રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન દ્વારકામાં સૌથી વધુ ૧૫ ઈંચ અને પોરબંદરમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસ્યો
ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૩૭ ટકાથી વધુ: સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં ૫૪ ટકાથી વધુ વરસાદ નોંધાયો
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકમાં સૌથી વધુ ૧૫ ઇંચ જેટલો વરસાદ તેમજ પોરબંદર તાલુકામાં ૧૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ જૂનાગઢના કેશોદ તાલુકામાં ૮ ઈંચથી વધુ તેમજ વંથલી તાલુકામાં ૭ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં અને વલસાડના ઉમરગામ તાલુકામાં ૬ ઈંચથી વધુ, જ્યારે દ્વારકાના ખંભાળિયા, પોરબંદરના રાણાવાવ તેમજ વલસાડ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૦ જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૩૭ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ ૫૪ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ ૫૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૩૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૨૩ ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ ૨૩ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત વલસાડના પારડી અને વાપી તાલુકામાં, જૂનાગઢના મેંદરડા, માળિયા હાટીના, જૂનાગઢ શહેર અને જૂનાગઢ તાલુકામાં, જામનગરના કાલાવાડ તાલુકામાં તેમજ રાજકોટના ઉપલેટા તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે, માણાવદર, ભેંસાણ, જામકંડોરણા, ભાણવડ, અંજાર, જલાલપોર, જોડીયા અને નવસારી તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના આશરે ૧૯ જેટલા તાલુકામાં એક ઈંચથી વધુ અને ૭૮ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.