Western Times News

Gujarati News

દિવાળી અને છઠ્ઠ પૂજાના ચાર મહિના પહેલાં જ મોટાભાગની ટ્રેનો હાઉસફુલ

પ્રતિકાત્મક

તગડા ભાડાં છતાં ટ્રેનમાં લાંબુ વેઈટિંગ

અમદાવાદ, જો દિવાળી વેકેશનમાં તમે ઉત્તર ભારત તરફ ફરવા માટે વિચારી રહ્યા હો તો જલ્દી તમારી રેલવે ટિકિટ બુક કરાવી લેજો, નહીં તો તમારે ટ્રેન સિવાયના અન્ય વિકલ્પ શોધવા પડશે. આ વર્ષે ર૯ ઓક્ટોબરથી દિવાળી શરૂ થશે. જ્યારે ૭ નવેમ્બર છઠ પૂજા છે. તે પૂર્વે ચાર મહિના પહેલાં જ ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે.

ખાસ કરીને ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ ન મળતાં પેસેન્જરો પરેશાન થઈ રહ્યા છે. દિવાળી વેકેશન કે છઠ પૂજા પર્વ આડે હજુ ચાર મહિના જેટલો સમયગાળો બાકી છે. તે પહેલાં નવેમ્બર મહિનામાં ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફૂલ છે. જેમાં ૩૦૦થી વધુનું વેઈટીંગ છે. જો કે જે તે સમયે રેલવે તંત્ર દ્વારા જરૂરિયાત પ્રમાણે વિશેષ ટ્રેન દોડાવાશે.

દિવાળી અને છઠ પર્વની ઉજવણી દરમિયાન અમદાવાદથી ઉત્તર અને પૂર્વ ભારત તરફ જતી તમામ ટ્રેન મોટાભાગે આ સમયે હાઉસફુલ થઈ જાય છે. લાંબા વેઈટીંગ બાદ હવે કેટલીક ટ્રેનમાં નો રૂમના પાટીયા લાગવાને વાર થવાની નથી.

અમદાવાદ સહિત રાજ્યભરમાં મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ સહિત અન્ય રાજ્યના લોકો વસે છે. આ તમામ લોકો માટે દિવાળી અને ત્યારબાદ ઉજવાતા છઠ પર્વનું અનેરું મહત્ત્વ છે. મોટી સંખ્યામાં તેઓ આ તહેવાર ઉજવવા વતન જતા હોય છે. ટ્રેનમાં ૧ર૦ દિવસ પહેલાં બુકિંગ શરૂ થવાની સાથે જ લોકો રિઝર્વેશન સેન્ટર પરથી તેમજ બુકિંગ એજન્ટ પાસેથી રિઝર્વેશન મેળવી લે છે,

જેના કારણે દિવાળી દરમિયાન અમદાવાદથી દિલ્હી સહિત ઉત્તર ભારત તરફ જતી આશ્રમ એક્સપ્રેસ, રાજધાની એકસપ્રેસ, હરિદ્વાર મેલ, સાબરમતી એકસપ્રેસ, અઝીમાબાદ એકસપ્રેસ, ગોરખપુર એકસપ્રેસ, ગુજરાત સંપર્‌ ક્રાંતિ, આશ્રમ એકસપ્રેસ, અમદાવાદ-દિલ્હી સુપર ફાસ્ટ, જમ્મુ તાવી, પટના એકસપ્રેસ, કામાખ્યા એકસપ્રેસ, હાવરા એકસપ્રેસ સહિત અન્ય ટ્રેન અત્યારથી જ હાઉસફૂલ થઈ ગઈ છે.

તેમાં પણ ગૌહત્તી એકસપ્રેસમાં થર્ડ એસી અને સેકન્ડ એસીમાં, આશ્રમ એકસપ્રેસમાં સેકન્ડ એસીમાં, ગોરખપુર એકસપ્રેસમાં થર્ડ એસીમાં ટિકિટ નથી ના પાટિયાં લાગી ગયા છે. અઝીમાબાદ એકસપ્રેસ, આશ્રમ એકસપ્રેસ, હરિદ્વાર મેલ સહિત કેટલીક ટ્રેનોમાં સ્લીપર કોચમાં વેઈટીંગ ૩૦૦ને પાર પહોંચી ગયું છે.

ફરવાના શોખીન એવા ગુજરાતીઓ દિવાળી વેકેશનનો પ્લાન એડવાન્સમાં કરી લેતા હોય છે. સાથે સાથે ટ્રેનમાં ટિકિટ પણ બુક કરાવી લેતા હોય છે જેના કારણે દિવાળી વેકેશનમાં ઉત્તર ભારત તરફ જતી ટ્રેન હાઉસફુલ હોય છે. ખાસ કરીને ભાઈબીજના દિવસે લોકો ગંગાસ્નાન કરવા જાય છે. ઉત્તર ભારતમાંથી આવેલા લોકો ગુજરાતમાં વસી રહ્યા છે.

તે લોકો પણ વેકેશનમાં પોતાના વતનમાં જતા હોય છે જેના કારણે દિવાળી વેકેશનને લઈ ગુજરાતથી ઉત્તર ભારત જતી ટ્રેન હાઉસફૂલ હોય છે. દિવાળી વેકેશન અને તહેવારોની સિઝનમાં રેલવેમાં મુસાફરી કરનારાઓની સંખ્યા વધુ રહે છે. ભારતીય રેલવે દિવાળીની રજાઓને ધ્યાનમાં રાખીને ૩૬ વેકેશન સ્પેશિયલ ટ્રેન ચલાવી રહી છે જે વિવિધ સ્થળોએ ૧ર૬ર ટ્રીપ કરશે જેનો લાભ ગુજરાત અને સૌરાષ્ટ્રને મળશે.

દિવાળી વેકેશનમાં હરિદ્વાર, ચારધામની યાત્રાએ જવા માટે આ વર્ષે જબરદસ્ત ધસારો જોવા મળી રહ્યો છે. હરિદ્વારની ટ્રેનમાં પણ વેઈટીંગ છે. જમ્મુ-કાશ્મીર, વૈષ્ણોદેવી, મનાલી, શિમલા, કટરા તરફ જતી હાપા-કટરા, રાજકોટ-કટરા ટ્રેનમાં પણ મોટું વેઈટીંગ છે. અનેક પ્રવાસીઓ માટે હવે તત્કાલ ટ્રેન ટિકિટ બુક કરાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. તેમના માટે હવે દિવાળીની રજાઓમાં ટ્રેનોની મુસાફરી માટે તત્કાલ ટિકિટ તેમજ ખાનગી વાહનો કે હવાઈ મુસાફરીનો વિકલ્પ જ બાકી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.