રેતીની માંખીથી ફેલાઈ રહ્યો છે રાજ્યમાં ચાંદીપુરા વાઈરસ
ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસનો આતંક યથાવતઃ મૃત્યુઆંક ૨૧ થયો-મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક કરી-ગાંધીનગરમાં ચાંદીપુરા વાઈરસનો ટેસ્ટ થશે-પ્લાસ્ટર વગરની ઈંટોની દિવાલોમાં સેન્ડ ફ્લાય ઘર બનાવે છે (જૂઓ વિડીયો)
(એજન્સી)અમદાવાદ, રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો આવી રહ્યો છે. રાજકોટમાં ૩, અમદાવાદમાં ૨ અને પંચમહાલ જિલ્લામાં ૧ બાળકનું મોત થતાં રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને ૩૫ થઈ છે. મૃત્યુઆંક વધીને ૨૧ થયો છે. અત્યાર સુધી આ વાઇરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતી,
પણ હવે અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં પણ જોવા મળી રહી છે. વાઇરસનાં સેમ્પલ ટેસ્ટિંગ અંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ચાંદીપુરા વાઇરસનાં સેમ્પલનું ટેસ્ટિંગ હવે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં થશે. સેમ્પલને પુણે મોકલવાં નહીં પડે અને ગાંધીનગરમાં જ ટેસ્ટિંગ થઈ જશે. અત્યાર સુધી સેમ્પલ પુણે મોકલતા હતા, પણ હવે જીબીઆરસીમાં વ્યવસ્થા કરી છે, એટલે ઝડપથી રિપોર્ટ મળશે.
રાજ્યના અમુક જિલ્લામાં શંકાસ્પદ #વાઇરલએનકેફેલાઇટીસ (ચાંદીપુરા)ના કેસો નોંધાયેલ છે.
જે #સેન્ડફલાય ના કરડવાથી 14 વર્ષથી નાના બાળકોમાં વધારે જોવા મળે છે.#માટીનામકાનોની દીવાલોની #તિરાડોમાં સેન્ડ ફલાય જોવા મળે છે.
માટે આ તિરાડો માટી ના લીપણથી પુરાવવી જરૂરી છે.#healthcare
#Health pic.twitter.com/06IL9dzUJB— NHM Gujarat (@NHMGujarat) July 17, 2024
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હાલની રોગચાળા અને વરસાદની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રિવ્યૂ કરવામાં આવ્યો છે. મોટે ભાગે ૪ વર્ષથી ૧૪ વર્ષ સુધીનાં બાળકોમાં આ પ્રમાણ જોવા મળ્યું છે. પરીક્ષણ માટે પુણે સેમ્પલ મોકલ્યા છે. ૭માંથી ૧ જ કન્ફર્મ ચાંદીપુરા વાઇરસનો કેસ જોવા મળ્યો છે. રાજ્યના તમામ જિલ્લામાં અધિકારીઓને સૂચના આપી પગલાં લેવા માટે કહેવાયું છે.
રેતીની માખી જ્યાં એનું ઘર બની રહે ત્યાં દવાનો છંટકાવ કરવા ટીમોને કામે લગાવી અને આવનારા દિવસોમાં તમામ જિલ્લામાં ડ્રાઈવ હાથ ધરવામાં આવશે.રાજ્યના તબીબો સાથે, આરોગ્ય વિભાગની ટીમ સાથે આ રોગમાં લાઈન ઓફ ટ્રીટમેન્ટ કેવી રીતે થઈ શકે ? એ બાબતની વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરીશું. આ રોગને કાબૂમાં લાવી શકાય એમ છે, જેથી લોકો પાણી ભરાયાં હોય ત્યાં દવાનો છંટકાવ કરે, મચ્છરથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરે. ઇમ્યુનિટી ઓછી હોય એવા લોકોને આ રોગ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદીપુરા વાઇરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેનાં પગલાંની સમીક્ષા કરી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો-કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ જિલ્લાઓમાં રોગ અટકાયત માટે મેલેથિયન પાઉડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈપણ તાવના કિસ્સામાં તરત જ સઘન સારવાર અપાય એ બાબત સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું.
અમદાવાદ ચાંદીપુરાનો કહેર યથાવત્ છે. શહેરમાં ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતાં તેમને અસારવા સિવિલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ ત્રણમાંથી બે બાળકનાં મોત થઈ ગયાં છે.૧૦ જુલાઈએ દાખલ થયેલી સરદારનગરમાં રહેતી અને મૂળ રાજસ્થાની એક વર્ષની બાળકીનું મોત થયું છે. ૧૫ જુલાઈના રોજ હોસ્પિટલમાંથી બાળકીનાં પરિવારજનો પોતાની મરજીથી રજા લઇ રાજસ્થાન ગયાં હતાં, જ્યાં તેનું ૧૬ જુલાઈએ મોત થઈ ગયું હતું. જ્યારે ચાંદલોડિયાના અર્બુદાનગરની બાળકી ૧૪ જુલાઇએ સિવિલમાં દાખલ થઈ હતી. તેનું ૧૭ જુલાઈએ સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું છે.
જ્યારે ત્રીજું ૫ વર્ષનું બાળક સૈજપુર વિસ્તારમાં આવેલા પ્રેમનગરનું હોવાનું સામે આવ્યું છે. તે ૧૫ જુલાઈથી સિવિલમાં સારવાર હેઠળ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, નોબલનગરની ૧૧ વર્ષની બાળકી હાલ સિવિલમાં દાખલ છે. વેન્ટિલેટર પર રહેલી આ બાળકીનો પણ મોડીરાત સુધીમાં રિપોર્ટ આવશે.
જામનગર જિલ્લાના ધ્રોલ તેમજ જામજોધપુરમાં પણ ચાંદીપુરાના વાઇરસના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. આ બન્ને બાળકો ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આરોગ્ય ટીમ દ્વારા બંને ગ્રામ્ય પંથકમાં આરોગ્યવિષયક પગલાં લેવા માટેની દોડધામ શરૂ કરાઈ છે. જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા બંને સ્થળે આરોગ્ય વિભાગની ટુકડીને દોડતી કરવામાં આવી છે અને સંક્રમિત બાળક અને તેના પરિવાર સહિતનાં પરિવારજનોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે.
રાજકોટમાં જ ૫ શંકાસ્પદ દર્દીનાં મોત થઈ ગયાં છે, જેમાં મોરબીના રાશિ પ્રદીપ સાહરિયાને ૧૨ જુલાઈએ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી, જેનું ૧૪ જુલાઈએ મોત થઈ ગયું છે. પડધરીના હડમતિયાનો ૨ વર્ષીય પ્રદીપ ગોવિંદભાઈ રાઠોડને ૯ જુલાઈએ દાખલ કરવામાં આવ્યો હતો અને તેનું ૧૫ જુલાઈએ મોત થઈ ગયું છે.
જેતપુરના પેઢિયા ગામનો ૮ વર્ષના કાળુ ચંપુલાલને ૧૫ જુલાઈએ દાખલ કરવામાં આવ્યો અને તેનું એ જ દિવસે મોત થઈ ગયું હતું તેમજ મધ્યપ્રદેશના ૧૩ વર્ષીય સુજાકુમાર ધનકને ૧૬ જુલાઈ દાખલ કરવામાં આવ્યો અને તેનું એ જ દિવસે મોત થઈ ગયું હતું. જ્યારે ૩ વર્ષીય રિતિક રાજારામ મુખિયા ૧૪-૭-૨૦૨૪ના રોજ દાખલ થયો હતો અને ૧૭ જુલાઈના રોજ તેનું મોત થઈ ગયું હતું.