પીરાણાની દરગાહના સ્થાને મૂર્તિઓની સ્થાપનાનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો
અમદાવાદ, શહેરના પીરાણા ખાતે આવેલી દરગાહમાં મૂર્તિઓની સ્થાપના કરવાનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો છે. આ મામલે દરગાહના ટ્રસ્ટીઓ દ્વારા મૂર્તિઓ સ્થાપિત કરવા માટે ચાલી રહેલા બાંધકામને રોકવા મનાઇહુકમ માગ્યો હતો. પરંતુ હાલના તબક્કે હાઇકોર્ટે સ્ટે આપવાનો સાફ ઇનકાર કરી દીધો છે.
આ મામલે ૨૫ જુલાઈના રોજ સુનાવણી યોજવામાં આવશે. દરગાહમાં મૂર્તિ સ્થાપના કરવાના વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સૈયદ નાદીમેહમદ સફીમીયાએ હાઇકોર્ટ સમક્ષ અરજી કરી છે.
જેમાં એવી રજૂઆત કરી છે કે,ગુરુ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે કેટલાક ટ્રસ્ટીઓ દ્વારા ધાર્મિક સ્થાનમાં ચાર મુખ્ય જગ્યાઓ સહિત દરગાહના બદલે મૂર્તિઓ સ્થાપવા માગે છે.
અગાઉ બન્ને પક્ષના ટ્રસ્ટીઓ વચ્ચે સમાધાન થયું હતું પરંતુ ત્યારબાદ એક પક્ષ દ્વારા કેટલીક જોગવાઇનો ભંગ કરીને મૂર્તિ સ્થાપવા માટે બાંધકામ કરવાનું શરૂ કરાયું છે. તેથી તેઓને તેમ કરતા રોકવા જોઇએ.આ બાબતે ચેરિટી કમિશનરની કચેરીમાં પણ અરજી કરવામાં આવી છે પરંતુ ત્યાંથી કોઇ મનાઇહુકમ મળ્યો નથી.આથી તેઓને આમ કરતા રોકવા માટે મનાઇહુકમ આપવો જોઇએ.
બીજીબાજુ સતપંથી ટ્રસ્ટીઓ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, સતપંથીઓના સંપ્રદાયને હિન્દુ ધર્મના લોકો અનુસરણ કરે છે. મુસ્લિમો તેમના અનુયાયી નથી. તેમના મૂળ ગુરુ ૫૫૦ વર્ષ પહેલા થઇ ગયા જે વૈદિક ફિલોસોફીમાં માનતા હતા અને તે મુજબ અનુયાયીને આચરણ કરવાનું કહેતા હતા.
તેમના બાદ કુલ ૨૬ ગાદીપતિ આવ્યા તે બધા જ હિન્દુ હતા. આથી આ બાબત નિર્વિવાદ હોવાથી અરજદારપક્ષની કોઇપણ દાદ ગ્રાહ્ય રાખવી જોઇએ નહીં. પક્ષકારોને સાંભળ્યા બાદ હાઇકોર્ટે પ્રસ્તુત કેસમાં કોઇપણ પ્રકારનો મનાઇહુકમ જારી કરવાનો સાફ ઇનકાર કરી દીધો છે.SS1MS