Western Times News

Gujarati News

પોલીસ ખાતાની ઈમેજને હાનિ પહોંચાડનારા અધિકારી-કર્મચારી સામે તપાસ ચાલુ

ત્રણ પોલીસ ઈન્સ્પેકટરને અપરિપકવ નિવૃત્ત કરી દેવાયાઃ હવે કોનો વારો?

(એજન્સી)અમદાવાદ, સરકારી તંત્રમાં બેદરકારી કે સરકારી તંત્રની છબિ બગાડતા અધિકારીઓને તાકીદે ફરજ પરથી રવાના કરી દેવાના હિંમતપૂર્વકના નિર્ણય લેવામાં આવી રહ્યા છે જેમાં પોલીસ વિભાગમાંથી ત્રણ પોલીસ ઈન્સ્પેકટરને ફરજિયાત અપરિપકવ નિવૃત્ત કરી દેવાયા છે. હજુ ઘણા પોલીસ કર્મચારી-અધિકારીઓના કરતૂતને લઈને પોલીસની ઈમેજને હાનિ પહોંચી હોય તેવા લોકો સામે તપાસ ચાલી રહી છે.

તપાસના રિપોર્ટ બાદ સ્ક્રુટિની મીટિંગમાં તેમને ફરજમાંથી અપરિપકવ નિવૃત્ત કરવાનો નિર્ણય લેવાશે. હવે જોવાનું એ રહ્યું કે આ લિસ્ટમાં કયા અધિકારીઓ-કર્મચારીઓનો સમાવેશ થાય તે અંગે પોલીસ બેડામાં ભારે ચર્ચા ચાલી રહી છે.

પોલીસ ભવન ખાતેથી ૪થી જુલાઈએ જાહેરાત કરવામાં આવી હતી કે પોલીસ ઈન્સ્પેકટર દેવેન ધનાભાઈ ચાવડા (ડી.ડી.ચાવડા), રાજેશકુમાર રામકુમાર બંસલ (આર.આર.બંસલ), તથા હથિયારધારી ઈન્સ્પેકટર ફારૂક મોહમ્મદ મશરૂફ અહમદ કુરેશી (એફ.એમ.કુરેશી)ને જાહેર હિતમાં તાત્કાલિક અસરથી અપરિપકવ નિવૃત્ત કરવામાં આવે છે. અપરિપકવ નિવૃત્તિ બાદ પણ તેમની સાથેની તપાસ તો ચાલુ જ રહેશે.

આ નિર્ણયને લઈને પોલીસ ખાતામાં દોડધામ મચી જવા પામી હતી. કદાચ પ્રથમ વખત એક સાથે ત્રણ ઈન્સ્પેકટરને અપરિપકવ નિવૃત્ત કરવાના આદે કરાયા હતા. આ નિર્ણયને લઈને હવે આ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે, પોલીસની છબિ બગાડનારા કર્મચારી-અધિકારીઓ સામે તંત્ર દ્વારા ગમે ત્યારે કડક પગલાં લઈ શકાય છે. આ ત્રણ ઈન્સ્પેકટર સિવાય સરકારે કલાસ વન સિનિયર ઓફિસરો સહિત કુલ ૯ લોકોને અપરિપકવ નિવૃત્ત કરી દીધા છે.

પોલીસ ભવન ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ, હવે આવી પ્રવૃત્તિમાં ખરડાયેલા પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ સામે ચોક્કસ કડક પગલાં લેવામાં આવશે અનેક પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ સામે જુદી જુદી તપાસ ચાલી રહી છે. તેમના ગુનાના પ્રકારને ધ્યાનમાં લઈને તેમની વિરૂદ્ધ કેવા પગલાં લેવા તે હવે પછી નક્કી કરવામાં આવશે.

સામાન્ય રીતે અક્ષમ્ય ભૂલ માટે આવા કર્મચારી કે અધિકારીને પોલીસ ખાતામાંથી રવાના કરવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે જેના માટે દર ત્રણ મહિને સ્ક્રુટીની કમિટીની બેઠક મળતી હોય છે. હવે આગામી સમયમાં સ્ક્રુટીની બેઠક મળશે. જેમાં કોને અપરિપકવ નિવૃત્ત કરવા તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.