉર્ફે લાલી એ તેને 12% ના વ્યાજે બે લાખ રૂપિયા આપ્યા હતા
અને દર મહિને 24 હજારની વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી. જમીન દલાલ પાસે બે લાખની સામે 6.83 લાખ પડાવી લીધા બાદ પણ માથાભારે વ્યાજખોર લાલીએ વધુ ત્રણ લાખની માંગણી કરી હતી. જેથી પોલીસે તેની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વટભેર હાજર થયેલા લાલીને ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી હતી.
પોલીસે વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલીનો બીઆરસી ગેટની સામે આવેલ પ્રભુનગર સોસાયટીમાં તેની ઓફિસની આજુબાજુના વિસ્તારમાં તેનો વરઘોડો કાઢ્યો હતો. જેના કારણે લાલીના ત્રાસથી ત્રસ્ત સ્થાનિક લોકોએ ઉધના પોલીસની કામગીરીને બિરદાવી હતી.