Western Times News

Gujarati News

ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં બેકબોન સમાન MSME સેક્ટરને બુસ્ટ મળશે

કેન્દ્ર સરકારનું સર્વગ્રાહી અને સર્વસ્પર્શી બજેટઃ ભૂપેન્દ્ર પટેલ

(એજન્સી)ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના ૨૦૨૪-૨૫ના વર્ષના બજેટ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારનું રજૂ કરાયેલું આ બજેટ વિકસિત ભારતનો સુરેખ પથ કંડારતું સર્વગ્રાહી અને સર્વસ્પર્શી બજેટ છે. એટલું જ નહિ, આ બજેટ સતત ત્રીજીવાર વડાપ્રધાનના નેતૃત્વમાં જનતા જનાર્દને મૂકેલા વિશ્વાસનું પ્રતિબિંબ રજૂ કરતું બજેટ છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનની ‘ગ્યાન’ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના સર્વાંગી વિકાસ આધારિત વિકાસની જે સંકલ્પના હતી તેને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા આ બજેટમાં ઝળકે છે, સાથે સાથે રોજગાર, કૌશલ્ય, વિકાસ, એમએસએમઈ અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે એનર્જી સિક્યુરિટી, પ્રાકૃતિક ખેતી સહિત કૃષિ ક્ષેત્રના વિકાસને પ્રાયોરિટી આપવામાં આવી છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશની આઝાદીની શતાબ્દીએ ૨૦૪૭ સુધીમાં ભારતનો યુવા વિશ્વ સમક્ષ યુથ પાવર બનીને ઉભરી આવે તે માટેની યોજનાઓ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. યુવા શક્તિના કૌશલ્ય નિખાર માટે ૨ લાખ કરોડ રૂપિયાના પ્રાવધાન સાથે આગામી વર્ષોમાં ૪.૧ કરોડ યુવાઓ માટે પાંચ નવી યોજનાઓ શરૂ થવાની છે. આ યોજનાઓથી દેશની યુવા શક્તિને રોજગાર, સ્વરોજગાર, ઉદ્યમીતા અને ઇનોવેશન ક્ષેત્રમાં નવા સોપાનો સર કરવાની નવી દિશા મળશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત માટે જે ૯ પ્રાયોરિટી તય કરી છે તેને સર્વગ્રાહી વેગ આપતું આ બજેટ છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું.
તેમણે કહ્યું કે, આ ક્ષેત્રોમાં કૃષિમાં ઉત્પાદકતા અને સમર્થન, રોજગાર અને કુશળતા, સમાવિષ્ટ માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય, ઉત્પાદન અને સેવાઓ, શહેરી વિકાસ, ઉર્જા સુરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતા, સંશોધન અને વિકાસ તેમજ આવનારી પેઢી માટે સુવિધાઓ જેવી બાબતોને બજેટમાં વણી લેવાનો પ્રયોગ આવકારદાયક છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં ૧ કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડવાથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આનાથી મોટી મદદ મળશે તેમજ વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડવાનો વડાપ્રધાનનો સંકલ્પ સાકાર થશે. એટલું જ નહિ, સર્ટિફિકેશન અને બ્રાન્ડ સપોર્ટ સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મદદ કરવાનો વડાપ્રધાનનો ખેડૂત કલ્યાણ લક્ષી અભિગમ પણ આ બજેટમાં પ્રતિબંબિત થયો છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સહકાર સે સમૃદ્ધિના મંત્રને દેશભરમાં સરળતાથી પાર પાડવા નેશનલ કો-ઓપરેશન પોલિસી લાગુ કરવાના નિર્ણયથી રૂરલ ઇકોનોમીને ફાસ્ટ ટ્રેક પર લાવવા મદદ મળશે. તેમણે રોજગાર અને તાલીમ માટે ઇ.પી.એફ.ઓ. સાથે એમ્પ્લોયમેન્ટ લિન્ક્ડ ઈન્સેન્ટિવની ૩ યોજનાઓ શરૂ કરવાની વાતને આવકારતા કહ્યું કે, જોબ ક્રિએશન ઈન મેન્યુફેક્ચરિંગ સેક્ટર સ્કીમ અંતર્ગત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નવા રોજગારને પ્રોત્સાહન અપાશે.

એમ્પ્લોયી અને એમ્પ્લોયર બન્નેને લાભ મળશે. તેમજ ગુજરાતમાં યુવાઓ અને યુવા ઉદ્યોગ સાહસિકો માટે રોજગારીની તકો વ્યાપક બનશે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ઔદ્યોગિક એકમો સાથે ભાગીદારીમાં ર્વકિંગ વુમન હોસ્ટેલ્સની સ્થાપનાથી મહિલા સશક્તિકરણ, વુમન-રિલેટેડ સ્કીલિંગ પ્રોગ્રામ્સ અને પ્રમોશન ઓફ માર્કેટ એક્સેસ માટે વિશેષ કાર્યક્રમો આયોજિત થવાની સંભાવનાઓ ગુજરાતમાં વુમન વર્કફોર્સને વધુ અસરકારક બનાવશે.

મુખ્યમંત્રીએ કોશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાના અભિગમને આવકારતા કહ્યું હતું કે, સ્કીલિંગ પ્રોગ્રામ અંતર્ગત રાજ્ય સરકાર અને ઈન્ડસ્ટ્રી સાથે ભાગીદારીમાં કેન્દ્ર સરકાર આગામી ૫ વર્ષમાં ૨૦ લાખ જેટલા યુવાનોને તાલીમ આપવાનો વ્યાપક સ્કીલિંગ પ્રોગ્રામ હાથ ધરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.