દેશને એક રાખવાની જવાબદારી નવી પેઢીને સોંપું છું: બાઇડેન
વોશિંગ્ટન, દેશની એકતા માટેની જવાબદારી નવી પેઢીને સોંપી રહ્યો છું તેમ કહીને અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને ઉમેર્યું છે કે, ૨૦૨૪માં પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાંથી ખસી જવાના અને કમલા હેરિસને ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડેન્ટપદના ઉમેદવાર બનાવવાના નિર્ણયને ટાંકીને આવી ટિપ્પણી કરી હતી.
બાઇડેને ત્રણ દિવસ પહેલાં પ્રેસિડેન્ટપદની દોડમાં ખસી જવાની જાહેરાત કર્યા પછી પહેલી વખત અમેરિકાના લોકો સાથે સીધો સંવાદ કર્યાે હતો. ભાવુક બાઇડેને બુધવારે સંબોધનમાં જણાવ્યું હતું કે, “મેં નવી પેઢીને જવાબદારી સોંપવાનો ઉત્તમ વિકલ્પ પસંદ કર્યાે છે.
આપણા દેશને એક રાખવા માટેનો આ સૌથી સારો માર્ગ છે. જાહેર જીવનમાં લાંબો સમય પસાર કર્યા પછી નવા અને યુવા અવાજને તક આપવાનો સમય હોય અને સ્થળ હોય છે.
અત્યારે એ સમય આવી ગયો છે.” ૮૧ વર્ષના બાઇડેને કહ્યું હતું કે, “હું પ્રેસિડેન્ટ ઓફિસનું ખૂબ સન્માન કરું છું, પણ તેનાથી વધુ મને દેશ પ્રિય છે. પ્રેસિડેન્ટ તરીકે દેશની સેવા કરવું મારા માટે સન્માનની વાત છે, પણ લોકશાહીના રક્ષણ માટે મારો નિર્ણય વધુ મહત્વનો છે.
હું માનું છું કે, પ્રેસિડેન્ટ તરીકે મારો રેકોર્ડ, વિશ્વમાં મારું નેતૃત્વ, અમેરિકાના ભવિષ્ય માટે મારું વિઝન સહિતની તમામ બાબતોને જોતાં હું બીજા કાર્યકાળને પાત્ર છું. જોકે, આપણી લોકશાહીને બચાવવાના રસ્તામાં કશું પણ આવી શકે નહીં, વ્યક્તિગત મહત્વાકાંક્ષા પણ નહીં.
એટલે મેં નવી પેઢીને જવાબદારી સોંપવાનો ઉત્તમ વિકલ્પ પસંદ કર્યાે છે.” બાઇડેને કમલા હેરિસ અંગે જણાવ્યું હતું કે, “તે અનુભવી, દ્રઢનિશ્ચયી અને ક્ષમતાવાન છે. મારા તેમની સાથેના સાડા ત્રણ વર્ષના કાર્યકાળ (વાઇસ પ્રેસિડેન્ટ તરીકે)માં તે ‘ઉત્કૃષ્ટ સાથી’ રહ્યા છે.
મેં મારી પસંદગી તમને જણાવી છે. હવે તમારે અમેરિકાના નાગરિકોએ નિર્ણય કરવાનો છે.” અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અને રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડેન્ટપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ શાસન કરવા માટે યોગ્ય નથી. તેમણે હેરિસને ‘કટ્ટર વામપંથી સમર્થક’ ગણાવ્યા હતા. કમલા હેરિસ પ્રેસિડેન્ટપદના ઉમેદવાર બન્યા પછી ટ્રમ્પે પહેલી વખત ચૂંટણી સભા સંબોધી હતી.
જેમાં તેમણે હેરિસ પર આક્રમક હુમલો કર્યાે હતો. ઉલ્લેખનીય છે કે, પ્રેસિડેન્ટ જો બાઇડેને આગામી ચૂંટણીમાં ડેમોક્રેટિક પક્ષના પ્રેસિડેન્ટપદના ઉમેદવાર તરીકે ખસી જવાનો નિર્ણય લીધો છે. તેમણે નવા ઉમેદવાર તરીકે કમલા હેરિસને સમર્થન આપ્યું હતું.
૫૯ વર્ષના હેરિસનું નામ ઓગસ્ટમાં ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં પ્રેસિડેન્ટપદના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે. ટ્રમ્પે બુધવારે ચૂંટણી સભાને સંબોધતા જણાવ્યું હતું કે, “કમલા હેરિસ કટ્ટર વામપંથી સમર્થક છે. તેમને પ્રેસિડેન્ટ બનવાની તક મળશે તો તે આપણા દેશને ખતમ કરી નાખશે. આપણે એવું નહીં થવા દઇએ.” ટ્રમ્પની બાઇડેન સાથે ટક્કર હતી ત્યારે લગભગ તમામ ઓપિનિયન પોલમાં તે બાઇડેનથી આગળ હતા, પણ હેરિસની ઉમેદવારીથી સ્પર્ધામાં રસાકસીની શક્યતા છે.SS1MS