જેલના કેદીઓના જીવનમાં પથરાશે સ્વરોજગાર થકી ઉજાસ
બરોડા ગ્રામીણ સ્વરોજગાર સંસ્થા દ્વારા જેલ પરિસરમાં કેદીઓને સ્વરોજગારની તાલીમ આપવા યોજાયો ખાસ તાલીમ વર્ગ
સંકલન-આલેખનઃ કૌશિક ગજ્જર પાટણ:“મેં કરેલા ગુનાની સજા પૂરી કરીને જેલમાંથી છુટીશ ત્યારે મારે કોઈની આગળ હાથ નહીં ફેલાવો પડે. જેલમાં મળેલી સ્વરોજગારની તાલીમથી પોતાનો ધંધો શરૂ કરી જીવનની ફરી શરૂઆત કરીશ.” આ શબ્દો છે પાટણ સબ જેલમાં સજા ભોગવી રહેલા બિપીનભાઈ શર્માના.
ગુનાઈત પ્રવૃત્તિ બદલ જેલની સજા ભોગવી રહેલા પાટણ સબ જેલના કેદીઓ પૈકી ૩૨ કેદીઓએ જેલમુક્ત થયા બાદ પોતાનું આર્થિક ભવિષ્ય સુનિશ્વિત કર્યું. પાટણની બરોડા ગ્રામીણ સ્વરોજગાર સંસ્થા દ્વારા આ કેદીઓને જેલ પરિસરમાં જ મીણબત્તીની બનાવટો તૈયાર કરવા તાલીમ આપવામાં આવી. પોતે કરેલા ગુનાઓની સજા ભોગવ્યા બાદ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈ સ્વમાનભેર જીવી શકે તે માટે કેદીઓ આ તાલીમ થકી જાતે જ પોતાના હુનરનો ઉપયોગ કરી સ્વરોજગાર મેળવી શકશે.
છેલ્લા ૧૮ વર્ષથી હત્યાના ગુનાની સજા ભોગવી રહેલા બિપીનભાઈ શર્મા કહે છે કે, જેલમાંથી છુટ્યા બાદ જેલમાંથી મળેલી તાલીમ થકી મીણબત્તી અને અગરબત્તી બનાવી મારા પરિવારનું ગુજરાન ચલાવી શકીશ. પ્રોજેક્ટ પાછળ મશીનરી અને રો મટીરીયલ ખરીદી સહિતનો રૂ.૧.૭૦ લાખ ખર્ચ થશે. જે પૈકી રૂ.૩૦ હજારનું રોકાણ કરી બાકીની રકમ બેંકની લોન દ્વારા મળી રહેશે.
જેલના ડાયરેક્ટર જનરલશ્રીની સુચના અને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરી અને જજ શ્રી વી.જે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પાટણ સબ જેલના ઈન્ચાર્જ અધિક્ષક શ્રી એમ.એમ.રબારી દ્વારા કેદીઓના હિતમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું. શ્રી રબારી જણાવે છે કે, કેદીઓને સ્વરોજગારની તાલીમ મળી રહે તે માટે બરોડા ગ્રામીણ સ્વરોજગાર સંસ્થાના સંચાલકોને જેલ પરિસરમાં તાલીમ આપવા રજુઆત કરી. આ તાલીમ મળવાથી કેદીઓ પ્રવૃત્તિમય રહેવાની સાથે જેલમુક્તિ બાદ જાતે જ પોતાની આવક ઉભી કરી શકશે.
બરોડા ગ્રામીણ સ્વરોજગાર સંસ્થા દ્વારા બેરોજગાર યુવાનોને તેમની અભિરૂચી અને આવડતને ધ્યાને લઈ તેમની સોફ્ટ સ્કીલને વિકસાવવા તથા પ્રાપ્ય સાધનો થકી આર્થિક ઉપાર્જન માટે પ્રેરીત કરી તેમને તાલીમ આપવામાં આવે છે. આ સંસ્થાએ પોતાનું સામાજીક દાયિત્વ અદા કરવા અનોખી પહેલ કરી પાટણ જિલ્લા જેલમાં સ્વરોજગાર તાલીમનું આયોજન કર્યું.
કેદીઓના પુનરૂત્થાન માટે તેમની જેલમુક્તિ બાદ નોકરી કે રોજગાર મેળવવા માટે મુશ્કેલી ન અનુભવે તે માટે વિવિધ રંગ તથા આકારની મીણબત્તીની બનાવટ, અગરબત્તિ, કપડા ધોવાના સાબુ અને ફિનાઈલ જેવી વસ્તુઓ બનાવવા માટે ૧૦ દિવસનો તાલીમ વર્ગ યોજવામાં આવ્યો. સાથે સાથે કેદીઓના માનસમાં હકારાત્મક અભિગમ પેદા થાય તે માટે પર્સનાલીટી ડેવલપમેન્ટ અને પોઝીટીવ થિંકીગ જેવા વિષયોને પણ તાલીમ દરમ્યાન આવરી લેવામાં આવ્યા.
આ દસ દિવસીય તાલીમ બાદ કેદીઓનું હકારાત્મક વલણ જોતાં બીજા ૩૦ દિવસની અન્ય વિષય પરની તાલીમનું આયોજન કરવા ઈન્ચાર્જ જેલ અધિક્ષક શ્રી એમ.એમ.રબારી દ્વારા આયોજન કરવામાં આવનાર છે. કોઈ ચોક્કસ સમય અને સંજોગોમાં ગુનાઈત પ્રવૃત્તિઓ તરફ વળી ગુનેગાર ઠરેલા જેલના કેદીઓને કાયદાએ તેમના ગુનાની સજા તો આપી દીધી. પરંતુ આ કેદીઓ જેલમાંથી છુટ્યા બાદ સમાજના ધિક્કારનો ભોગ ન બને તથા આર્થિક રીતે પગભર થઈ સ્વમાનભેર પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે સહયોગ આપવો એ આપણું સામાજીક દાયિત્વ છે. બરોડા ગ્રામીણ સ્વરોજગાર સંસ્થાએ આ બીડું ઝડપી અનોખી પહેલ કરી છે ત્યારે જેલમુક્તિ બાદ જીંદગીની નવેસરથી શરૂઆત કરવા તૈયાર આ કેદીઓનું નૈતિક મનોબળ વધારવા સભ્ય સમાજ તરીકે આપણે તૈયાર છીએ ને…!!!