Western Times News

Gujarati News

માં અંબાનો પ્રાગટ્ય ઉત્સવ  ધામધૂમથી ઉજવાશે

અમદાવાદ: આગામી તા.૧૦ જાન્યુઆરીના પોષ સુદ પૂર્ણિમાના રોજ મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે. યાત્રાધામ અંબાજી મા અંબાનું મૂળસ્થાન હોવાથી અંબાજી માતાજીના પાટોત્સવને ખૂબ જ ધામધૂમ અને ભકિતભાવપૂર્વ ઉજવવામાં આવે છે. જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. મા અંબાના પ્રાગટ્ય દિવસની ઉજવણીને લઈ સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.

આ પોષસુદ પૂર્ણિમાના રોજ માતાજીના પ્રાગટ્ય મહોત્સવને લઈ અંબાજી મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાતાં માંઇ ભકતોમાં પણ ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ જાણે અત્યારથી જ છવાઇ રહ્યો છે. જેના ભાગ રૂપે અંબાજી મંદિરમાં ડેપ્યુટી કલેક્ટર અને વહીવટદારે અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના પદાધિકારિઓ સાથે આયોજનના ભાગરૂપે બેઠક યોજી હતી. આ સમગ્ર આયોજન વિશે અંબાજી મંદિરના વહીવટદાર અને નાયબ કલેક્ટર એસ.જે.ચાવડાએ જણાવ્યું કે, આ પાટોત્સવમાં હાથી, ઘોડા તેમજ વિવિધ ટેબ્લો સાથે વિશાળ શોભાયાત્રાનું પણ ભવ્ય આયોજન કરાયું છે.

તેમજ આ પ્રસંગે મા અંબાને ૨૦૦૦ કિલો ઉપરાંત સુખડીનો પ્રસાદ પણ ધરાવવામાં આવશે. માતાજીના પાટોત્સવને લઈ મંદિર ટ્રસ્ટ ભોજનાલયમાં એક દિવસ માટે યાત્રિકોને વિનામૂલ્યે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં મહાશક્તિ યજ્ઞ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મા જોગમાયા જગદંબાના પ્રાગટ્યદિને અંબાજીમાં ગ્રામજનો સહિત લાખો કરોડો માનવભક્તો આરાધ્યદેવીના મહોત્સવમાં ભક્તિમય રીતે જોડાય છે, તેથી સુરક્ષા વ્યવસ્થા પણ ફુલપ્રુફ રાખવાનું આયોજન હાથ ધરાયુ છે.

પૂનમના પવિત્ર દિવસે મા અંબાના જ્યોતિસ્થાન ગબ્બરથી પ્રારંભ થઇ અંબાજી મંદિર મુખ્યદ્વાર શક્તિદ્વારે મહાઆરતી બાદ સમગ્ર અંબાજીના નગરમાર્ગો પર માં અંબા ભક્તજનોને ખુદ દર્શન આપવા હાથી પર આરૂઢ થઈ નગરયાત્રાએ નીકળે છે. ભાદરવી પૂનમ જેવા આ મહામેળામાં ગામે ગામથી આવતા સંઘો, અનુપમ કલાત્મક રથ, ધજાઓ અને પદયાત્રી ભાવિક ભક્તો જેના દર્શન માટે દૂરદૂરથી ઉમટતા હોય છે.

સમગ્ર યાત્રા દરમ્યાન હજારો કિલો સુખડીના પ્રસાદ પણ માંઇ ભક્તોને વિતરણ કરવામાં આવશે. આ પૂનમને એટલેજ તો સુખડી પૂનમ કહેવાય છે. માં અંબાજીના પ્રાગટય મહોત્સવનું અનેરૂ મહત્વ અને મહાત્મ્ય હોઇ લાખો શ્રધ્ધાળુઓ અને માંઇભકતોમાં અત્યારથી જ ઉત્સાહનો માહોલ જાવા મળી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.