Western Times News

Gujarati News

810 કરોડના ખર્ચે ચોમાસુ પૂરું થતાની સાથે જ રસ્તાના કામ ચાલુ થઈ જશે

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને ચોમાસા દરમિયાન થતું નુકસાન નિવારી આવા રસ્તાઓના રિસરફેસીંગ તથા રીપેરીંગ માટે કુલ રૂ. ૧૦૦ કરોડની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. નગરો-શહેરોમા વસવાટ કરતાં લોકોને સારા રસ્તાની સુવિધા સાથે માર્ગ સલામતી મળે અને ઈઝ ઓફ લિવિંગમાં વધારો થાય એવો જનહિત ઉદ્દેશ્ય મુખ્યમંત્રીએ આ નાણાં ફાળવણીમાં રાખ્યો છે.

રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે શહેરો , નગરોના રસ્તાઓને થયેલું નુકશાન દુરસ્ત કરવા નગરપાલિકાઓ પોતાનું આગોતરું આયોજન અત્યારથી જ હાથ ધરી શકે તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નાણાં ફાળવણી એડવાન્સમાં કરવાનો અભિગમ અપનાવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં રાજ્યની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષે શરૂ કરેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નાણાં ફાળવ્યા છે. આ અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ ૨૦૨૪-૨૫ના વર્ષ માટે શહેરી વિકાસ વિભાગે ૪૦૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટની જોગવાઈઓ કરેલી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫૭ નગરપાલિકાઓમાં રસ્તાના રિપેરીંગ-રિસરફેસીંગની કામગીરી ચોમાસું પૂરું થયે વહેલી તકે શરૂ થઈ શકે અને નાગરિકોને ત્વરાએ સારા સુવિધા યુક્ત માર્ગો ઉપલબ્ધ બને તે માટે નગરપાલિકાઓની કેટેગરી મુજબ કુલ ૧૦૦ કરોડ રૂપિયા ફાળવવાની અનુમતિ આપી છે. તદ્‌અનુસાર ‘અ’ વર્ગની ૨૨ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. ૧ કરોડની, ‘બ’ વર્ગની ૩૦ નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂ. ૮૦ લાખ,

‘ક’ વર્ગની ૬૦ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. ૬૦ લાખ અને ‘ડ’ વર્ગની ૪૫ નગરપાલિકાઓને પાલિકા દીઠ રૂ. ૪૦ લાખની સૂચિત ફાળવણી માર્ગોની મરામત વગેરે કામો માટે કરાશે. આ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં નગરપાલિકાઓને માર્ગ મરામત અને સુવિધાયુક્ત માર્ગો માટે કુલ ૮૧૦.૯૫ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.