Western Times News

Gujarati News

NEET-UGની પરીક્ષા ફરી નહીં થાયઃ સુપ્રીમ કોર્ટનો ચુકાદો

નવી દિલ્હી, નીટ વિવાદમાં છેવટે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે નીટની પરીક્ષા ફરીથી લેવાની માગણી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે આ પરીક્ષા ૨૩ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ આપેલી છે અને હવે ફરીથી પરીક્ષા લેવાથી એ તમામ વિદ્યાર્થીઓને અસર પડશે. દરમિયાન, અદાલતી કાર્યવાહીને કારણે નીટ-યુજીનું અટકાવી દેવામાં આવેલું કાઉન્સેલિંગ આવતીકાલથી ફરીથી શરૂ થશે.

અદાલતે તેના ચુકાદામાં જણાવ્યું કે, આ કેસની સીબીઆઈ તપાસ થઈ રહી છે અને તપાસ હજુ અધુરી છે ત્યારે નવેસરથી પરીક્ષા બાબતે નિર્ણય લેવો ઉચિત નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, સમગ્ર રીતે જોતાં આખી પ્રક્રિયામાં કોઈ વ્યવસ્થિત રીતે ગેરરીતિ થઈ હોય એવા કોઈ પુરાવા મળતા નથી. માત્ર બે જગ્યાએ પીપર લીક થયાનું સ્પષ્ટ થાય છે. આ સંજોગોમાં તમામની પરીક્ષા ફરીથી લેવાનું ઉચિત નથી અને વ્યવહારુ પણ નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નવેસરથી પરીક્ષા લેવાનો આદેશ કરવાથી તેના ગંભીર પરિણામ આવી શકે છે, કેમ કે તેને કારણે અંદાજે ૨૩ લાખ વિદ્યાર્થીઓને અસર થઈ શકે છે. તે ઉપરાંત પ્રવેશ પ્રક્રિયા ઉપર પણ અવળી અસર પડશે. કોર્ટે એવો પણ અંદેશો વ્યક્ત કર્યો કે, આવો કોઈ નિર્દેશ આપવાથી મેડિકલ શિક્ષણના સિલેબસ ઉપર પણ નકારાત્મક અસર પડી શકે છે. ઉપરાંત ભવિષ્યમાં ડૉક્ટરોની ઉપલબ્ધી ઉપર પણ અસર પડશે.

અદાલતે તેના ચુકાદામાં એ મુદ્દે પણ સ્થિતિ સ્પષ્ટ કરી કે જેમણે નવા તથા જૂના અભ્યાસક્રમને આધારે બે જવાબને સાચા માનીને લખ્યા હતા તેમાં કોર્ટે આઈઆઈટી દિલ્હીનો અભિપ્રાય માન્ય રાખે છે. આઈઆઈટી દિલ્હીએ જણાવ્યું છે કે, વિકલ્પ-૪ સાચો જવાબ છે.

અદાલતે કહ્યું કે, આ કેસમાં ચાર દિવસ કરતાં વધુ સમય સુનાવણી કરવામાં આવી છે. આ દરમિયાન સીબીઆઈના અધિકારીની વાત પણ સાંભળવામાં આવી છે. અદાલતને લાગે છે કે નીટ યુજી ૨૦૨૪નું પેપર હજારીબાગ તથા પટણામાં લીક થયું છે અને તેમાં કોઈ શંકા નથી. આ કેસની તપાસ સીબીઆઈને સોંપ્યા બાદ સીબીઆઈએ ૧૦મી જુલાઈએ તેનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો. તે સમયે કોર્ટે તેના વચગાળાના આદેશમાં આ બાબતોનો વિચાર કરીને દ્ગ્‌છ, કેન્દ્ર સરકાર તથા સીબીઆઈને સોગંદનામાં દાખલ કરવા જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.