Western Times News

Gujarati News

પરિવારથી વિખુટા પડેલા માનસિક દિવ્યાંગ બાળકનું પરિવાર સાથે મિલન

માતા પિતાની આંખમાં છલકાયા હર્ષના આંસુ

(માહિતી)વડોદરા, સાત મહિના પહેલા પરિવારથી વિખુટા પડી ગયેલા એક દિવ્યાંગ બાળકને તેના આધાર કાર્ડની મદદથી તેના પરિવાર અને પ્રાંતનું સરનામુ શોધી સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે.

જી.એ.સી.એલ ફાઉન્ડેશન ટ્રસ્ટના સંચાલન હેઠળ સમાજ સુરક્ષા ખાતા દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ માનસિક ક્ષતિવાળા બાળકો માટે સારસંભાળ ગૃહ કાર્યરત છે.જેમાં માનસિક રીતે દિવ્યાંગ રીતે દિવ્યાંગ બાળકોને આશ્રય આપવામાં આવે છે.

વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં મળી આવેલ દિવ્યાંગ બાળકને બોલવાની તકલીફ હોવાને લીધે તે તેના માતા-પિતા કે પોતાના પરિવાર કે અન્ય કોઈપણ માહિતી આપી શકતા ન હતા. વડોદરા સ્થિત માનસિક ક્ષતિવાળા (દિવ્યાંગ) બાળક માટે સારસંભાળ ગૃહ ખાતે ૧૫ વર્ષીય સગીર છેલ્લા સાત મહિનાથી આશ્રિત હતા. જેથી જિલ્લા બાળ સુરક્ષા એકમના સ્ટાફ દ્વારા બાળકને લઈ જવામાં આવ્યો હતો.

ત્યારબાદ બાળક માનસિક રીતે દિવ્યાંગ હોવાથી પોતાના વિશે કોઈ માહિતી આપી શકે તેમ ન હોવાને કારણે જિલ્લા બાળ સુરક્ષા એકમના સ્ટાફ દ્વારા બાળકની કાળજી અને રક્ષણને ધ્યાનમાં રાખીને ચાઇલ્ડ વેલફેર કમિટી વડોદરાના આદેશથી સંસ્થા માનસિક ક્ષતિવાળા(દિવ્યાંગ) બાળકોના ગૃહ મૂકવામાં આવ્યો હતો. આ સંસ્થા ખાતે બાળકનું ખુબ સારી રીતે કાઉન્સલીંગ કરવામાં આવ્યું હતું.

જેમાં આધાર કાર્ડ માટે કામગીરી શરુ થતાં તેની નોંધણી કરાવવામાં આવી હતી. પરંતુ તેના આધાર કાર્ડ બનીને આવ્યું ન હતું.આથી વડોદરા સ્થિત માનસિક ક્ષતિવાળા (દિવ્યાંગ) બાળકો માટે સારસંભાળ ગૃહ દ્વારા આધાર કાર્ડ માટેની મુખ્ય કચેરી, મુંબઇનો સંપર્ક કરવામાં આવ્યો હતો, તેમાં વિગત જાણવા મળી કે આ બાળકનું આધાર કાર્ડ એક વખત બની ગયા છે તેથી તે ફરી બની શકે તેમ નથી તેવું જણાવ્યું હતું.

જેના આધારે મુંબઇ દ્વારા આ બાળકનું આધાર નોંધણી નંબર, તારીખ, સમય સહિતની માહિતીઓ આપી હતી. આ માહિતીઓને આધારે વડોદરા સ્થિત માનસિક ક્ષતિવાળા બાળકો માટે સારસંભાળ ગૃહ દ્વારા સંપર્ક કરી સગીરના આધાર નંબર પરથી તેમના પરિવારજનોનો સંપર્ક સાધ્યો હતો. આ માહિતીઓ પરથી જાણવા મળ્યું કે, સગીર હરિયાણાનો રહેવાસી છે.

સંસ્થાએ આ માનસિક દિવ્યાંગ બાળકના માતા-પિતા અને પરિવારજનોનો સંપર્ક કરતા તેઓ તેમના સંતાનોને લેવા વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. વિખૂટાં પડ્‌યા પછી આટલા સમયે પોતાના સંતાનોને જોઇ માતા-પિતાએ તેમના બાળકોને સહીસલામત હોવાની ખુશી વ્યકત કરી હતી.

માતા તેના બાળકને જોઇ ગળે મળીને રડી પડ્‌યા હતા. માનસિક રીતે ભલે એ બાળકને તકલીફ હોય પણ લાગણીનો તંતુ એટલો પ્રબળ હોય છે કે એમણે પણ તેના માતા-પિતા અને પરિવારજનોને લાંબા સમયે મળીને પોતાની ખુશી,હરખનાં આંસુઓ સાથે વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.