મોડાસામાં વ્યાજખોર મહિલાનો ત્રાસઃ પરિવારને જાનથી મારવા ધમકી આપી
રૂ.૭.પ૦ લાખ લીધા પછી વધુ રૂપિયાની માગ કરી ઃ શ્રમિકે આપેલ ચેક અન્ય નામે ભરી કેસ કર્યો
મોડાસા, અરવલ્લી જિલ્લામાં વ્યાજખોરીના દૂષણને ડામવા જિલ્લા પોલીસ તંત્રએ લોક દરબાર યોજી ભોગ બનેલા લોકોને ઉચા દરે નાણાં ધીરી ગેરકાયદેસર વ્યાજ વસૂલાત કરતા શખ્સો સામે ફરિયાદ નોંધાવવા આહવાન કરી ઝુંબેશ ચલાવી હતી તેમ છતાં વ્યાજખોરો બેફામ બન્યા છે.
મોડાસા શહેરની પંચજયોત સોસાયટીમાં રહેતી વ્યાજખોર મહિલાએ ઓઢા કસાણાના અને જય આદ્યશક્તિ મંડળની દુકાનમાં શ્રમિક તરીકે નોકરી કરતા શખ્સે ઘરમાં રિપેરીંગ માટે ૮૦ હજાર રૂપિયા દસ ટકા વ્યાજે લીધા પછી પારિવારિક પ્રસંગોપાત વધુ ૩ લાખ રૂપિયા ટુકડે ટુકડે લીધા હતા
જેની સામે દસ ટકા વ્યાજ પ્રમાણે ૭.પ૦ લાખ લીધા પછી વધુ ૭ લાખની માંગણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી શ્રમિકે આપેલ ચેક અન્ય નામે ભરી ચેક રિટર્નનો કેસ કરતા આખરે શ્રમિકે મહિલા સામે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોડાસા શહેરની પંચજયોત સોસાયટીમાં રહેતી હસમુતી ઉર્ફે હર્ષદકુમારી પુણ્યરાજસિંહ પરમાર નામની મહિલા મેઘરજના કસાણા પંથકમાં લોકોને ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણાં આપતી હોવાથી ઓઢા કસાણામાં રહેતા ખેમાભાઈ રણછોડભાઈ મકવાણાએ ૩ વર્ષ અગાઉ હર્ષદકુમારીના સંપર્કમાં આવ્યા હતા તેની પાસેથી સૌ પ્રથમ ૮૦ હજાર રૂપિયા દસ ટકા વ્યાજે લઈ ચુકવી દીધા હતા
તેમણે ૩ લાખ ટુકડે ટુકડે આપ્યા હતા અને ૮૦ હજારની લોન કરી આપી હોવાનું જણાવી ચેક અને ડોકયુમેન્ટ પર સહી કરાવી લીધી હતી. શ્રમિકે ૩.૮૦ લાખની સામે ૭.પ૦ લાખ રૂપિયા ચૂકવી દીધાહતા છતાં ગેરંટી તરીકે આપેલ ચેક શીણાવાડ ગામના જયેશ કાંતી પટેલના નામે ૭ લાખ રકમ ભરી ચેક રીટર્ન કેસ કરતા અને શ્રમિકને જાનથી મારી નાખવાની ધમકી આપતા શ્રમિક અને તેનો પરિવાર ફફડી ઉઠયો હતો અને વ્યાજના વિષચક્રમાં ફસાયેલ પશુપાલકે મોડાસા ટાઉન પોલીસનો સહારો લીધો હતો.
ઓઢા કસાણા ગામના ખેમાભાઈ રણછોડભાઈ મકવાણાની ફરિયાદના આધારે હસમુતી ઉર્ફે હર્ષદકુમારી પુણ્યરાજસિંહ પરમાર (રહે. પંચજયોત સોસાયટી, મોડાસા) અને જયેશ કાંતી પટેલ (રહે. શીણાવાડ) સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.